ગુજરાતી બાળવાર્તા સંપદા/મંજુ માખીનું સ્વચ્છતા અભિયાન
અનંતરાય રાવળ
એકનું કામ જોતાં જ બીજાને પણ એવું સારું કામ કરવાની ઇચ્છા થાય જ, જો એ સમજુ શિક્ષિત હોય તો. બાકી અદેખી વ્યક્તિ તો બીજાનાં વખાણ સહન કરી જ ન શકે અને એના કામમાં પથરા નાખવાનો પ્રયત્ન કરે. પણ મંજુ માખી ચકા-ચકીના કામમાં બને તેટલી મદદ કરતી. એની ઊડવાની ઝડપ ખૂબ તેથી દૂર દૂર સુધી ઊડીને બારીક નજરે બધું જોતી. ચારેબાજુ ગંદકી પથરાયેલી એની નજરે પડતી. જાત્રાળુઓને સ્વચ્છતાનું જાણે ભાન જ નહીં હતું. જ્યાં બેસે, સૂવે, ત્યાં જ પાણી ઢોળે, ગંદકી કરે, તેમાં જ ખાય, જીવજંતુ માખીઓને તો મઝા પડી જાય. ગંદકી પર બણબણ કરતાં જ રહે. ઉનાળાના દિવસોમાં તો તોબા, જાતજાતની કેરી બધા ખાય ને ચારેબાજુ છાલ ગોટલાના ઢગલા થાય. રોજ સાફ કરનાર આવે નહીં, એટલે અણસમજુ જીવડાંને રોજ મિજબાની. ત્યાં ગંદકી પર બેઠેલી માખીને આજુબાજુની હૉસ્પિટલના દર્દીઓના ઘાનાં લોહી-પરુ પણ કચરાની પેટીઓમાં દેખાય. ત્યાંથી એ રોગના જંતુ પોતાની પાંખમાં ચોંટે, તે યાત્રાળુઓના, મુસાફરોના, સદાવ્રતના ખાવાના પર માખીઓ બેસે એટલે ત્યાં ચોંટે. આમ રોગ ફેલાય. લોકો માખીને બદનામ કરે, પણ પોતે સ્વચ્છતા રાખવાની દરકાર નહીં કરે. મંજુમાખીથી પોતાની જાતની બદનામી કેમ સહન થાય ? એણે કાચબાજીના ક્લાસમાં, સ્વચ્છતા વિષે ખૂબ સાંભળ્યું હતું અને કાચબાજી સાથે એ માટે કામ પણ કર્યું હતું. ખાખરાના પાન પર ઝાડના રસમાં સળી બોળી એણે સ્વચ્છતા રાખવા, તેનાથી થતા ફાયદા વિષે જાતજાતનાં લખાણ લખી બધે ચીટકાડ્યાં. પછી પોતાના સ્વયંસેવકો મારફત મોટેથી વંચાવતી. બીજી માખીઓને સમજાવતી. એનું પરિણામ સારું આવતું ગયું. પછી બધે ફરી ભીના કચરા પર પાંદડાં ઢાંક્યાં. સૂકો કચરો જુદો તારવ્યો. સૂરજના તાપથી કચરો સુકાતો, એને સૂકા ભેગો ભળવા એનું ખાતર બનાવવાનું શરૂ કર્યું. આજુબાજુની પડતર જમીન પર એ પાથર્યું. એમાં નવા છોડવા રોપ્યા. ચારેબાજુ હરિયાળી પથરાઈ ગઈ. અદેખી માખીઓ ક્યારેક આડી જતી ત્યારે મંજુમાખી તેમની મિત્ર બની, માખીની જાત પર લાગેલું કલંક દૂર કરવા સમજાવતી. કૂતરા, બિલાડી, વાંદરા પાસે ગીત તૈયાર કરાવ્યું. ‘કચરા મત ફેંકો, જરા સમજો, રોગ કો મત ફૈલાઓ.’ બધા ગાતા ગાતા ડબ્બા, ગોપલા ડમ્પિંગ, ગ્રાઉન્ડમાં ફેંકી આવતા. બીજી માખીઓ ફૂલમાંથી અત્તર ખેંચે, ભમરાની જેમ જ સ્તો. તે દવામાં અર્ક તરીકે વાપરવા આપતી. આમ જોરજુલમથી નહીં પણ જાતે કામ કરી દાખલો બેસાડ્યો, સ્વચ્છતાની કિંમત સમજાવી. જંગલમાં સ્વચ્છતા ફેલાઈ.