ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. સિંહલદ્વીપ

૨. સિંહલ દ્વીપ

આલ્બનીથી કોલંબો જવાને અમારી આગબોટ ઉપડી તે વેળા જાણે વહાલી આર્યભૂમિના દર્શનને માટે મન કૂદી રહ્યું હોય એવી લાગણી થતી હતી. કોલંબો પહોંચતા લગી દસ બાર દિવસ સૂધી દરિયાની સપાટી ઉપર અમારે સફર કરવાની હતી. પણ અમારી આગબોટ હિંદી મહાસાગર ઉપર ચાલે છે એમ જાણીને હિંદુસ્તાને સ્વાભાવિક રીતે અમારી હૃદયની વૃત્તિનું હરણ કીધું હતું. બીજા મહાસાગર કોઈ દેશના નામ ઉપરથી ઓળખાતા નથી. હિંદી મહાસાગર હિંદુસ્તાનને જણાવનાર છે એટલું એમાં વિશેષ છે. તેમ જે ભાગમાં થઈ અમારી આગબોટ જતી હતી તે ભાગમાં હિંદુસ્તાનના શાંત સ્વભાવનું પ્રતિબિંબ પડતું હોય એમ જણાતું હતું. જળની મોટાઈ મહાસાગર ઉપરજ પ્રગટ થાય છે. શું એનો વિસ્તાર! શું એનો ઘુઘવાટ! શું એનું ગાંભીર્ય! મોટો છતાં જે એની આગળ પોતાનું હલકાપણું કબુલ કરે છે તેને એ તારે છે! જે ભારેખમ થઈ આવે છે તેને ડુબાડે છે! લાકડાને ફૂલને, ઘાસને તરખાં રાખે છે ને રત્ન મૂક્તાદિક જે પોતાનાં મોંઘાં મૂલને લીધે મગરૂરીથી મલકાતાં રહે છે તેને તળિયે દાબે છે! હે રત્નાગર! તારી મોટાઈનો પાર નથી. પણ તરસથી પીડાતા પ્રાણીની તરસ તું દૂર કરતો નથી એ લાજવા જેવું નથી શું? આવી રીતે અનંત તર્ક કુતર્કના તુરંગો ઉપર સહેલ કરતાં અમને અમારી આગબોટે કોલંબોનું દર્શન કરાવ્યું. જે હોટેલમાં અમે ઉતારો કીધો તે ઘણીજ મોટી ને ભભકાદાર છે પણ બંદોબસ્ત મનમાનતો નથી. દરિયા કાંઠે હોવાથી હવા તરફની અનુકૂળતા ઘણી છે. એમાં સવાસો જૂદા જૂદા ઓરડા છે; ને પ્રસંગ પડે ત્યારે ત્રણસેં માણસને સૂવા કરવાની ગોઠવણ કરી શકવાને એ હોટેલ સાધન સંપન્ન છે. એના જમવાના ઓરડામાં ત્રણસેં માણસ સુખેથી જમવા બેસી શકે છે. જે ભાગમાં આ મકાન આવ્યું છે તે ભાગને ‘ફોર્ટ’ એટલે કોટ કહે છે. આગળ એ ભાગમાં પોર્તુગીઝ લોકે પોતાની વેપારની કોઠી બાંધી તે વેળા તેને કોઈ અડચણ ન કરે એ હેતુથી કોટ બાંધ્યો હતો. ઉંડી મતલબ તો નગર લઈ લેવાના હેતુથી કિલ્લાનું સાધન કરી લીધું હતું. ને પાછળથી તેમજ બન્યું. પોર્તુગીઝે શહેરનો કબજો લીધો. ત્યાર બાદ વલંદા લોક આવ્યા, તેમણે પોર્ટુગીઝને હાંકી કહાડ્યા ને પોતે ધણી ધોરી થયા. તેમણે કોટને નાનો કીધો પણ ઘણો મજબૂત બનાવ્યો. વલંદાને હાથે જેમ પોર્તુગીઝ નીકળ્યા તેમ ઇંગ્રેજ લોકે વલંદાને હરાવી કહાડ્યા. ઈ.સ. ૧૮૬૯માં ઇંગ્રેજોએ એને જમીનદોસ્ત કરવા માંડ્યો. બે વરસના અરસામાં કોટનો લોટ થઈ ગયો ને મુંબઈમાં જેમ ‘કોટ’ ને ‘બહાર કોટ’ એ નામ માત્ર રહી ગયાં છે તેમ અહીં ‘કોટ’ નું નામજ રહી ગયું છે. પણ હાલ એ લતો મકાનો વિગેરેથી એવો સુંદર બન્યો છે કે કોલંબો શહેરમાં કંઈ જોવા જોગ ભાગ હોય તો એજ છે. વેપારીની મોટી મોટી પેઢી, શરાફી દુકાન અને માલની જબરી જબરી વખારો આ ભાગમાં છે. સરકારી મુખ્ય કચેરી પણ કોટમાંજ છે. એ ભાગના રસ્તા પહોળા ને શોભિતા છે. અને બેઉ બાજુએ ઝાડ વાવ્યાં છે તેથી ફરતાં કરતાં તડકાનો ત્રાસ કમ જણાય છે. મુંબઈના કોટનો આ નાનકડો નમુનો છે.

