ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘પ્રવાહણ’ - લાભશંકર ઠાકર.

૪. ‘પ્રવાહણ’ □ લાભશંકર ઠાકર



નિશ્ચિત છે નિશ્ચિત આ કમૉડ, ચક્રાકાર ઘૂમતું.
ને કશુંય ના નિશ્ચિતની ક્ષણ પર બેઠા છીએ –
ઈર્રિડ્યુસિબલ લિટરરી મિનિમમને કાઢવા મથતા,
ઊં...હ, ઊં...હ.
તરબૂચ-ટેટી-હોદ્દો-ગાદી-લૂંટફાટ-ઋણવિદ્યુત-લીલમ
ગર્ભાધાન-અચેતન-ગાંડું-ઇન્ટરલૉક-નિવેદન-દૂષણ
સ્ટ્રેટેજી-સ્ટ્રેટેજમ-રુખસદ-તત્કાલીન
વૉરહેડ્ઝ-મિઝાઇલ-કિટિ.
પૂંછડી વિનાનું એક પંખી પોપટ જેવું,
જોયાનું પ્રિય તને યાદ છે ?
કીવી કીવી, ટીવી પર જોયાનું, કેમ વળી, નિશ્ચિત,
બરાબર યાદ છે.
ન્યૂઝીલૅન્ડ પંખી કીવી
નીવીબંધને સરકાવીને યાદ કરે છે બીવી,
તો પછી મૉકસિનના સુંવાળા જોડા પગમાંથી કેમ નથી નીકળતા ?
પેટ આવે છે આડું, હાથ પગ સુધી પહોંચતા જ નથી,
ઊં...હ, ઊં...હ.
કળી-મમરા, સૂતરફેંણી અને લીલી લીલી ગળચટી કમળકાકડી
ટામેટાં પાકાં દેશી લાલ, કૈડ કૈડ મૂળા-મોગરી ને
ભીમનાં પરાક્રમો
કયા કિચકને કોણે માર્યો ? મેં માર્યો ભૈ મેં –
ને રાજા જનક ઘેર સૈંવર રચિયો પરણે રાજકુમારી
મારા વા’લા.
કાલાનાં જીંડવાં ખેતરમાં જ કૂંણાં, કૂંણાં, ખાધાં છે
ને મતીરાં-ચીભડાં-કાતરા-લોચનને લોભાવનારા લાડવા
વહાલી મુંને ખીચડી
બટાકાની ભાજી સુખડી ગરમ તાજી
વાટકા ભરીભરીને રસ, કેરીનો, યસ
ને કસ ખેંચીને, સૂર્ય-ચંદ્ર જેવા સમુજ્જ્વલોને, ચસ ચસ
રામાયણ-મહાભારતને ધાવ્યો છું બચ બચ, સચ
કચકચ ચાસણીનાં પાક-પકવાન
કિસમિસ-કાજુ-બદામના બૂકડા
ગળી ગળી સેવ, કલાપીનો કેકારવ
પરથમ પે’લા સમરીએ ગવરી પુતર ગણેશ
ને કોપરાની શેષ
શાન્તાકારમ્ ભુજગશયનમ્
ઝાડ પર ચઢીશ નહીં, બોલ બાઢમ
ડુંગળીનો સૂપ, વ્હાઇટ ચીકન, ડબ્બાઘોસ
દેવદાસ, કાળરાત્રિનું ખૂની ખંજર,
સા વિદ્યા યા વિમુક્તયે, પ્રચોદયાત્
ગાંધીજીની આત્મકથા, એકાંતનું પાપ
