ગુજરાતી બાળવાર્તા સંપદા/ખુશખુશાલ પરી

ખુશખુશાલ પરી

શ્રદ્ધા ત્રિવેદી

માધવી અને રેવા એક જ શાળામાં ભણતાં હતાં. માધવીના પિતા ઑફિસર હતા. સાધનસંપન્ન હતા. માધવી ભણવામાં ને રમતગમતમાં હોશિયા૨. રેવા એના જ વર્ગમાં ભણે. તેના પિતા રિક્ષા ચલાવતા. સ્થિતિ સામાન્ય. પણ ભગવાને તેને કંઠ કોયલ જેવો આપેલો. તેથી શાળામાં કોઈ પણ કાર્યક્રમ હોય, પ્રાર્થના રેવા જ કરતી ને શાળાની સંગીતસ્પર્ધામાં તે જ પ્રથમ આવતી. રેવા ને માધવી ખાસ બહેનપણીઓ. નવા સત્રની શરૂઆત થઈ. હજી માંડ એકાદ મહિનો થયો હશે ત્યારે તેમનાં મેડમે કહ્યું : ‘આપણે સપ્ટેમ્બરમાં પ્રવાસે જવાનું ગોઠવ્યું છે. તેના થોડા દિવસ પહેલાં તે અંગેની નોટિસ આવશે.’ ને ઑગસ્ટમાં નોટિસ આવી. જે દિવસે નોટિસ આવી તે દિવસે શાળા છૂટ્યા બાદ રેવાએ માધવીને કહ્યું: ‘હું આ વખતે જરૂર પ્રવાસે આવીશ. હું આજ સુધી ક્યાંય ગઈ નથી, પણ આ વખતે જરૂર આવીશ. ને તને ખબર છે માધવી? મેં આ વખતે પ્રવાસે જવા માટે પૈસા પણ ભેગા કરવા માંડ્યા છે. કઈ રીતે કહું? કોઈ મારે ઘેર આવે ને મારા હાથમાં પાંચ-દસ રૂપિયા આપે કે મૂકું ગલ્લામાં. અરે પેલાં સીમાઆન્ટીને પગની બહુ તકલીફ છે ને ! તો હું એમને માટે એ જે કહે તે લાવી દઉં. દર વખતે તે મને કંઈક આપે જ! ને તેય મૂકું ગલ્લામાં.’ ‘હા ! મારાં દાદી કાયમ કહેતાં હતાં કે બીજાનો ફેરોઆંટો કરો તો ભગવાન રાજી થાય. તું આ રીતે કોઈનું કામ કરે તો તેનું કામ થાય તેથી તે ખુશ થાય ને તને કંઈક આપે.’ માધવીએ કહ્યું. ‘હા... ને એમ મેં પૈસા મૂકે જ રાખ્યા. બે દિવસ પહેલાં જ ગણ્યા. તો બોલ, બસ્સો રૂપિયા નીકળ્યા.’ ‘વાહ ! સરસ ! તો તું નામ લખાવી જ દેજે. ભરવાના તો દોઢસો જ છે ! તું હોયને તો મને પ્રવાસમાં ખૂબ મજા આવશે ને અંતકડી રમવાની તો મજા બધાંને ખાસ આવશે.’ એમ વાતો કરતાં કરતાં બેઉ ઘર ભણી ચાલ્યાં. તે દિવસે રેવાના પગમાં જાણે પાંખો આવી ગઈ હોય તેમ તે દોડતી દોડતી ઘેર પહોંચી. તેને માને બહુ કહેવું હતું... ...ને ઘે૨ પહોંચીને જોયું તો... તેના ભાઈને, ખૂબ જ તાવ આવેલો ને પેટમાં દુઃખે ! મા તેની રાહ જ જોતી હતી. જેવી રેવા આવી કે મા કહે : ‘બેટા ! હું ભાઈને લઈને દવાખાને જાઉં છું. મેં તારા ગલ્લામાંથી બસો રૂપિયા લીધા છે હોં! તને બાપુ પાસેથી અપાવી દઈશ.’ – ને મા ભાઈને લઈને ચાલી દવાખાને ! રેવા શું બોલે ? માત્ર તેની આંખો ભીની થઈ ગઈ ને તે ખાટલા ૫૨ બેસી પડી. ‘હવે ? પ્રવાસની ફી તો ભરાશે નહીં. કાંઈ નહીં, ભાઈ તો સાજો થશે ને !’ – તે થોડી રડી ને પછી ઘરકામમાં વળગી. ચારેક દિવસમાં ભાઈ સાજો થઈ ગયો. રેવા વિચારે : ‘પ્રવાસે તો આવતી સાલ જવાશે. ભાઈ સાજો થયો એટલે બસ !’ – એ બે-ત્રણ દિવસ રેવા શાળાએ જાય પણ બોલે ઓછું. માધવી તો પોતાની ધૂનમાં રહ્યા કરે. એક દિવસ રેવા શાળાએથી ઘેર ગઈ ત્યારે તેના પિતા કહે : ‘બેટા, આજે મને સારું ભાડું મળ્યું. મેં તારા ગલ્લામાં બસો પચાસ રૂપિયા મૂક્યા છે.’ ‘પણ... બાપુ ! માએ તો બસો જ લીધા હતા. તમે પચાસ વધારાના કેમ મૂક્યા ?’ ‘તેં બસો બચાવ્યા તેમાંથી ભાઈ સાજો થયો ને! તેનું ઈનામ ! મારી પરીદીકરીને લીધે તો તરત દવા થઈ ને ભાઈ સાજો થયો. તેનું ઈનામ !’ કહી પિતાએ તેને ખૂબ વહાલ કર્યું. બહુ ઝડપથી પ્રવાસે જવાનો દિવસ આવ્યો. બસ શાળાના મેદાનમાંથી ઊપડવાની હતી. માધવીને મૂકવા તેના પપ્પા જતા હતા. ત્યાં માધવીને યાદ આવ્યું કે આ વખતે રેવા પણ પ્રવાસમાં આવવાનું કહેતી હતી. ગઈકાલે એ મળેલી પણ કોઈ વાત કરતી નહોતી. પણ... તેને બરાબર યાદ હતું કે આ પ્રવાસે તે જરૂર આવશે. તેણે પૈસા પણ ભેગા કરેલા, રેવાના ઘરનો રસ્તો આવ્યો એટલે એણે પપ્પાને કહ્યું : ‘પપ્પા ! રેવાય પ્રવાસે આવવાની છે. તો ચાલોને તેનેય જોડે લઈ જઈએ.’ ‘ઠીક, તું જા, તેને બોલાવી લાવ. હું અહીં જ ગાડીમાં તમારી રાહ જોઉં છું. પણ જોજે, બહુ મોડું ના કરતી.’ ને માધવી ગાડીમાંથી ઊતરી, દોડતીકને રેવાના ઘર પાસે પહોંચી ને બૂમો પાડવા લાગી રેવા અને તેની માએ માધવીનો અવાજ સાંભળ્યો. રેવા બારણું ખોલી બહાર આવી કે માધવી કહે : ‘અરે ! તું હજી તૈયાર નથી થઈ? પ્રવાસની બસનો ટાઈમ પણ થઈ ગયો. ચાલ, ચાલ, ઝટ તૈયાર થા. મારા પપ્પા આપણને મૂકી જાય છે.’ પણ... રેવા તો સ્થિર જ ઊભી રહી. પછી ધીમેથી કહે : ‘માધવી! મેં પ્રવાસની ફી ભરી નથી. તું જા. હું નથી આવવાની !’ ‘કેમ ? તું તો એકેય વા૨ પ્રવાસે ગઈ નથી ને આ વખતે તો તું કહેતી હતી ને કે તેં બસો રૂપિયા ભેગા કર્યા છે. તો પછી ?’ ‘માધવી ! એ બધી વાત તને પછી કરીશ. પણ અત્યારે તું જા ! કાલે મને પ્રવાસની બધી વાત કહેજે.’ ‘ખરેખર, રેવા ! તું નથી આવવાની એ સાચું કહે છે! તને તો પ્રવાસે જવાનું બહુ મન હતું ને પૈસા પણ હતા. તોય તેં ફી ન ભરી... જો સાંભળ! અત્યારે ટાઈમ નથી. પણ મેં ફી ભરી છે. મારે બદલે તું જા! હું તો દર વ૨સે પ્રવાસે જઉં છું ને વળી મમ્મી-પપ્પા સાથે આવતે અઠવાડિયે પણ ફરવા જવાની છું. ને તેય ચાર દિવસ માટે. જા, તું ઝટ તૈયાર થઈ જા. હું ને પપ્પા તારી બહાર રાહ જોઈએ છીએ.’ કહી વાવાઝોડા જેવી તે ભાગી. ને પપ્પાને કહે, ‘પપ્પા ! રેવાથી પ્રવાસની ફી ભરાઈ નથી. પણ મારે બદલે મેં તેને જવાનું કહ્યું છે. તે હમણાં તૈયાર થઈને આવશે. આપણે અહીં થોડી વાર તેની રાહ જોઈએ.’ આ સાંભળી માધવીના પપ્પા તો સડક થઈ ગયા! ‘અરે વાહ ! શાબાશ મારી દીકરી ! તું રેવાની સાચી બહેનપણી ! તેં પ્રવાસે જવાનું જતું કર્યું? બેટા ! તારા જેવી દીકરી તો કોકને જ મળે !’ તેમણે માધવીના માથે વહાલભર્યો હાથ ફેરવ્યો. ત્યાં તો રેવા અને તેની મા આવી ગયાં. રેવા ગાડીમાં બેઠી ને ત્રણે જણ પહોંચ્યાં નિશાળે ! માધવીના પપ્પાએ શિક્ષકને વાત કરીને કહ્યું : ‘માધવીને બદલે તમે રેવાને લઈ જાઓ. માધવી તો દર પ્રવાસમાં આવે છે ને વળી અમે થોડા દિવસ બાદ બહારગામ જવાનાં જ છીએ. જ્યારે રેવા માટે આ પહેલો પ્રવાસ છે. જુઓ ! તે કેટલી ખુશ છે... ને માધવી પણ !’ આ સાંભળી શિક્ષક અને આચાર્ય બંને ખુશ થયાં. આચાર્ય કહે : ‘બાળકો કેટલાં ઉમદા હોય છે! ખરેખર! ભગવાનનો અંશ ! માધવી માટે અમારુંય માન વધી ગયું.’ બધાંએ માધવી-રેવા સામું જોયું તો તે વખતે માધવી પોતાનો નાસ્તાનો ડબ્બો રેવાને આપતી હતી. રેવાની માએ તેને ડબ્બો આપ્યો હતો. પણ માધવી કહે : ના, તારો ડબ્બો મને આપ ને આ લઈ જા!’ ને તેણે રેવાનો ડબ્બો ખેંચી લીધો ને પોતાનો ડબ્બો તેને પકડાવી દીધો. આખરે બસ ઊપડવાનો સમય થયો. રેવા બસની બારીમાંથી માધવીને અને તેના પપ્પાને ‘આવજો’, ‘આવજો’ કહેતી રહી ! માધવી ખૂબ ખુશ હતી ! તેણે રેવાવાળો ડબ્બો ખોલ્યો તો તેમાં હતાં ચાર બિસ્કિટ ! ને બોલી : ‘પપ્પા ! જુઓ આ ! સારું થયું ને કે મેં મારો ડબ્બો તેને આપ્યો. મમ્મીએ તેમાં સુખડી, વડાં ને સૅન્ડવિચ મૂક્યાં હતાં !’ તેની આંખમાં આંસુ આવી ગયાં. તેના પપ્પાએ તેને તેડી લીધી ને કહ્યું : ‘બેટા ! આજે તેં જે કર્યું ને તેથી હું ખૂબ રાજી થયો, ભગવાન પણ રાજી થયા હશે. બીજાને ખુશી આપવી એના જેવું ઉત્તમ બીજું કશું નથી. બા યાદ આવે છે ને ! તે કાયમ આમ કહેતી - ને તેમાંય જરૂરિયાતવાળાને મદદ કરવી તે તો ખૂબ સારું ! તેણે જાત ઉજાળી કહેવાય. બેટા ! આજે બા પણ ખૂબ રાજી થયાં હશે ! ત્યાં આકાશેથી તને આશિષ આપતાં હશે. બેટા! તેં બહુ સારું કર્યું હોં !’ કહી બંને ગાડીમાં બેઠાં. ‘બેટા ! તારા આ સરસ કામ બદલ તનેય આજે કંઈક સરપ્રાઈઝ આપીશ.’ ‘હેં ! સાચ્ચે !’ ...ને બંને ઘેર પાછાં ગયાં. તેમને જોઈ માધવીની મમ્મીને નવાઈ લાગી ! કહે : ‘શું થયું ! બસ ઊપડી ગઈ ? કે પ્રવાસ રદ થયો ? ...ને આ માધવી તો ખુશ છે ? નવાઈ કહેવાય !’ ‘અરે ! પણ સાંભળ તો ખરી ! નથી પ્રવાસ રદ થયો કે નથી અમે બસ ચૂક્યાં. પણ... આજે આપણી આ દીકરીએ જે કર્યું તે તો અદ્ભુત !’ – ને પછી તેના પપ્પાએ બધી વાત તેની મમ્મીને કરી. મમ્મી તો વાત સાંભળતી જાય, માધવીને માથે હાથ ફેરવતી જાય ને રડતી જાય ! ત્યાં તો પપ્પા કહે : ‘આજે હવે મારા તરફથી સરપ્રાઈઝ ! આજે હું ઑફિસ નહીં જાઉં. ને માધવી જેમ કહેશે તેમ કરીશ. સાથે ફરવા જઈશું, તે કહેશે તો પિક્ચર જોવા જઈશું. બોલો મારી પરીરાણી ! શું કરીશું ?’ ‘પપ્પા! આપણે છે ને.... છે ને... તે... છે... ને... પ્રાણીસંગ્રહાલય જોવા જઈશું. ત્યાંથી બાગમાં ને પછી...’ ત્યાં તો મમ્મી કહે : ‘ને પછી માધવીની ગમતી જગ્યાએ ખાઈશું...’ ‘હા...હા...બસ ! મજા જ મજા ! પપ્પા, મેં રેવાને ખુશ કરી તો તમે મને રાજી કરી ! જાણે ખુશીનું ચકડોળ ચાલ્યું !’ ‘હા બેટા ! બા કહેતાં હતાં તેમજ. જે બીજાને રાજી કરે, ભગવાન તેને પણ રાજીપો દે !’ મમ્મીએ ટાપશી પુરાવી. ‘હા... ભાઈ હા ! બસ, હવે થાઓ તૈયાર ! એટલે આપણેય જઈએ આપણા પ્રવાસે ! ખરું ને !’ પપ્પા બોલ્યા. થોડી જ વારમાં માધવી તેનાં મમ્મી-પપ્પા સાથે જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે ખરેખર તે પરી જ લાગતી હતી ! ખુશખુશાલ પરી !