ગુજરાતી બાળવાર્તા સંપદા/હંસોનું સમર્પણ

હંસોનું સમર્પણ

દર્શક

હિમાલયમાં એક વિશાળ સરોવર હતું. એમાં તરવા માટે ભાત ભાતનાં પંખીઓ ટોળે મળતાં. આ પંખીઓમાં હંસોનું એક ટોળું પણ રહેતું. બીજાં પંખીઓ કલબલાટ કરતાં એકબીજાને ચાંચો મારતાં, પણ આ હંસોના ટોળામાં કોઈ દિવસ એવું થયું નહોતું. આનો જશ ટોળાના રાજા ધૃતરાષ્ટ્ર અને પ્રધાન સુમુખને હતો. રાજા અને પ્રધાન ટોળામાંના નાના હંસોને સાચવતા, યુવાન હંસોને તરતાં ને ઊડતાં શીખવતા ને વૃદ્ધ હંસોને આદર આપતા. બધા હંસો કહેતા : “આગેવાન હોય તો આવા હજો.” સરોવરમાં જ નહિ પણ દેશપરદેશમાંયે હંસ રાજા-પ્રધાનની વાતો થતી. એક વાર કાશીના રાજા બ્રહ્મદત્તે આ બે સુંદર અને શાણા હંસો વિશે સાંભળ્યું. એણે પોતાના પ્રધાનને કહ્યું : “મારે એ બે હંસોને જોવા છે.” “મહારાજ, હંસો તો હિમાલયમાં રહે છે, જ્યારે શરદઋતુની શોભા ખીલે અને મેદાન ઝૂલતા પાકથી ભરાઈ જાય ત્યારે આ હંસોનાં ટોળાં ઊતરી આવે છે. પણ હંસ બહુ સાવચેત પંખી છે. એને પકડવું મુશ્કેલ છે.” રાજા કહે, “જે ખર્ચ કરવું ઘટે તે કરો, પણ મારે તો એ બે હંસ જોઈએ !” પ્રધાને ઘણો વિચાર કરીને એક વિશાળ સરોવર તૈયાર કરાવ્યું. પછી રાજાની આજ્ઞા મેળવી ગામેગામ ઢંઢેરો પીટાવ્યો કે રાજાએ પક્ષીઓનાં આનંદ અને સુખ માટે સરોવર બંધાવ્યું છે. એ સરોવર અને તેની પાંચ કિલોમીટર ફરતી જમીનમાં રહેનારાં બધાં પંખીઓને રાજાએ અભયદાન આપ્યું છે. આ ઢંઢેરો સાંભળી અનેક પંખી ટોળે વળી ત્યાં આવવા લાગ્યાં. મોર, મેના, પોપટ, જળકૂકડી અને એવાં બીજાં પંખીઓના અવાજથી સરોવરના ચારે કાંઠા ગાજવા લાગ્યા. તેમને કોઈ ઉડાડતું નહીં, ત્યાં રંજાડે તો કોણ ? રાજા તો અવારનવાર ખબર પૂછતો : “હંસો આવ્યા ?” પણ તેઓ હજુ આવ્યા નહોતા. એક વાર ધૃતરાષ્ટ્રના ટોળાના કેટલાક યુવાન હંસો મેદાન તરફ આવતા હતા, ત્યાં તેમણે આ વિશાળ સરોવર જોયું. એમાંનો એક હંસ કહે : “આપણા રહેઠાણ જેવું જ આ સરોવર કોણે બંધાવ્યું હશે ? ચાલો, આપણે ઊતરીએ.” તેઓ બધા નીચે ઊતરતા હતા ત્યાં ઢોલીનો અવાજ સંભળાયો : “આ સરોવર અને તેની આજુબાજુની પાંચ પાંચ કિલોમીટર જમીનમાં વસતાં પંખીઓને રાજા બ્રહ્મદત્તે અભયદાન આપ્યું છે, એટલે કોઈ પ્રજાજન ત્યાં ચણતાં, રમતાં કે ઊડતાં પંખીઓને પજવે નહિ.” આ સાંભળી આ બધા હંસોના આનંદનો પાર રહ્યો નહિ. તેઓ ત્યાં થોડા દિવસ રહ્યા. રાજાને હંસો આવ્યાની ખબર પડતાં એ જોવા આવ્યો, પણ તેણે પોતે જેનાં વખાણ સાંભળ્યાં હતાં એ હંસોને જોયા નહિ. તેને થયું કે આમ કરતાં કોઈક દિવસ તે હંસો આવી ચડશે. પેલા યુવાન હંસો તો ઋતુ પૂરી થતાં પાછા હિમાલય તરફ ઊપડ્યા. તેમણે આ સરોવરની શોભા અને રાજાના અભયદાનવાળી વાત બીજા હંસોને કરી. એમ કરતાં કરતાં વાત ધૃતરાષ્ટ્ર પાસે પણ પહોંચી. તેણે પેલા યુવાન હંસોને બોલાવ્યા ને બધી વાત