સરકારી મકાનમાં મુખ્ય કસ્ટમ ખાતાની કચેરી, કેળવણી ખાતાની આફિસ, સેક્રેટેરિયટ અને ગવર્નરની કૌંસિલનું મકાન એ મુખ્ય છે. ગવર્નરને રહેવાનું મકાન ક્વીન્સ હાઉસ એટલે રાણીનું ઘર કહેવાય છે. કોલંબો સિંહલદ્વીપનું રાજનગર છે અને ઇંગ્લંડથી પસંદ કીધેલો હાકમ બંદોબસ્ત ચલાવે છે. આ ‘રાણીનું ઘર’ મોટું ને ભભકાદાર છે. અહીંથી દક્ષિણ તરફ થોડે છેટે ઘડીઆળનો મિનારો છે. એ મિનારો બે કામ સારે છે. કોટના લોકને વખતની સૂચના કરે છે ને દરિયાપરના વહાણને દીવાદાંડીની ગરજ સારે છે. એ મિનારા ઉપરના ફરતા દીવાના ઝબકારા દસ પંદર માઈલ દૂરથી નજરે પડી શકે છે.

વધારે દક્ષિણ તરફ ફરતાં લશ્કરી બરાખ આવે છે. જાૂના કોટના પાયા ઉપરજ આ બરાખ આવી છે; એ બાંધતાં સાત આઠ લાખ રૂપિયાનો ખરચ થયેલો કહેવાય છે. આ ઠેકામે ગોરા તથા દેશી લશ્કરનાં સૌ મળી ૧૫૦૦ માણસને રહેવાનો વગ છે. એ સઘળાંજ માણસ અહીં રહેતાં નથી પણ બીજા ભાગમાં વહેંચાતાં રહે છે. એ બધાંનો ખરચ દર વરસે દોઢ લાખ પૌંડ થાય છે તેનો અરધો ભાગ ઇંગ્લંડની સરકાર આપે છે.

કોલંબોની મોટી પોસ્ટ આફિસ તથા તાર આફિસ એ પણ કોટમાંજ છે. તેમ જાણીતાં વર્તમાન પત્રની આફિસ સઘળી આજ ભાગમાં છે. એક જાહેર પુસ્તકશાળા છે તેમાં વીસ હજાર ચોપડી છે. દેશ દેશાવરનાં છાપાં ઘણાં આવે છે. કોલંબોની વસ્તી પચરંગી હોવાને લીધે હિંદુસ્તાનનાં, તેમજ ઇંગ્રેજી, આસ્ટ્રેલિઅન અને ફ્રેંચ એવાં પરદેશી વર્તમાન પત્રની સંખ્યા બહોળી ટેબલ પર માલમ પડે છે. ‘સીલોન ઓબ્ઝરવર’ સૌથી જૂનું સ્થાનિક પત્ર છે.

કોટની દક્ષિણ કિનારે કિનારે એક બે માઈલ સુધી ફરવાની જગા ઘણી સારી છે. સડક સફાઈદાર છે. રાહદારીઓને માટે અલાયદો માર્ગ રાખ્યો છે એટલે ગાડી ઘોડે જનારને અડચણ આવે નહીં. રસ્તામાં ઇંગ્રેજ લોકને રમવાનું ક્રિકિટ ક્લબ આવે છે. ક્રિકિટની રમત એટલી સચરાચર થઈ છે કે ઘણું કરીને કોઈજ દેશ એ વિનાનો હશે. કોલંબોમાં સિંહાલી લોક તથા યૂરાપીઅનો હરીફાઈના દાવ સામ સામા રમે છે. આગળ ચાલતાં કોલુપિટિયા પરૂં આવે છે. આગળ કોલંબોનાં સંભાવિત ગૃહસ્થ અહીં મકાન કરીને રહેતા. હાલ અહીં સાહેબ લોકના બંગલા થઈ ગયા છે. આખે રસ્તે બેઉ બાજાુએ નાળીએરી વાવી છે તેથી ઘણું સરસ લાગે છે. થોડું વધારે આગળ જતાં બુદ્ધનું દેવળ આવે છે. પણ એ ઘણું મોટું નથી. કાલિનેયનું મોટું મંદીર અમે અહીં જોયું તેવડું એ નથી. કાલિનેયનું મંદીર જરા છેટે છે, ને તેમાં બુદ્ધ જે બે હજાર વરસ ઉપર હિંદુસ્તાનમાં નિર્વાણ પામ્યા તેનાં હાડકાં રાખ્યાં છે. આ મંદીરમાં સૌને જવાની છૂટ નથી. જેને છૂંદણા પાડેલાં હોય તેનેજ જવા દે છે! દર્શન કરનારને ભસ્મની આસકા કરે છે. અહીં બુદ્ધની માણસ પૂરની મૂર્તિ તથા બીજા સાધુની મૂર્તિ છે. તે બુદ્ધના વખતની છે એમ કેટલાક માને છે. દીવાલ ઉપર અર્હંતોનાં ચિત્ર છે. બુદ્ધની મુર્તિ આગળ લોક પગે પડે છે; આરતી ઉતારે છે, ઘંટ ને નોબત વગાડે છે. આ સઘળું હિંદુ દેવસ્થાનને સર્વાંશે મળતું છે. હિંદુ દેવસ્થાનમાં દેવ દેવીની મૂર્તિ હોય છે ત્યારે અહીં બુદ્ધની છે. દેવળનું બહારનું કોતર કામ બહુ વખાણવા જેવું છે. કોલંબોમાં જેમ બુદ્ધનાં દેવસ્થાન જગે જગ છે તેમ હિંદુઓનાં મંદીર પણ છે. ખ્રિસ્તિ લોકનાં દેવળ પણ અહીં તહી નજરે પડે છે.

