ગુજરાતી બાળવાર્તા સંપદા/નવો કોટ
લાભુબહેન મહેતા
વિનુ બાપુજીનો બહુ લાડકો દીકરો, સાથોસાથ ડાહ્યો પણ એટલો. કદી ઘરમાં એને વિષે ફરિયાદ આવે નહિ. આડોશીપાડોશી સૌ એનાં વખાણ કરે. નિશાળમાં માસ્તર પણ એની પ્રશંસા કરે. શેરીના છોકરાઓનો એ નેતા હતો, પણ એની ટોળી કોઈ દિવસ તોફાની ટોળી તરીકે ન ઓળખાય. રમત એ લોકો ખૂબ રમે, મઝા-આનંદ બહુ લૂંટે પણ એમનાં તોફાન-મસ્તીથી કે એમની મોજમજાથી કોઈ માણસને નુકસાન જરીયે ન થવા દે. વિનુને અને એના દોસ્તારોને કાચી કેરી બહુ ભાવે. ટોળીનો કોઈક છોકરો ગામ બહારની માધુની વાડીમાંથી કેરી ચોરી લાવવાની વાત કરે, પરંતુ વિનુ કદી કોઈને એવું કામ કરવા ન દે. એ તો રજાના દિવસે માધુકાકાની વાડીએ જાય ને માધુકાકાને કહે, ‘માધુકાકા આજ અમારે કાચી કેરીની ઉજાણી કરવી છે. તમે કહો ત્યાં અમે ખાડા ખોદી આપીએ, કહો ત્યાંથી ઘાસ નીંદી આપીએ. અર્ધો દિવસ અમે બધા છોકરાઓ તમારું કામ કરીએ તો તમે અમને થોડી કેરી નહિ આપો ?’ માધુકાકા ખુશ થઈને વિનુ અને એની મંડળીને કેરીની નાની ટોપલી ભરી આપે. કોસે નહાવા જવાનું મન થાય તો કોસ ખેંચવાનું કામ કરી આપે ને બધા મળીને નાહવાનો આનંદ લૂંટે. આમ વિનુ ગામના નાના ને મોટા સૌ લોકોમાં પ્રિય થઈ પડ્યો હતો. બાપ પણ એને જોઈને બહુ હરખાતો, પણ એનું દિલ હંમેશાં દુભાયેલું રહેતું. બાપને રોજ મનમાં થતું કે મારા દીકરાને પહેરવાને સારાં સારાં કપડાં હોય, ઓઢવાને છત્રી હોય, પગમાં બૂટ-મોજાં હોય, જમવામાં ઘી-ગોળ ને દૂધ હોય તો કેવું સારું ? મારો દીકરો છતે મા-બાપે દુઃખ ભોગવે છે. વિનુની બહેન સુધાને પણ કેટલીક વાર વિચાર આવતો, જો અમારી પાસે પૈસા હોય તો હું ધોળા દૂધ જેવાં કપડાં ખરીદી લાવી વિનુ માટે મારી જાતે પહેરણ-ચડ્ડી સીવું, એના પહેરણ પર સફેદ દોરાથી લખનવી ભરત ભરું, કડકડતું મલમલ લઈ સુંદર મજાની ટોપી સિવડાવું, ગામના શિવા મોચીને ત્યાં જઈને ચમચમતી મોજડી લાવું ને મજાનું ચામડાનું દફતર કરાવું ને વિનુ રોજ એ ગળામાં નાખીને નિશાળે ભણવા જાય, હાથમાં ચોપડા ઉપાડવાની પંચાત જ નહિ ! પણ વિનુને કદી એવું થતું નહીં. એને તો એનાં બા, એના બાપુજી, એની બહેન, એના માસ્તર, ને એના મિત્રો એટલાં વહાલાં લાગતાં હતાં કે એ બધામાં પોતે શું કરે તો સદા પ્રિય બની રહે એના જ વિચારો ને વેતરણ એ હંમેશ કરતો. એની બહેન સુધા પર તો એને બહુ હેત હતું. સુધાને ઘરમાં ઝાડુ કાઢવાનું હોય કે કૂવેથી પાણી સીંચીને લાવવાનું હોય તો વિનુને થાય કે પોતે જ જઈને પાણી ખેંચી આવે. ઘરમાં તો એ કદી કચરો પડવા જ ન દે. ક્યાંક જરા પણ અવ્યવસ્થા જુએ તો પોતે બહાર જતો રોકાઈને પણ વ્યવસ્થિત કરી ને પછી જ ઘર બહાર નીકળે. વિનુ જ્યારે બહુ નાનો એટલે કે બોલતાં સમજતાં શીખ્યો ત્યારથી જ સુધાનો કહ્યાગરો બની ગયેલો. સુધા ક્યારેક એને નાહવા કે કપડાં પહેરવાનું કહે ને એ ના પાડી દૂર નાસી જાય ત્યારે જો સુધા મોં ગંભીર કરે તો તે તુરત ડાહ્યો થઈને પાસે આવી બેસી જતો. કદીક એ નિશાળે જવાની ના પાડે ને સુધા ખોટું ખોટું રડવા લાગે તો તરત પાટીપેન લઈ ‘બહેન, હું જાઉં છું હોં, તું રડીશ નહિ’ કહેતોક ને તૈયાર થઈ જતો. આમ નાનપણથી જ એ બહેનનો લાડકો ને આજ્ઞાંકિત ભાઈ બની ગયો હતો. દિવાળીના દિવસો હતા. ગામમાં કોઈનાં ઘર રંગાતાં કે કોઈનાં શણગારાતાં. કોઈ નવાં નવાં કપડાં સિવડાવતું તો કોઈ ઘરેણાં-દાગીનાની જોગવાઈ કરતું. વિનુના બાપુજીને પણ વિનુ-સુધા માટે નવાં કપડાં સિવડાવવાની ઇચ્છા થઈ, પણ પૈસા ક્યાંથી લાવવા ? દિવાળી આડા આઠ દિવસ રહ્યા ત્યારે વિનુના બાપુજી જે કારખાનામાં નોકરી કરતાં હતા તે શેઠે સૌને અર્ધો પગાર દિવાળીની બોણી તરીકે આપ્યો. વિનુના બાપુ તો ખુશ ખુશ થઈ ગયા. બજારમાં જઈને વિનુ માટે એક કોટ સિવડાવવા નાખી આવ્યા ને ઘેર આવી બાકીના પૈસા સુધા માટે કાંઈક લાવવા સારું સુધાની બાને આપી દીધા. કોટ બીજે દિવસે સિવાઈને આવી ગયો. સુધાએ હોંશે હોંશે એ કોટ ભાઈને પહેરાવ્યો. કપાળે ચાંલ્લો કરી ચોખા ચોડી મીઠડાં લીધાં ને હરખથી ભાઈને ફેરવી ફેરવીને જોવા લાગી. વિનુનાં બા-બાપુજી પણ નવા કોટમાં વિનુને જોઈ ખૂબ ખુશ થયાં. વિનુ પણ બા-બાપુને બેન સૌને પગે લાગી પોતાનો નવો કોટ મિત્રોને બતાવવા બહાર ઊપડી ગયો. એ વખતે સાંજ પડી ગઈ હતી. શિયાળો બરાબર જામ્યો હતો એટલે ઠંડી પણ ઠીક ઠીક પડતી હતી. નવા કોટની હૂંફ વિનુને બહુ ગમી. નવા કોટની ગરમીમાં ને ગરમીમાં એ એના એકેએક મિત્રને ઘેર જઈ આવ્યો. સૌને મળી આવ્યો ને પછી ગામ બહારના મંદિરેથી આરતી સંભળાણી એટલે એકબે મિત્રો સાથે ત્યાં ઊપડી ગયો. ત્યાં આરતીનાં દર્શન કર્યાં. પ્રસાદ લીધો અને પછી ઘેર જવા