નાભિ નીચેના આછા જરાક જ ઊગેલા –
સોનેરી, સોનેરી, તડકામાં જ દેખાય એવા, તારકસબ
મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ઠેકતાં
કૂવાને કાંઠડે સાંઢણી ઝેકારો માણારાજ
સૂતરફેંણી-ગાંઠિયા-સડસડાટ વાંચેલી શરદબાબુની નવલકથા
શામન બંસીવાલા, રૂપરૂપનો અંબાર, નંદલાલા, ચીક
શ્રીગોકુલકા ઉજિયાલા, ક્વિક્ –
નિદ્રાના સમુદ્રના તળિયે સ્વપ્નસ્રાવ,
આવ રે કાગડા કઢી પીવા
અહં બ્રહ્માસ્મિ, જરાક જરાક ઊંચકાતી આંધી
ધન્ય સૌરાષ્ટ્રની ધરતી, જેણે આપ્યા
ગાંઠિયા અને ગાંધી
તારા યૌવનનો દોષ છે શકુન્તલા, ટાઇટ – તંગ – એક જ અંગ
વસનરહિત તારુણી, પ્રલંબ પૅગ વારુણી
તિક્કા-ખીરી-ચાંપ – ખા ખા કર્યું છે ખાંતથી
અગિયાર મોંએ
પી પી કર્યું છે
ચાખ ચાખ કર્યું છે
ચૂસ ચૂસ કર્યું છે
ચાવ ચાવ કર્યું છે
મમળાવ્યા કર્યું છે વાગોળ્યા કર્યું છે કાનથી
આંખથી, જીભથી, ચામડીથી
– હું સ્રોતોમય પુરુષ –
અપરિસંખ્યેય
છિદ્રોમાંથી
લળકતી મારી જીભે
ચાટ્યા કરી છે
સૂર્યની તામ્રવરણી ટશરોને
હૂંફાળી હૂંફાળી બિલિયન્સ ઑવ બિલિયન્સ છિદ્રોવાળી
સ્રોતોમયીના
અતિ
સૂક્ષ્મ
ગહ્ વરોમાંથી


તા
અદૃશ્ય પણ સ્પર્શ્ય મદને
રણત્ કાર કરતા પદને
નિખિલને નવડાવતી નદને
યુલિસિસના નૉનસ્ટૉપ કદને
અહીંતહીં સતત મારી બા, સવલી સેડાળી, છગન કોળી
નરસિંગો મારો ઘોડાગાડીવાળો; ને વળી
નીરખને ગગનવાળા આકાશમાં ઘોડાગાડી ચલાવતા
નરસિંહ મહેતા, ને મનમુદા કહું મામેરું
મહેતાતણુંવાળા પ્રેમાનંદ,
મારા સૂરજભાભુ, ચૅખોવની વાતું, પિટર હૅન્કી–
ને એવું તો ઘણું બધું
વીણ્યું વીણાય નહીં, ગણ્યું ગણાય નહીં,
ગાયું ગવાય નહીં, વાવ્યું વવાય નહીં
પડ્યું છે શિલાવત્ સંઘાત પામીને, સ્થિર, સજડબમ્,
ઊંહ... ઊંહ...
અરે કોઈ હૈ ?
હૈ તો હટાવો ઇસ મૉબોક્રસીકો, ઊં...હ, ઊં...હ.
નથિંગ ટુ બી ડન.