સાંભળી. ટોળાના સૌ હંસો કહે : “આવતે વરસે તો નાનાંમોટાં સૌને ત્યાં લઈ જવાનું વિચારો.” રાજાએ સુમુખ સામે જોયું. ડાહ્યો સુમુખ કહે : “વાત સાંભળવામાં તો બહુ મોહક છે; પરંતુ જીવજાતિઓમાં માણસ જ એક એવું પ્રાણી છે કે જેને ઓળખી શકાતું નથી. એ એક એવું પ્રાણી છે કે જે મનમાં હોય છે કંઈ ને મોઢે બોલે છે કંઈ ! આપણી પંખીની જાતની જેમ જેવું મનમાં હોય તેવું મોઢે માણસો બોલતા નથી; છતાં આપણે જઈશું.” બીજી વર્ષા ઋતુ ઊતરી; શરદ આવી, એટલે ધૃતરાષ્ટ્ર ને સુમુખ પોતાના ટોળાને લઈને બ્રહ્મદત્ત રાજાના સરોવર તરફ ઊપડ્યા. આગળ રાજા, તેની પાછળ યુવાન હંસો, વચમાં વૃદ્ધો તથા બચ્ચાં અને છેવટે સુમુખ. આમ ઊડતાં ઊડતાં એક દિવસે પેલા સરોવર પાસે તેઓ આવી પહોંચ્યા. નિત્યની જેમ ત્યાં કમળ ખીલ્યાં હતાં. મોર, મેના, પોપટ વગેરે પંખીઓ નાચતાં-ગાતાં હતાં; જળકૂકડીઓ ડૂબકી-દાવ રમતી હતી. સુમુખ અને ધૃતરાષ્ટ્રનું ટોળું પણ સરોવર પાસે ઊતર્યું. સૌને લાગ્યું કે જાણે આકાશમાંનું તારામંડળ ઊતરી આવ્યું. લાલ ચાંચ અને ચીની રેશમ જેવી પાંખવાળા રાજા અને પ્રધાન નમણી અને બંકી છટાથી તરવા લાગ્યાં. તે જોઈ રક્ષકો સમજી ગયા કે જેમને માટે રાજાએ આ સરોવર બંધાવ્યું છે તે જ આ હંસો. રક્ષકો તો રાજાને વધામણી આપવા દોડી ગયા. રાજાએ આવીને જોયું તો હંસોના એક મોટા ટોળામાં એ રાજહંસો તરી રહ્યા છે. તેમની સોહામણી ચાંચ, તેમની ગરદનનો મરોડ અને તેમની તરવાની છટા જોઈ રાજાએ પોતાના પારધીને કહ્યું : “તું એવી રીતે જાળ પાથરજે કે એ બંને હંસો પકડાઈ જાય. તું તેમને લઈ આવીશ તો તને સો સોનામહોરો ઇનામમાં આપીશ.” પારધીને તો રાત્રે સ્વપ્નામાં સોનામહોરો જ દેખાયા કરી. બીજે દિવસે બધા હંસો તરતા હતા. રાજા ધૃતરાષ્ટ્ર આગળ હતો. તેની પાછળ પ્રધાન સુમુખ હતો. ઓચિંતાનો રાજા ધૃતરાષ્ટ્રનો પગ પારધીએ પાથરેલી જાળમાં પકડાઈ ગયો. તેણે ચિચિયારી નાખીને હંસોને ચેતવ્યા : “અહીં જાળ છે ઝટ ઊડી જાઓ.” હંસોનું ટોળું ઘડીભર થંભી ગયું, પણ બીજો હુકમ થતાં આસમાનને પંથે ! રાજા ધૃતરાષ્ટ્રે ઊડતા ટોળાને કહ્યું : “સુમુખને રાજા ચૂંટજો ને તેની આજ્ઞામાં રહેજો.” પણ પાછળ જુએ તો સુમુખ તેની બાજુમાં ખડો હતો. “અરે સુમુખ, તારા પગ પણ જાળમાં અટવાઈ ગયા છે ?” “ના મહારાજ ! હું છૂટો છું !” “તો ઝટ ઊડી જા, મિત્ર ! હમણાં કદાચ પારધી આવી પહોંચશે !” “ભલે આવે, પણ હું જવાનો નથી.” “રસોડામાં પંખીની શી દશા થાય છે તે તારાથી અજાણ્યું છે ?” “હું એ જાણું છું. આજ સુધી હું સુખમાં પણ સાથે રહ્યો, એટલે દુઃખમાં પણ મારે તમારી સાથે જ રહેવું જોઈએ. આનંદમાં તો સૌ મિત્ર હોય પણ દુઃખમાં જે સાથી થાય તે જ સાચો મિત્ર.” “પણ સુમુખ, આપણા ટોળાની સંભાળ લેવા તારે જવું જોઈએ.” “ના, મહારાજ ! ટોળાને આજ સુધી આપણે બેઉએ જે શીખવ્યું છે તેટલાથી જો તે પોતાની