આ ભાગમાં સૌથી સરસ જેવા લાયક તો એલાયચીની વાડી છે. મોટા મોટા ક્યારા માઈલના માઈલ સૂધી એલાયચીના છોડને માટે ખાસ રોપવામાં આવ્યા છે. ને એ રસ્તે ફરતાં ઘણી મીઠી ખુશબો આવ્યાં કરે છે.

રસ્તે દીવાના લોકનો આશ્રમ આવે છે. એ ચાર લાખ રૂપિયાને ખરચે બાંધ્યો છે ને ખરચ સઘળો સરકાર ચલાવે છે. ચારસેં ગાંડા લોકને રહેવાનો અંદર વગ છે. અહીંથી સંગ્રહસ્થાન તરફ જવાનો રસ્તો છે. સંગ્રહ સ્થાનનાં મકાનની સન્મુખ દ્વીપના માજી ગવર્નર સર વિલિયમ ગોરીનું બાવલું ઉભું રાખ્યું છે. આ માણસ ઈ.સ. ૧૮૭૨ થી ૧૮૭૭ સૂધી ગવર્નર હતો. એણે કેળવણીને ઘણુંજ ઉત્તેજન આપ્યું છે ને શહેરને સુંદર મકાનોથી દેખાવડું કરવાનું મોટું માન એને જ છે. એનું બાવલું લોકોએ ઉઘરાણું કરીને મૂક્યું છે. સંગ્રહસ્થાનનો પહેલો ખંડ ધાતુની જૂની વસ્તુઓ તેમજ ચ્હા ને કાફીના નમુનાથી ભર્યો છે. કોલંબોની ચ્હા વખણાય છે. બીજા ખંડમાં પુરાણી ચીજો જોડે જ્વાહિર, સિક્કા, સિંહલદ્વીપ તથા માલદ્વીપની કારીગરીના નમુના એકઠા કીધા છે. પુસ્તકશાળાનો ભાગ સિલોન સરકારનાં સરકારી પુસ્તક ને દફતરથી ભર્યો છે. પ્રાણી સંગ્રહ મેડી ઉપર ગોઠવ્યો છે. એમાં એક ત્રેવીસ ફૂટ લાંબી ને તેર ફૂટ ઘેરાવાની જંગી માછલી સાચવી રાખી છે. કોલંબોથી બાર ગાઉ ઉપર ૧૮૮૩ માં એ પકડી હતી. પક્ષીઓના નમુના કબાટમાં ગોઠવ્યા છે. ખેતીવાડી શીખવવાની શાળા આ સંગ્રહસ્થાનની પાસે છે.

સંગ્રહસ્થાનને અગ્નિ ખૂણે શહેરનું મુખ્ય દવાખાનું છે. આખા બેટમાં એ સહુથી મોટું કહેવાય છે. પૈસાવાળાને પાથી અરધા રૂપિયા જેટલી ફી આપવી પડે છે. દર વરસે પાંચ હજાર દરદી આ દવાખાનાનો લાભ લે છે.

દવાખાનાની સામા વૈદકની કાલેજ છે. તેમાં ઇંગ્રેજી ધોરણે વૈદક શીખવાય છે. સ્ત્રી વિદ્યાર્થીને પણ દાખલ કરે છે. નજીકમાં અસાધ્ય રોગીનો આશ્રમ છે. ઈ.સ. ૧૮૮૭માં મહારાણી વિકટોરિયાની જ્યુબિલીના પ્રસંગનો લાભ લઈ આ પરોપકારી ખાતું સ્થાપવામાં આવ્યું. એક કેળવાયેલી બાઈ માણસ દરદીની સારવાર કરે છે. આ ખાતાને લોકે વધારે મદદ કરી મોટા પાયા ઉપર મૂકવું જોઈએ.

