ગુજરાતી બાળવાર્તા સંપદા/બિલ્લી વાઘ તણી માસી

બિલ્લી વાઘ તણી માસી

પુષ્પા અંતાણી

એક હતી બિલ્લી. એનું નામ ચિલ્લી. ચિલ્લી ફરવાની જબરી શોખીન. દિવસ ઊગે ને ફરવા નીકળી પડે. આખો દિવસ ફર્યા જ કરે. એક વાર ફરતાં ફરતાં ચિલ્લી જંગલમાં પહોંચી ગઈ. ત્યાં એને કેટલાંક પ્રાણીઓ મળ્યાં. ચિલ્લીને જંગલના રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતી જોઈ એ પ્રાણીએ પૂછ્યું : ‘કોણ છે તું ? રસ્તા વચ્ચે કેમ ચાલે છે ? આ જંગલનો રાજા વાઘ જંગલમાં ફરવા નીકળ્યો છે. તને આમ રઝળતી જોશે તો ધૂંવાંપૂંવાં થઈ જશે.’ બિલ્લી તો છાતી ફૂલાવીને બોલી, ‘હું છું બિલ્લી, નામ છે ચિલ્લી. હું તમારા રાજા વાઘથી કાંઈ બીતી નથી.’ બિલ્લી તો આગળ ચાલી. આગળ જતાં બે વરુ સિપાહીઓ મળ્યા. બિલ્લીને રસ્તા વચ્ચે ચાલતી જોઈ તાડૂક્યા : ‘એય કોણ છે તું ? રાજા જંગલમાં ફરવા નીકળ્યા છે અને તું આમ રઝળતી ફરે છે ? રાજા જોઈ જશે તો તારી ધૂળ કાઢી નાખશે.’ બિલ્લી માથું ઊંચું કરી રુઆબથી બોલી, ‘હું છું બિલ્લી, નામ છે ચિલ્લી. વાઘ હશે તમારો રાજા ! હું કાંઈ એનાથી બીતી નથી.’ એટલામાં તો રાજા વાઘ ત્યાં આવી પહોંચ્યો. સિપાહીઓ ગભરાઈ ગયા. કંઈ સૂઝ્‌યું નહીં એટલે બંને સિપાહીઓ બિલ્લીને પકડીને વાઘ પાસે લઈ ગયા. જંગલમાં ફરવા ટાણે ખલેલ પડી એથી વાઘ ગુસ્સે ભરાયો. ત્રાડ પાડીને પૂછ્યું, ‘કોણ છે આ ?’ વાઘનો દેખાવ અને તેની ત્રાડ સાંભળીને બિલ્લીના હોશકોશ ઊડી ગયા, પણ એણે તરત જ મનમાં યુક્તિ વિચારી લીધી. સિપાહીઓએ રાજાને ઝૂકીઝૂકીને સલામ ભરતાં કહ્યું : ‘નામદાર, આ કહે છે - હું તમારા રાજાથી બીતી નથી !’ વાઘે લાલ લાલ આંખે બિલ્લી સામે જોયું. સિપાહીઓને હુકમ કર્યો : ‘એને દરબારમાં લઈ જાઓ. હું જંગલમાં ફરીને આવું, પછી એને જોઈ લઈશ.’ સિપાહીઓ બિલ્લીને પકડીને લઈ ગયા. થોડી વાર પછી વાઘ દરબારમાં આવ્યો. બિલ્લીને વાઘની સામે હાજર કરવામાં આવી. વાઘરાજાએ ગર્જના કરીને પૂછ્યું : ‘એય બિલ્લી ! તું મારાથી બીતી નથી ?’ બિલ્લી પગના પંજાથી શરીર ખંજવાળતી બેદરકારીથી બોલી : ‘ના... હું તમારાથી બીતી નથી.’ વાઘ વધારે ગુસ્સે થયો. ‘તને ખબર છે, હું આ જંગલનો રાજા છું ?’ ‘તે હશો ! એમાં મને શું ? હું તો નથી આ જંગલની કે નથી તમે મારા રાજા ! વળી હું તમારા કુટુંબની જ કહેવાઉં, એટલે તમારાથી શા માટે ડરું ?’ ‘મારા કુંટુંબની એટલે ? જરા સમજાય એવું બોલ.’ વાઘરાજાએ આશ્ચર્યથી પૂછ્યું. બિલ્લી મોઢું ફુલાવીને બોલી : ‘વાઘરાજા, તમને એટલીયે ખબર નથી ? તમારી મા અને હું બે બહેનો થઈએ ! વાઘ કહે : ‘જા જા હવે ! જૂઠું બોલે છે ? ક્યાં મારી પડછંદ વાઘણ મા અને ક્યાં તું આટલીક અમથી ફૂતકડી બિલ્લી ! તું તો મારાં બચ્ચાં જેવડી પણ નથી !’ ડોકું હલાવતાં બિલ્લી ઠાવકાઈથી બોલી : ‘તમારી વાત સાચી છે, વાઘજી ! છતાં અમે બે બહેનો છીએ. તમારી મા પડછંદ અને હું ફૂતકડી એ પાછળ પણ લાંબી વાત છે.’ વાઘને બિલ્લીની વાતમાં રસ પડ્યો. એણે પૂછ્યું : ‘એવી તે કઈ વાત છે ?’ બિલ્લીબહેને વાત શરૂ કરી : ‘હું અને તમારી મા બે બહેનો. તમારી મા સૌથી મોટી અને હું સૌથી નાની. તમારી મા થોડી મોટી થઈ એટલે એ જંગલમાં એક સરસ જગ્યાએ ઘર માંડી રહેવા લાગી. પછી તો એ જંગલનાં પ્રાણીઓનો શિકાર કરી માંસ ખાય, એનું લોહી પીએ અને તગડીમગડી બનતી જાય.’ વાઘ પોતાની વાત ધ્યાનથી સાંભળે છે કે નહીં તે જોવા માટે બિલ્લી જરા અટકી. વાઘે પૂછ્યું, ‘પછી ?’ ‘હા... હું તો સાવ નાની હતી. એક વાર હું એકલી એકલી ગુફાની બહાર રમતી હતી. રમતાં રમતાં ગુફાની દૂર નીકળી ગઈ. પછી રસ્તો ભૂલી ગઈ. જંગલમાંથી એક ગામમાં પહોંચી ગઈ. ત્યાં જંગલનાં કોઈ પ્રાણી ન મળે તેથી હું એક બાજુ ઊભી રહીને રડતી હતી. એટલામાં રાજુ નામનો એક છોકરો આવ્યો. એણે મારાં આંસુ લૂછ્યાં. મને પ્રેમથી પંપાળી. પોતાના ઘેર લઈ ગયો. એણે મને પાળી લીધી. રોજ પોતે ખાય તે ખાવાનું મને ખવડાવે. દૂધ, દહીં, રોટલી... આવું બધું ખાઉં એટલે મારું શરીર નાનકડું જ રહ્યું. એથી હું ફૂતકડી જ રહી. હવે સમજ્યા મારી વાત ?’ વાઘરાજા અને બધાં પ્રાણીઓને બિલ્લીની વાત સાચી લાગી. વાઘ ખુશ થઈ ગયો. એ ઊભો થયો, બિલ્લીને પ્રણામ કર્યા, પછી બોલ્યો : ‘મારી મા તો મરી ગઈ છે, પણ તું મારી માસી છે... હવેથી તું આ જંગલમાં આનંદથી રહી શકે છે.’ બિલ્લી બોલી : ‘ના... બાબા, ના ! મારો દોસ્ત રાજુ મારા વગર જીવી જ ન શકે ! એ અત્યારે પણ મને શોધી શોધીને રડતો હશે. હું તો હવે જઈશ મારા ગામમાં !’ વાઘે ચિલ્લીમાસી પર પ્રેમથી પંજો ફેરવતાં કહ્યું : ‘ચિલ્લીમાસી, જેવી તમારી મરજી... હવે જ્યારે પણ મન થાય ત્યારે જંગલમાં ફરવા જરૂર આવજો.’ બિલ્લી ગામ ભણી આવવા રવાના થઈ. વાઘરાજા અને જંગલનાં બધાં પ્રાણીઓ બિલ્લીમાસીને વિદાય આપતા બોલ્યાં : ‘આવજો, માસી... આવજો, ચિલ્લીમાસી...’ બિલ્લી મનમાં મલકાતી મલકાતી આખા રસ્તે બોલતી રહી : ‘હું તો વાઘ તણી માસી, હું તો વાઘ તણી માસી...!’