વનમાં
મનમાં
તનમાં
ધનમાં
સળગતા સનમાં
વૈદેહી
મારી કાવ્યચેતના
વલવલે; ઍન્ડ આઇ ઍમ નૉટ એબલ–
ટેબલખુરશીવાસણકુસણઢોરમરેલાંખોપરીઓ
તૂટેલાંકાચરકાબીકૂચાડૂચા
પકડાયેલાપ્રેમીવ્હેમીબાપમરેલોસાપકથાકારનુંપાપ
સમળીઓઘૂમતીભૂખીડાંસ
લાશપછીલાશપછીલાશ
સરકતીચર્ચગેટની પાસ
ઊં...હ ઊં...હ ઊં...હ
કમૉડ પર બેઠો છું : કૃતઃ અષિ અકૃતઃ
ગ્રાઉન્ડફ્લોર પર ઊઘલી રહી છે જાન
ઑફકોર્સ પરણ્યા આજે આપ
ને બન્યાં કાલ મા-બાપ
ઊંવા... ઊંવાનો મૅસેન્જર આવે છે લઈને અવાજ
જે સાંભળવા
સમજવા
ઉકેલવા
બેઠેલા
કર્ણોત્સુક બધાં ઊંઘી જાય તો
કૂ...ક સાંભળી જાગે છે કૂકડાની
ઊં ઊં ઉકેલવા
કાલી કાલી આંગળિયુંને
ઉકેલવા
તે ચાલણાડી ચાલણગાડી ચાલણગાડી છોડી છોરો
ગોળ ગોળ માતાની કરતો પરિક્રમા
તે ગવરીપુતર ગણેશ
છેવટે ગણતો ગણતો બની જાય છે ભણ્યો-ગણ્યો
પારાવાર પીડાથી જેને

ણ્યો
હતો તે લબરમૂછિયો
બણ્યો ઠણ્યો
આવ્યો છે લઈને વહુ
મે હેવન્સ ચૉઇસેસ્ટ બ્લેસિંગ્ઝ બી શોવર્ડ ઑન ધ યંગ કપલ
નવદંપતી પર પરમાત્માકી અમીસ કૃપા હો –
આસો માસોની રાત –
જામી છે ત્યારે
સાયબા વનરા તી વનમાં એક ઝાડવું રે
તેની રૂડી વાંસળિયું ઘડાવ એમ કે’ છે ઈ
હેલભરી હાલે છે ઉતાવળી. ઈને હૈડે હરખ નથી માતો
સાગ-સીસમના ઢોલિયે રસિયાને
લીલી ખજૂરીનો વીંઝણો વાતી
ક્ષણમાં દિગ્ વસન થઈ જાય છે;
કેમ કે ફળ વિના ઝૂરે પીપળી ને ફૂલ વિના ઝૂરે ઝાડ
પુત્રજન્મ પર હાર્દિક બધાઈ
મૅસેન્જરનો અવાજ રેલાતો ઊંવા ઊંવા
ભોમથી વ્યોમ લગણ
ને અગણ
કાન
ઉત્સુક પૅસેન્જરના
આ અર્થભારથી ભરચક્ક
સૉલિડ અવાજ ઊંવા ઊંવાને ઉકેલવા.
લેકિન ક્યા હો જાતા હૈ અગેઇન ? ઊં...હ
કશું ઉકેલાતું નથી, ઊં...હ
ને મૅસેન્જર પુરાઈ જાય છે પાંજરે પૅસેન્જરના
પોપટ પંડિત કાલું કાલું બોલે, કહું છું સાંભળો છો ?
ને આખું સ્થલકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું
પાંજરું
ડોલે
હા ક્ષણે ક્ષણે પોપટ બોલે છે બોલેલું ઉચ્છિષ્ટ
ને ક્ષણે ક્ષણે
સ્થળકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું
પાંજરું
ડોલે છે–
ઉચ્છિષ્ટ–
ને સતત સન્નારીઓ
પગ બે પહોળા કરે છે
ને ઝરે છે
સિક્સ્ટી મિલિયન્સથી અધિકાં
અં


ને
પુંગવો.
ઔર બાત બનતી રહેતી હૈ
યાનિ કિ કુછ બનતા નહીં હૈ, ઊં...હ, ઊં...હ
ગૂઢાતિગૂઢની અભેદ્ય
નક્કર
ધાતુની દીવાલો
રણક્યા કરે છે.
અહીં અંદર બહાર બધે
ને, વેલકમ ટુ ધ નૅશનલ પ્રોગ્રામ
આ વર્ષે ગ્રીષ્મ ઋતુને નવી જ તાજગીથી આવકારો
કેમ કે સુગંધસભર
લહેરોમાં વહાવી જાય
એવો સાબુ
તમારા હાથમાં છે.
હજુ પણ તમે જૂની ઢબના સૅનિટરી નૅપ્ કિનો વાપરો છો ?
તેથીસ્તો સંભવ છે, એ માત્ર એક
અસાધ્ય સ્વપ્ન બની રહેશે –
બસો એકવીશ
અદ્ ભુત ઇનામો જીતવાની તક.