અહીંથી ઉત્તર દિશા તરફ થોડું જઈએ એટલે બુદ્ધ ધર્મના સાધુ તૈયાર કરવાનું એક વિદ્યાલય આવે છે. એમાં બસેં જેટલા વિદ્યાર્થી સઘળા બુદ્ધ સાધુઓની પેઠેમ એકજ પીળું વસ્ત્ર પહેરીને ભણતા માલમ પડે છે. અહીં તેમને સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ભગવદ્ગીતા, વિગેરે સંસ્કૃત ભાષાના ગ્રંથો શીખવે છે. તેઓ સંસ્કૃતમાં વાત કરી શકે છે. વિદ્યાલયનો પુસ્તક સંગ્રહ પાલી હસ્ત લેખથી ભરપૂર છે. એ સઘળા તાડપત્ર પર લખેલા છે અને કેટલાક તો સચિત્ર છે. પુસ્તક સંગ્રહ મોટે ભાગે બુદ્ધ સંપ્રદાયને લગતો છે. આ વિદ્યાલયનો મુખ્ય શિક્ષાગુરૂ શ્રી મંગળ મહાન્ સાધુ છે ને સંસ્કૃત વિદ્યામાં બહુ પ્રવિણ કહેવાય છે. ઇંગ્રેજી કાલેજ જૂદી છે. તેની વ્યવસ્થા સરકારે પોતાના હાથમાં રાખી છે. એ કોલેજને રાયલ કાલેજ કહે છે. અહી પાસ થયેલાને કલકત્તાના વિદ્યાલયવાળા ત્યાંની ઉપલી પરીક્ષામાં બેસવા દે છે. એમાં ૩૦૦ વિદ્યાર્થી ભણે છે.

કોટની પૂર્વે લગોલગ ‘લોટસ પાન્ડ’ એટલે કમળ કુંડ છે. એના પાણી ઉપર ઘણાં કમળ પથરાઇ રહ્યાંથી એ નામ પડ્યું છે. તળાવની પાસે દડમારની જગા છે તે છોડી આગળ જઈએ છીએ એટલે દેશી લોકને રહેવાનો લતો આવે છે. એ ભાગને અહીંના લોક ‘પેતા’ કહે છે. એ ભાગ ઉદ્યમી દેશી વેપારી વર્ગથી વસેલો છે. સિંહાલી મૂર લોક બહુધા વેપારમાં પાવરધા છે. એ લોક ઇંગ્રેજી વેપારીના આંખના પાટા છે. કેમકે વેપારમાં ઇંગ્રેજને ઘણું ફાવવા દેતા નથી. ઇંગ્રેજો કરતાં માલ સસ્તો વેચે છે તેનાં ઘણાં કારણો છે. ઇંગ્રેજો મોટા ખરચથી ભભકાદાર દુકાનો રાખે ત્યારે મૂર લોક સસ્તામાં કામ કરે છે. દેશી લતામાં કોટ જેટલું આકરૂં ભાડું બેસતું નથી. તેમ ભારે પગારના મુનીમ ગુમાસ્તા રાખવા પડતા નથી તેની સાથે સ્વભાવે પણ કરકસરીઆ છે. આ કારણથી સ્થાનિક લોક યૂરોપીઅન વેપારીને બદલે અહીંથી વકરો કરે છે. લોક સુતરાઉ સુરવાલ, બદન ને ઘાસની ગુંથેલી ટીપી જાહેર કરે છે. આ ભાગમાં ઘણાં સિંહાલી લોક નજરે પડે છે. તેઓ સફેત ધોતર ઘાઘરા જેવું પહેરે છે. બદન પહેરે છે ને માથે વાળનો અંબોડો રાખી તે કપાળની આસપાસ ગુંથી લે છે. માથાં ઉઘાડાં હોય છે તેમાં એક દાંતીયો ખોસેલો હોય છે. સ્ત્રી લોક દાંતીયો રાખતી હોત તો તો જાણે ઠીક પણ તેમ નથી. આ તો પુરૂષ વર્ગ રાખે છે! તેમના વાળ લાંબા હોય છે.

આજ લતામાં વલંદાનો એક જૂનો ઘંટ છે.આગળ તો દેવળે આવનારા લોકોને બોલાવવા વાગતો. હવે રાતના નવ વાગતે વાગે છે તે એટલા માટે કે તેનો ટકોરો સાંભળી તમામ પીઠાં તે વખતે બંધ કરવામાં આવે. એની ઉત્તરે બંદર પાસે ટાઉન હાલનું મકાન છે. અહીં શહેર સુધરાઈની આફિસ બેસે છે. એ મકાનની ત્રણ બાજુએ સુંદર બજાર છે. એ લોઢાની બાંધી છે. એનો પાયો ઈ.સ. ૧૮૭૦માં મહારાણીના કુંવર ડ્યૂક આવ્ એડિનબરોએ નાંખ્યો હતો તેથી તેનું નામ ‘એડિનબરો મારકેટ’ પડ્યું છે. એ રાજપુત્રની છબી ટાઉન હાલમાં મૂકી છે.