વ્યવસ્થા ન ગોઠવી શકે, તો હવે મારા જવાથી કાંઈ નવું થોડું શીખી જવાના હતા ? મારા જેવા તેમાં બીજા છે તે સંભાળી લેશે.” આમ બંને હંસો વાદવિવાદ કરતા હતા. એક જીવ બચાવવાનું કહેતો, ત્યારે બીજો જીવ આપવાનું ધારતો. રાતભર આ સમજાવટ ચાલુ રહી. સવારે પારધી આવી પહોંચ્યો. તેણે બંને હંસોને જોયા. તેના આનંદનો પાર ન રહ્યો. પણ જાળ પાસે આવીને તેણે જોયું તો એક જ હંસના પગ જાળમાં જકડાયા હતા અને બીજો તો મુક્ત હતો, છતાં તે હાલતો-ચાલતો નહોતો. તે નવાઈ પામી બોલ્યો : “હે રાજહંસ ! તું તો બંધાયો નથી, છતાં તું બીજા હંસોની જેમ કેમ ઊડી જતો નથી ?” સુમુખ કહે : “આ મારા રાજા છે ને હું તેમનો પ્રધાન છું. અમે બંને મિત્રો છીએ. હે જીવહત્યારા ! તેં સાંભળ્યું હશે કે હૃદયનું બંધન બીજા કોઈ પણ બંધન કરતાં વધારે દૃઢ છે. હું મારા રાજા સાથે સ્નેહના બંધનથી બંધાયેલો છું અને તે બંધનથી મારા પગ અહીં જકડાઈ ગયાં છે. મને પણ તું તેમની સાથે જ લઈ જા ને ઇનામ મેળવી રાજી થા.” પારધી ઘડીભર દિગ થઈ ગયો. પછી તેનું હૃદય પીગળવા માંડ્યું. તે કહે : “તમારા જેવાને મારાથી કેમ પકડાય ? તમે બંને ઊડી જાઓ ને તમારાં સગાંવહાલાંને જઈને મળો.” સુમુખ કહે : “પછી રાજા તને ઠપકો આપે ને તું નિર્દોષ દંડાય. તું એમ કર કે અમારામાંથી એકને તો લઈ જા, જેથી રાજા પૂરો તો કોપે નહીં ! અને અમારા બેમાંથી એકને તારે લઈ જવો હોય તો મને જ લઈ જા. આમ કરીશ તો હંસો તારા ઉપકારી થશે.” પારધી રોજ જળચરોને પકડતો, પણ અત્યાર સુધી કોઈ આમ હોંસથી મરવા આવ્યું નહોતું. સુમુખની બલિદાન-તત્પરતા જોઈને તે પીગળી ગયો. તેને થયું કે નક્કી પંખીના વેશમાં આ પૂર્વભવના કોઈ મહાન જીવો છે. રાજાનો હુકમ તો પોતે ભૂલી જ ગયો ને ઊલટો બે હાથ જોડીને બંને જીવોને કહેવા લાગ્યો : “માણસ પોતાને બધા જીવોનો અધિપતિ કહેવરાવે છે, પણ એમાંય એવી મૈત્રી ને ઉપકારબુદ્ધિ દેખાતાં નથી. હું તમને તમે પકડાયા જ નથી તેમ ગણી છોડી મૂકીશ. ભલે રાજા મને ઇનામ ન આપે.” પણ સુમુખ કહે : “તેથી તો રાજા તને શિક્ષા કરે. અમારા કારણે તું આપદમાં આવી પડે તેવું અમારાથી કેમ થાય ? તું અમને બંનેને લઈ જા.” ઘણી સમજાવટ પછી પારધી તેમને રાજા પાસે લઈ ગયો. રાજા તો તેમનું રૂપ જોઈને જ વિસ્મિત થઈ ગયો. પણ પારધીએ જ્યારે આખી વાત રાજાને કરી ત્યારે તો રાજાના વિસ્મયનો પાર ન રહ્યો. પારધીએ હાથ જોડીને કહ્યું : “મહારાજ ! આપ મને સજા ન કરો તે માટે આ બંને તમારી પાસે પરાણે આવ્યા છે. મનુષ્યલોકમાં પણ એમના જેવી સમજણ ને એમના જેવું સમર્પણ દુર્લભ છે. આપ તો મનુષ્યના રાજા છો, ગુણોની કદર કરવાવાળા છો. આપને યોગ્ય લાગે તેમ કરો.” રાજા હર્ષથી ગદ્‌ગદ થઈ ગયો. તેણે હંસોને કહ્યું : “તમો વધને નહીં, પણ વંદનને યોગ્ય છો !” આમ કહી રાજાએ બંને હંસોને પ્રણામ કરી ઉડાડી મૂક્યા.