ગુજરાતી બાળવાર્તા સંપદા/વરાળ બની મોતી

વરાળ બની મોતી

પુષ્પા અંતાણી

એક હતી છોકરી. પતંગિયા જેવી. આમથી તેમ જાણે ઊડ્યા જ કરે. એનું નામ ઈવા હતું. ઈવાને જાતજાતની કલ્પના કરવાનું બહુ ગમે. કોયલનો ટહુકો સંભળાય અને એ બહાર દોડી જાય. એને એવું લાગે કે કોયલ એને બોલાવે છે. ઈવા પણ સામે જવાબ આપવા ટહુકો કરે. છોડ પર ખીલેલા ગુલાબના ફૂલને જુએ ને એને એવું થાય કે જાણે ફૂલ એની સામે જોઈને હસે છે. ઈવા પણ ફૂલની સામે મરક મરક મલકાય. રાતે આકાશમાં ઝબૂકઝબૂક થતા તારા જાણે એની સામે આંખો પટપટાવી રહ્યા હોય એવું એને લાગે. ઈવા પણ તારા સામે આંખો પટપટાવે. આવી અનેક કલ્પનાઓ કરતી એ પોતાની મસ્તીમાં નાચતીકૂદતી રહે. એક દિવસ ઈવા તૈયાર થઈને બહા૨ જતી હતી. એણે ડોકમાં સફેદ મોતીની સરસ મજાની માળા પહેરી હતી. બહાર જતાં પહેલાં એ પાણી પીવા માટે રસોડામાં ગઈ. પાણી પીને એ ગ્લાસ નીચે મૂકવા જતી હતી ત્યાં એનો હાથ માળામાં અટવાયો અને માળા તૂટી ગઈ. બધાં મોતી ટપટપ કરતાં નીચે વેરાયાં. ઈવાને ખૂબ દુઃખ થયું. એની આંખોમાં આંસુ આવી ગયાં. તેવામાં એને ક્યાંકથી કશોક અવાજ સંભળાયો. ઈવાને લાગ્યું કે કોઈક એને બોલાવી રહ્યું છે. એ ચારે બાજુ જોવા લાગી. અચાનક એની નજ૨ ગૅસના ચૂલા ૫૨ પડી. મમ્મીએ ત્યાં તપેલામાં પાણી ઉકાળવા મૂક્યું હતું. ઊકળતા પાણીનો અવાજ સંભળાતો હતો. ઈવાને લાગ્યું કે આ પાણી મને કંઈક કહેવા માગે છે. ત્યાં તો એને ખરેખર કોઈ બોલાવતું હોય તેવું સંભળાયું. ‘એ તો હું...’ અવાજ સંભળાયો. ઈવા કહે : ‘હું એટલે કોણ ?’ ‘હું... વરાળ... જરા ઉપર જો...!’ ઈવાએ ઉપર જોયું. તપેલામાં ઊકળતા પાણીમાંથી નીકળતી વરાળ ઉપરની તરફ જતી હતી. ઈવા એને જોઈ રહી. ‘હા, હું જ છું... વરાળ... તુંયે દુઃખી ને હું પણ દુઃખી !’ વરાળે કહ્યું. ‘મારી તો માળા તૂટી ગઈ છે અને બધાં મોતી નીચે વેરાયાં એથી હું દુઃખી છું. તને કઈ વાતનું દુઃખ છે ?’ વરાળ બોલી : ‘મારા દુઃખનું કારણ પણ તારી માળાનાં મોતી જ છે !’ ઈવાને નવાઈ લાગી. એણે પૂછ્યું, ‘એ કઈ રીતે ?’ વરાળે કહ્યું, ‘તારાં મોતીનું રૂપ જોઈને મને મારા પર ધિક્કાર છૂટે છે ! આ બધાં મોતી.... આ... હા... હા... હા... કેવાં રૂપાળાં છે ! કેવાં ઘાટીલાં છે ! અને હું ? મારો નથી કોઈ ઘાટ કે નથી કોઈ આકાર... મારે પણ મોતી બનવું છે. ઈવા, હું શું કરું ?’ ઈવા તરત બોલી : ‘એક કામ કર... તું મોતીને જ પૂછ ને !’ વરાળ મોતીને પૂછવા લાગી : ‘મોતી, મોતી... મારે પણ મોતી બનવું હોય તો હું શું કરું ?’ મોતી કહે : ‘આપણે શું બનવું તેના વિશે આપણે નક્કી ન કરી શકીએ. એ તો ભગવાન જ નક્કી કરે. તું ભગવાન પાસે જા.’ ‘ભગવાન ક્યાં મળે ?’ વરાળે પૂછ્યું. ‘ઉ૫૨ આકાશમાં...’ મોતીએ જવાબ આપ્યો. વરાળને તો મોતી બનવું જ હતું. એટલે એ તો ભગવાનને મળવા માટે ઉ૫૨ ને ઉપર આકાશ તરફ જવા લાગી. એ જતાં જતાં ઈવાને કહેતી ગઈ : ‘જોજે, હું એક દિવસ મોતી બનીને તારી પાસે આવીશ.’ ઈવાએ વિચાર્યું, વરાળ કેવી રીતે મોતી બનશે ? પણ એ તરત બોલી, ‘સારું. હું તારી રાહ જોઈશ... આવજે... બેસ્ટ લક !’ કેટલીયે રાતો અને કેટલાય દિવસો પસાર થઈ ગયા. ટાઢ પડે, તાપ લાગે, પણ વરાળ તો ઉ૫૨ ને ઉ૫૨ જાય દોડી. આકાશ સુધી પહોંચતાં તો કેટલાય મહિના વીતી ગયા. અંતે વરાળે આકાશમાં ભગવાનને શોધી કાઢ્યા. ભગવાન પાસે જઈને વરાળે કહ્યું : ‘ભગવાન, તમે મને આવી કેમ બનાવી ?’ ભગવાન બોલ્યા : ‘કેમ, શું થયું ?’ વરાળ કહે : ‘મારો નથી કોઈ આકા૨, નથી કદ, નથી મારું કોઈ રૂપ ! મને મારા દેખાવ પર શરમ આવે છે. મારે તો રૂપાળું રૂપાળું મોતી બનવું છે. તમે મને મોતી બનાવી દો.’ વરાળની વાત સાંભળીને ભગવાન હસ્યા, પછી બોલ્યા : ‘મોતી બનવું કંઈ સહેલું નથી. તું તો વરાળ છે. મોતી બનવા માટે તો તારે મોટું તપ કરવું પડશે.’ વરાળ તરત બોલી : ‘વાંધો નહીં, તમે કહેશો એ તપ કરીશ, પણ મારે મોતી બનવું જ છે.’ ભગવાન કહે : ‘સારું... તો આજથી જ તપ શરૂ કરી દે.’ વરાળ તપ કરવા માટે દોડી ગઈ. દિવસોના દિવસો સુધી તપ કરતી રહી. એમ કરતાં એક દિવસ વરાળે આંખો ખોલી. તે સાથે જ એ આશ્ચર્યમાં ડૂબી ગઈ. આ શું ? હું તો સાવ જ બદલાઈ ગઈ ! અરે, હું તો કાળું ડિબાંગ વાદળ બની ગઈ છું ! એ રડતી રડતી ભગવાન પાસે ગઈ. ભગવાનને કહ્યું : ‘ભગવાન... ભગવાન... તમે આ શું કર્યું ? મારે તો મોતી બનવું હતું અને તમે તો મને કાળું વાદળ બનાવી દીધી ! પ્રભુ, તમે કહ્યું એ તપ પણ મેં કર્યું. હવે તો મને મોતી બનાવો.’ ભગવાન કહે : ‘શાંત થા. હું તારા તપથી બહુ રાજી થયો છું. જા, હું તને મોતી બનાવીને ધરતી ૫૨ મોકલું છું.’ તે સાથે જ ચારે બાજુ અંધારું છવાઈ ગયું, વીજળી ચમકવા લાગી, વાદળાં ગાજવા લાગ્યાં. વીજળીના કડાકાભડાકા સાંભળીને ઈવા દોડતી આંગણામાં આવી. એને થયું કે હવે ચોક્કસ વરસાદ વ૨સશે. ત્યાં તો વરસાદ વરસવા લાગ્યો. વરસાદની દરેક ધાર જમીન ઉપર પટકાતાં એમાંથી જાણે અસંખ્ય મોતીઓ સ૨વા લાગ્યાં. ઈવા આવું સરસ મજાનું દૃશ્ય જોઈ રહી હતી ત્યાં જ વરસાદનાં ટીપાંમાંથી એણે અવાજ સાંભળ્યો : ‘ઈવા, હું મોતી બનીને આવી ગઈ છું !’ ઈવાને નવાઈ લાગી, આ કોણ બોલ્યું ? ‘તું કોણ બોલે છે ?’ ઈવાએ પૂછ્યું. ‘ભૂલી ગઈ ? હું વરાળ... જો તારા આંગણામાં મોતી બનીને વરસું છું ને ?’ ઈવા રાજી થઈ ગઈ. એણે કહ્યું : ‘હા, સાચે જ આ વરસાદનાં ટીપાં કેટલાં બધાં મોતીની જેમ જમીન ઉપર ટપકે છે !’ આટલાં બધાં મોતી જોઈને ઈવાને મજા આવી ગઈ. એણે પોતાનો હાથ લાંબો કર્યો અને આકાશમાંથી ટપકતાં મોતીઓને પોતાની હથેળીમાં ઝીલવા લાગી.