પૂર્વ તરફ નીકળતાં ગ્યાસનું કારખાનું આવે છે. આ કારખાનું ઘણી જમીન રોકે છે. પચાસ સાઠ માઈલ જેટલા રસ્તાને ગ્યાસની રોશની આ કારખાનાથી પૂરી પડે છે. જે કંપની આ કારખાનું ચલાવે છે તેને નફો થતો નથી. મધરાત પછી દીવા બુઝાવી નાંખે છે અથવા અંજવાળીયામાં ચંદ્ર ઉગે ત્યારે ઓલવી નાંખે છે. આ એક જાતની કરકસર છે ખરી પણ જરૂરને વખતે ઘોર અંધારૂં થઈ જાય માટે સતત દીવા બળે એવી ગોઠવણ થવી જોઈએ. ગ્યાસના કારખાનાથી ઉગમણી દિશાએ ન્યાયની કચેરી આવી છે ચાર બાજાુએ મકાન ને વચ્ચે ચોક એવા ઘાટે એ મકાન બાંધું છે. અહીં હાઇ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અપીલ કોર્ટ, પોલીસ કોર્ટ વિગેરે ન્યાય સંબંધી આફિસનો સમાસ કીધો છે. હિંદુસ્તાનની માફક સઘળું કામ ચાલે છે. વકીલ, બારિસ્ટરોને સારી રોજગાર છે. કેમકે સિંહાલી લોક કોર્ટે ચડવાના કામમાં શૂરા છે. એ કારણથી પૈસે ટકે સુખી એવાં ઘણાં કુટુંબ પાયમાલ થઈ ગયાં છે ને થાય છે તોપણ લોક આંખ ઉઘાડતા નથી એ મોટું આશ્ચર્ય છે.

કોલંબોમાં ઝવેરીની દુકાનો ઘણી છે. એ ઝવેરો ઘણું કરી સિંહલ દ્વીપનીજ પેદાશ છે માણેક, પોખરાજ, નીલમ વિગેરે રત્ન અહીં મળી શકે છે. કોઈ કોઈવાર અમુક નદીમાંથી મળી આવે છે. સરસ રત્ન તો રતનપુર નામના નગર પાસેથી ખોદી કહાડવામાં આવે છે ને તે ઘણાં વખણાય છે. દરિયા કીનારો અને ‘આદમ પીક’ નામના પર્વતની વચ્ચે આવેલા મેદાનમાં એ નગર છે. ‘આદમ પીક’ એ યાત્રાનું સ્થળ છે ને ત્યાં સર્વ કોમ ને ધર્મના લોક યાત્રાએ જાય છે. ડુંગરને શિખરે બે ઉંડી પાદુકા છે. હિંદુઓ એમ માને છે કે શિવજીનાં પગલાં છે. બુદ્ધ લોક બુદ્ધનાં કહે છે. ખ્રિસ્તી લોકના માનવામાં બે મત છે. કેટલાક સાધુ ટામસનાં કહે છે ને કેટલાક ઇથઓપિયાની રાણી કાનેસીના નાજરનાં પગલાં કહે છે. ટુંકામાં સાર એ છે કે આ સ્થળ સઘળા પંથના લોકને માન્ય થયું છે. આ ડુંગર દરિયામાં ઘણે દૂરથી દેખાય છે. કેટલાક મુસલમાનો એવી દંતકથા ચલાવે છે કે દાદા આદમે આ પર્વત ઉપર એક હજાર વરસ સૂધી એક પગે ઉભા રહી જબરૂં તપ આદર્યું હતું.

કોલંબોમાં સિંહાલી શિવાય મદ્રાસથી આવી વસેલા તામિલ લોક તથા હિંદુસ્તાનના બીજા ભાગોમાંથી આવેલા લોક પણ નજરે પડે છે. સિંહાલી લોકનો મોટો ભાગ બુદ્ધ ધર્મને માનનારો છે. સિંહલદ્વીપમાં જ્ઞાતિના વિભાગ છે ને તે ઘણે અંશે હીંદુ જ્ઞાતીને મળતા છે. કેટલાક બ્રહ્મ વંશના કહેવાય છે; કેટલાક શૂદ્ર વંશ કહેવાય છે. રહોડીઆ જાત નીચ ગણાય છે. એક વર્ગમાં ઘણા ભાઈ વચ્ચે એક બૈરી પરણવાનો ચાલ અદ્યાપિ છે.