લાગ્યો. ઘેર જતી વખતે એના હાથ તો કોટના ખિસ્સામાં જ હતા. નવા કોટને હાથ ફેરવી ફેરવીને એ જોયા જ કરતો હતો ને મનમાં આનંદ પામ્યા જ કરતો હતો. રસ્તે તો અંધારું થઈ ગયું હતું પણ રોજનો જાણીતો રસ્તો એટલે મિત્રો સાથે વાતો કરતાં એ ચાલ્યો જતો હતો, ત્યાં મંદિરથી થોડે દૂર રસ્તાની એક બાજુએથી કોઈના દુઃખભર્યા રુદનનો અવાજ સંભળાયો. ખમચાઈને તુરત એ ઊભો રહી ગયો. અંધારામાં આંખ ખેંચી ખેંચીને પણ એણે કણસતા માનવીને શોધી કાઢ્યો ને ધીમે ધીમે માર્ગ ખોળતો એની પાસે પહોંચી ગયો. ‘કોણ છે ભાઈ, શું થયું છે ? અહીં રસ્તામાં કેમ પડ્યો છે ?’ એમ બેચાર સવાલ એની પાસે બેસતાં બેસતામાં તો પૂછી નાખ્યા પણ પેલો માણસ કંઈ બોલ્યો નહીં ને કણસતો જ રહ્યો. વિનુએ એનો હાથ પકડી ઢંઢોળ્યો તો શરીર ઠંડું બરફ જેવું ! જાણે અંદર પ્રાણ જ ન હોય ! વિનુ બધી વાત સમજી ગયો. ઠંડીને કારણે એ માણસ ઠૂંઠવાઈ ગયો છે ને ભાન ગુમાવી બેઠો છે. એના શરીર પર કોઈ કપડું નથી, તેમ પાસે કાંઈ બીજું સાધન નથી. વિનુ તો શું કરવું એના વિચારમાં ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. રસ્તા પર ઊભેલા મિત્રોએ ઘેર જવાનું મોડું થાય છે કહી બૂમાબૂમ કરવા માંડી પણ વિનુને કાંઈ પણ કર્યા વિના ત્યાંથી ખસવાનું રુચ્યું નહિ. પોતે એક માણસને ઠંડીથી ઠૂંઠવાતો જુએ ને એમ ને એમ મૂકીને ચાલ્યો જાય ? બીજી જ ક્ષણે એને વિચાર આવ્યો : ‘આ કોટ જ એને ઓઢાડી દીધો હોય તો ? હું તો ઘેર જવાનો છું. ગોદડી ઓઢી સૂવાનો છું. આ બિચારાને કાંઈ ઓઢવાનું જ નથી, ભલે એ કોટ ઓઢે ને હૂંફ મેળવે. હું તો દોડતો દોડતો ઘેર પહોંચી જઈશ એટલે મને ટાઢ નહિ વાય.’ આમ વિચારી એણે તુરત જ કોટ કાઢી પેલા ઠૂંઠવાતા માણસને ઓઢાડી દીધો ને એ દોડતો ઘેર પહોંચી ગયો. ઘરમાં ગયો તો બાપુ રસોડામાં જમતા હતા. બા પીરસતા હતાં એટલે ત્યાં ગયો. શરીર પર કોટ ન જોતાં વિનુના બાપુને ફાળ પડી ને ચિંતાથી એકદમ બોલી ઊઠ્યા : ‘કોટ ક્યાં મૂકી આવ્યો ?’ ‘એ તો રસ્તામાં એક માણસને ઓઢાડ્યો.’ વિનુએ બહુ સરળતાથી અને શાંતિથી જવાબ આપ્યો. ‘પણ એમ કોટ આપી દેવા તને પહેરાવેલો ? ગમાર ક્યાંકનો ? એમ પૈસા મફત આવતા હશે કાં ?’ બોલતાં બોલતાં તો વિનુના બાપુજી ભારે ગુસ્સે થઈ ગયા. જો વિનુનાં બા વચમાં પડ્યાં ન હોત તો કદાચ તેઓ એને મારી પણ બેસત, પરંતુ વિનુની બાએ એમને શાંત પાડી વિનુને રસોડા બહાર મોકલી દીધો. વિનુ બહાર નીકળીને સીધો ઘરના પાછલા વાડામાં ગયો ને માટીના ઢગલા પર બેસી વિચાર કરવા લાગ્યો : ‘બાપુજી કોઈ દિવસ નહિ ને આજે આટલા બધા ગુસ્સે કેમ થયા ? કોટ મેં પેલા દુઃખીને આપ્યો એમાં ખોટું શું થયું ? એમાં મારો વાંક શું ?’ વિચારતાં વિચારતાં તો એનું મન મૂંઝાઈ ગયું. ને બે હાથમાં મોઢું છુપાવી વિચારનો થાક ઉતારવા માગતો હોય એમ એણે ઢીંચણ પર માથું ઢાળી દીધું. બાપુજીનો ગુસ્સાવાળો અવાજ સાંભળી વરંડામાં કામ કરતી સુધા પણ ગભરાઈ ઊઠી, પણ ડરની મારી ત્યાં જ બેસી રહી; પરંતુ ઘણી વાર સુધી વિનુ બહાર દેખાયો નહિ એટલે એની શોધમાં નીકળી. વાડામાં એને બેઠેલો જોઈ ચિંતાથી એની પાસે બેસી જઈ આશ્વાસન આપવા લાગી. વિનુએ પોતાની બધી મૂંઝવણ કહી પોતાની પ્રિય ને વડીલ બહેનને સવાલ કર્યો : ‘હેં બહેન, મેં કોટ આપી દીધો એમાં કાંઈ ખોટું કર્યું છે ? કોઈનો ગુનો કર્યો છે ? બાપુ આટલા બધા રોષે કેમ ભરાયા ?’ ત્યારે બહેને સમજ પાડી : ‘તારા પરના સ્નેહને કારણે જ એમને તારા પર રોષ આવ્યો છે; એમના મનમાં એમ હોય કે જે કાંઈ સુખસગવડ હોય તે તું જ ભોગવ. કારણ કે પોતે હેરાન થઈ મહેનત કરી તારે માટે કાંઈક લઈ આવવાની હોંશ રાખે, ને પછી તું એનો ઉપયોગ ન કરતા બીજાને આપી દે એથી એમને લાગી આવે.’ ‘પણ બહેન...’ બહેનને અધવચ્ચે જ અટકાવી વિનુ કાંઈક બોલવા ગયો, પરંતુ બહેને વિનુને જ અધવચ્ચે જ અટકાવી દીધો : ‘હું જાણું છું કે તેં શા માટે કોટ આપી દીધો છે. કોટ આપી દેવામાં તેં કાંઈ ખોટું પણ કર્યું નથી. માણસે હંમેશાં દયાવાન બનવું જોઈએ. બીજાના સુખ માટે પોતાના સ્વાર્થનો ને સગવડનો ત્યાગ કરવો જોઈએ. આવો સ્વાર્થત્યાગ ને ઉદારતા તો મોટા મોટા માણસો પણ નથી કરતા; એટલે હું તો તારા આ કાર્યથી બહુ રાજી થઈ છું ને જોજે ને અર્ધા-એક કલાક પછી બાપુજીનો ગુસ્સો પણ ઊતરી જશે એટલે તને રાજી થઈને ભેટશે. અરે... આ આવે, જો... બા-બાપુજી બંને હસતાં હસતાં તને શોધવા જ આવતાં લાગે છે.’ એટલું બોલતાં બોલતાં તો બંને વાડામાં આવી પહોંચ્યાં ને વિનુ દોડીને બાપુજીની ગોદમાં ભરાઈ ગયો ! બાપુએ પણ ‘ગાંડા, એમાં રિસાઈ ગયો ?’ કહીને પ્રેમથી વાંસામાં એક હળવો ધબ્બો મારી વિનુને બાથમાં લઈ લીધો.