શહેરની યૂરોપીઅન વસ્તીના સાહસથી બંદરની અગત્યતા દિનપરદિન વૃદ્ધિ પામતી જાય છે. નવાં નવાં મકાન બંધાતાં રહે છે, રસ્તા સુધરતા જાય છે અને એ પ્રમાણે જારી રહેશે તો થોડાં વરસમાં વેપારના મથક તરીકે બંદરની પ્રતિષ્ઠા ઘણી વધશે. હિંદુસ્તાનથી, આસ્ટ્રેલિઆથી કે વિલાયતથી મેલ આવે છે ત્યારે બંદર ઉપર એક મોટો તમાશો થઈ રહે છે. તેમાં ફેરીઆ પોતપોતનો માલ લઈ ઉતારૂઓને ઘેરી વળે છે. તેમની પાસેથી બચવું મુશ્કેલ પડે છે. ‘ઇપા, પલીઆં’ એટલે જાઓ, અમારે કંઈ જોઈતું નથી એમ બોલીએ તો તેઓ સમજી જાય છે, કે આ લોક કોલંબો ને તેની બોલીથી વાકેફ છે તેથી તરત કેડો છોડે છે.

કોલંબોનો પુસ્તો સમુદ્રના પાણીને ખાળી મોટા પાયા ઉપર બાંધ્યો છે. એનો પાયો મહારાણી વિકટોરિયાના પાટવી કુંવરે નાંખ્યો છે. એ ઉપર મોટો ખરચ થયો છે. એથી ઘણાં વહાણ તોફાન વખત અહીં આસરો લઈ શકે છે. ઉત્તર તરફથી કિનારા સાથે એ પુસ્તો મેળવી દેવાય, અને તેમ કરવાની વેપારી લોકો દરખાસ્ત છે, તો દરિયો ગમે તેટલો તોફાની હોય છતાં આ બારામાં વહાણ કેવળ શાંતિથી રહી શકે એમ છે.

જાૂના પ્રવાસી આ નગરને કોલંબાના નામથી ઓળખતા. અહીંના વતની એમ માને છે કે શહેરની પાસે કલ્યાણીગંગા નામની નદી છે તે ઉપરથી તેમણે એ નામ આપેલું પણ પાછળથી પોર્તુગીઝ લોકની સત્તા હેઠળ આવ્યું ત્યારે પોતાના દેશી ક્રિસ્તોફર કોલંબસ જેણે અમેરિકા શોધી કહાડ્યું છે અને જે પ્રવાસી તરીકે મહા પ્રસિદ્ધ થયો છે તેના માન ખાતર આ નગરને કોલંબો કહેવા લાગ્યા. આ શહેરની આસપાસ સુંદર ઝાડોની ઘટાવાળા રસ્તા ઘણા છે. લીલોતરી ઘણી છે. ઝાડમાં ખજાુરાં આગળ પડતાં છે.

કેટલાંક અણધાર્યાં કારણને લીધે સિંહલદ્વીપના બીજાં નગર ફરીને જોઈ લેવાનો અમને અવકાશ આવ્યો નહીં તેથી અહીંથીજ દ્વીપને રામ રામ કરીને અમે મુંબઈ પહોંચી જવાની તૈયારી કીધી. પણ રામ રામ કરી જતાં પહેલાં મનને એમ સવાલ ઉઠે છે કે રામ રાવણનું યુદ્ધ થયું તેજ શું આ ભૂમિ છે? શું અમે પ્રાચીન લંકાના મુલકમાં હાલ છીએ? શું રાવણનો દેશ લંકાદ્વીપ ને સિંહલદ્વીપ બે એકજ હશે? એમ હોય તો ભાગવતના એક અધ્યાયમાં દ્વીપ ગણાવ્યા છે તેમાં સિંહલ અને લંકા એમ બે નોખા શા સારુ ગણાવ્યા હશે? પુરાણ ગ્રંથોમાં બેની જાૂદે જાૂદે નામે જૂદી જૂદી ગણના કીધી છે તેથી સિંહલદ્વીપ ને લંકાદ્વીપ બે જુદા હોવા જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં વળી એવો પણ લેખ છે કે વિષુવવૃત્ત ઉપર બરાબર અંતરે લંકા, યમકોટી, સિદ્ધપુર, અને રોમક એવી ચાર નગરીઓ છે. આ કારણથી સિંહલ અને લંકા એ બેની એકતા કેટલાક સ્વીકારતા નથી. કોઈ કોઈ તો જાવા સુમાત્રા તરફ લંકાની સ્થિતિ બતાવે છે. કોઈ બીજે સ્થળે બતાવે છે. હમણાના લોક સિંહલદ્વીપનેજ લંકા કહે છે. ગમે તે હોય તોપણ સિંહલદ્વીપ પ્રાચીન છે. આરબ લોક એને સેરંદીબ અથવા સિરિદિલ કહેતા. કોઈ કોઈ પ્રાચીનો એને તામ્રવર્ણી કહેતા તે ઉપરથી રોમન લોકોએ એને તાપ્રાબાની નામ આપ્યું હતું. આસરે પચીસસેં વરસ ઉપર દક્ષિણ હિંદુસ્તાનના એક વિજય નામના રાજાએ આ દ્વીપ ઉપર હલ્લો કીધો અને મુલક પોતાને સ્વાધીન કીધો. કેટલાકનું માનવું એમ છે કે સિંહલદ્વીપમાં જ્ઞાતિભેદ એ રાજાએ દાખલ કીધો. વિજયના વંશમાં ગાદીનો પ્રવાહ ચાલ્યો. તેમાં કેટલાક ઘણા વિદ્વાન ને રાજનીતિમાં કુશળ થઈ ગયા. પાછળથી કલીએ પ્રવેશ કીધો. માંહોમાંહે ફૂટફાટ ચાલી. ને દેશની એવી સ્થિતિ થઈ કે મલબાર કિનારાના ચાંચીઆ લોકો દ્વીપ ઉપર હુમલો કરવા લાગ્યા તેને સ્થાનિક રાજાઓ રોકવાને અસમર્થ થયા. ઈ.સ. ૧૫૦૫ માં એક પોર્તુગીઝ પ્રવાસી અહીં આવ્યો હતો તેણે દેશની છિન્નભિન્ન અવસ્થા જોઈને પોતાના સ્વદેશીઓને અહીં વસવા ઉશ્કેર્યા. તેઓએ પોતાનો પગ સારી રીતે જમાવ્યો; કિલ્લો બાંધ્યો; સિંહાલીની આંખ ઉઘડી પણ કંઈ ચાલ્યું નહીં ને કેટલીક લડાઈ થયા બાદ પોર્તુગીઝોએ પોતાનો કબજો મજબૂત કીધો ને દેશી ઉપર જુલમ કરવા લાગ્યા. વલંદા લોકે એ જાુલમીઓને હરાવી પોતે ઈ.સ. ૧૬૩૮ માં સત્તાધીશ થયા. એ લોકની રાજનીતિ વધારે પસંદ કરવા જેવી હતી. દોઢ સૈકો સત્તા પોતે ભોગવી. એ દરમ્યાન દ્વીપનું સ્વરૂપ, બદલાવી ઘણા સુધારા દાખલ કીધા. ઈ.સ. ૧૭૯૫ માં ઇંગ્રેજ અને વલંદા સરકાર વચ્ચે યૂરોપમાં લડાઈ જાગી. ઇંગ્રેજે એક ફોજ સિંહલદ્વીપ સર કરવાને મોકલી. વલંદા ઘણું સામા થઈ શક્યા નહીં. ને આખો દ્વીપ ઇંગ્રેજને સહજ સ્વાધીન થઈ ગયો. પ્રથમ એનો વહીવટ ઇસ્ટ ઇંડિયા કંપનીને સોંપ્યો. પછી સરકારે સર્વ સત્તા પોતેજ હસ્તગત કીધી. કાંડીના રાજાને પકડીને દેશનીકાલ કીધો ને ઇંગ્રેજ આખા દ્વીપ ઉપર સત્તા ભોગવવા લાગ્યા. હાલ ઇંગ્લંડથી ગવર્નર નીમાઇને આવે છે. એ ગવર્નર છ છ વરસે બદલાય છે. હિંદુસ્તાનની પદ્ધતિએ રાજ્ય ચાલે છે. દેશ ધીરે ધીરે આબાદ થતો આવે છે. ચ્હા, બુંદ, સિંકોના, એનાં કારખાનાં ઘણાં થયાં છે. અહીંની ચ્હા દેશ દેશાવર વખણાય છે. હિંદુસ્તાનના ઘણા લોક અહીં આવે છે. હિંદુસ્તાન અને સિલોન બેની વચ્ચે આવેલી દરિયાની ખાડીને રેલવેથી જોડી દેવાની અગત્ય ઘણી છે. એને છોડી અમે મુંબઈ તરફ પ્રયાણ કીધું.

ઉપસંહાર

કોલંબોથી નીકળી ચોથે દિવસ મુંબઈ બંદરે અમે પગ મૂક્યો. જે બિંદુથી અમારૂં પ્રદક્ષિણા ખાતે પ્રસ્થાન થયું હતું તેજ ઠેકાણે પાછું મળવું થયું. ચાદરના પડદા ઉપર જાદુઈ ફાનસના નવ નવા દેખાવો આવી પસાર થાય છે તે પ્રમાણે મારા મનના પડદા ઉપર દેશપ્રદેશની અનંત વસ્તુઓ એક પછી એક ઝડપ બંધ આવી પસાર થવા લાગી. અહો! મન ક્ષણ વારમાં કેટલું દૂર દોડી જાય છે! હે પૃથ્વી! તારી પૃથુતાનો પાર કોણ પામી શકે એમ છે! જનમભર તારી સપાટી ઉપર ભટકનાર પ્રવાસી શું જોશે, શું લખશે, શું યાદ કરશે! લોક કહે છે કે શેષ ઉપર તું રહી છે તો ભલ ભલા જોનારાને પણ તારો શેષ રહીજ જવાનો. જાત જાતના પર્વતો, તરેહ તરેહવાર ખીણો, મેદાન, જંગલો, દ્વીપો, દ્વીપકલ્પો, નદી, નાળાં, સરોવરો, એ તમામ સર્વાંશે કોણ જોઈ શકે એમ છે! પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે ઉડે છે તેમ માણસ પણ પોતાની શક્તિ અનુસાર તારા ચમત્કારો નિહાળી શકે છે. ને છેલ્લી વારે તારો અંત શોધતાં પોતાની અલ્પતાનો ખોળ કરે છે. ખાલી મગજને ઉપયોગી જ્ઞાનથી ભરી શકે છે; કુવામાં રહેનારા દેડકાના જેવા સંકોચીત મનને વિસ્તૃત કરી શકે છે અને વિવિધ લોકના સમાગમમાં આવી પોતાના સ્વભાવ ને યોગ્યતાની ખરી તુલના કરવાને સમર્થ થાય છે. ભિન્ન ભિન્ન દેશના લોકની ખાસિયત ને રીત રીવાજથી વાકેફ થવું એજ એક જાતની કેળવણી છે. પાંચે આંગળી સરખી હોતી નથી. તેમ કેટલાક સુધરેલા કહેવાતા લોકમાં મનુષ્યના એવા નમુના નજરે પડે છે કે દુષ્ટમાં દુષ્ટ કહેવાતા લોક પણ તેની અપેક્ષાએ સાધુ કહેવાય. તેવી જ રીતે કેટલાક જંગલી લોકમાં એવા ભલા દયાળુ ને પરોણાચાકરી કરનાર માલમ પડે છે કે સુધરેલા લોકમાંથી તેની હારે બેસવા લાયક ભાગ્યે મળી આવે. તોપણ સામટી રીતે જોતાં અમુક અમુક લોકમાં અમુક અમુક ખાસ ગુણ દીઠામાં આવે છે. ઇંગ્લંડના લોક સાહસિક, ઉદ્યોગી, ને હિમ્મતબાજ છે તેમ રીતભાતમાં કંઈક અતડા છે; સ્કાટલંડના બહાદુર, કરકસરીયા ને વિદ્યાવિનોદી છે; આયરલંડના સભ્ય પણ સ્વભાવે ઉતાવળા છે; ફ્રાન્સના મોજી, સુઘડ પણ કંઈક પતરાજીખોર ને જલદી ઉશકેરાઈ જાય એવા છે; જર્મન ભલા, ઠાવકા પણ જરા કરડા છે; રશિયન સહનશીલ, શુરા પણ ડંગોરીયા છે; નાર્વેના લોક ભલા ને કરકસરીયા છે. સ્વીડનના પંડિત થવાને યોગ્ય પણ તેજમાં મંદ છે. ડેન લોક સુલેહને ચાહનાર, બળવાન, પણ પૂર્વજોના સાહસને વિસરી જનાર છે; ડચ લોક કસાયલા શરીરના ને ધૃષ્ટ છે; સ્વિસ લોક સાદા ને સ્વદેશ પ્રીતિવાળા છે; ઇતાલીના લોક દેખાવડા, ચતુર પણ ગંદા આળસુ ને કોતાબાજ છે; સ્પેન પોર્તુગાલના લોક એદી ને પતરાજીખોર છે તેની સાથે સુઘડતાના શત્રુ છે; તુર્ક લોક આતિથ્ય જાણનારા, સ્વધર્મનિષ્ઠ પણ સુસ્ત ને વિદ્યાશત્રુ છે; અમેરિકન લોક ઉદ્યમી, સ્વતંત્રતાના પૂજક, કસરીયા પણ મગરૂર છે; ચીનના લોક અતી ઉદ્યમી, ચતુર પણ ગંદા છે. જપાની લોક એટલા ગંદા નથી પણ વધારે ચાલાક ને સાહસિક છે; આસ્ટ્રેલિઆના રાંક, પણ અસભ્ય અને પોતાની હુશિયારી વિષે ઉંચો; મત ધરાવનાર છે. ઉપલક ઉપલક જોતાં આમ અવલોકવામાં આવ્યું છે. બારીક રીતે તપાસતાં ઘણા અવાંતર ભેદ માલમ પડે ને જન સ્વભાવનું શિક્ષણ વધારે મળે.

આ પ્રમાણે જોયલી, સાંભળી વાતને યાદ કરતાં મુંબઈથી અમે ધરમપુર થઈ ગોંડળ આવી પહોંચ્યાં અને ત્યાં અમે અમારી ભૂપરિક્રમણની સમાપ્તિ કીધી. શાસ્ત્રમાં પૃથ્વીને ગાયનું રૂપ આપવામાં આવે છે. ગૌપ્રદક્ષિણાનું ને પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ સ૨ખું સાંભળ્યું છે. માટે ગોમંડળ (ગોંડળ) જે ગાયનું સૂચક છે તેની આસપાસ ફરી અમારી પરકમ્મામાં થયેલા ન્યૂનાધિક દોષનો પરિહાર કરી અમે સંતોષ માન્યો.

[ગોમંડળ પરિક્રમ, ૧૯૦૨]