તો પછી અનવેઇલ
યોર હિડન, ઊં...હ, ઊં...હ
અનવેઇલ, ઊં...હ, ઊં...હ
અનવેઇલ ઊં...હ, ઊં...હ
પરસેવો લૂછું છું કમૉડ પર બેઠો બેઠો, શબ્દબ્રહ્મનો.
રણકે છે માત્ર ગૂઢાતિગૂઢની અભેદ્ય નક્કર ધાતુની દીવાલો
અને
ફ્રૉમ સ્પ્રિંગ વી સ્ટેપ ઇન્ટુ ઑટમ
રિઅલી ધ હોલ વર્લ્ડ ઇઝ જસ્ટ
એક ડબલું –
સાલું –
કાટચઢેલું –
ઘોબાળું
મારા વિચારની ઠોકરથી
ઊછળતું
મારા મનોતંત્રમાં, ઊં...હ
અને પછડાતું ખાલીખમ બોદું બોદું
આ અહીં કાનની બધિર સપાટી પર
ધિસ ઇઝ નૉટ એક્ઝાઇલ ફ્રૉમ પૅરડાઇઝ
ધેર ઇઝ નો હેલ, નો પૅરડાઇઝ
હિયર ઇઝ માય મૉરિબન્ડ પૅનિસ
ઍન્ડ આઇ ઍમ મૉર્મન, પ્લેઇંગ ટેનિસ, વિથ માય પેનિસ
દિવસનો ગોળાકાર દડો
ઉછાળું છું
દૂર
અંધકારમાં.
ગૂઢાતિગૂઢનો અભેદ્ય રણકાર સંભળાય છે;
ને સૂર્યોદય સાથે
દડો
આવીને પડે છે
પગ પાસે
ઍન્ડ આઇ પ્લે, ઊં...હ, ઊં...હ
મરચન્ટ ઑવ વેનિસ બચી ગયો
શાયલોક પણ બચી ગયો
અને હું પણ બચી ગયો
વારસદાર
સર્વ કોડ્સ સાથે
પ્રોપર્લી જૂથ સિલાઈથી બાઇન્ડ કરેલા ઇનેટ થોથા જેવો
આ અહીં પડ્યો
ચક્રાકાર કમૉડ પર
અપરિસંખ્યેય આવૃત્તિઓ જેવો
ફરફરતો, ઊં...હ, ઊં...હ
મારા પ્રપૌત્રની પાયુ વિશે પણ
મારામાં લખેલા છે કોડ્સ મારા પ્રતિતામહે.
એટલે આ પ્રવાહણ, આ ઊંહકાર પણ..
સોડ તાણીને સૂતા હોય તો જાગશો નહીં
અમથા અમથા
પોતાને જ સાલા
ડુક્કરો
ખીલાની જેમ
મેટાફિઝિકલ
વાગશો નહીં.
ઉઈ ઉઈ બાત
મારે છે લાત
ઉઈ ઉઈ
અંદર
આ અંદર
આ અંદર
મારે છે લાત
સાત વાર
સાત હજાર વરસથી
સાત ગુણ્યા સાત જગ્યાએ
આ અંદર
આ અંદર
આ અંદર
ઉઈ ઉઈ બાત
મારે છે લાત
રસનીયે અંદર ને લોહીનીયે અંદર
મજ્જાની અંદર ને માંસનીયે અંદર
મેદનીયે અંદર ને અસ્થિની અંદર
રજનીયે અંદર ને શુક્રનીયે અંદર
ઉઈ ઉઈ અંદર
મારે છે લાત
ઉઈ ઉઈ બાત
પર સેકન્ડ પંદર
મારે છે લાત
ઉઈ ઉઈ બાત
રાત રાત રાત
રાતનો સમય છે પૂનમનો હોજી હો
ઉત્તર કેન્યા અને દક્ષિણ-પશ્ચિમ ઇથિયોપિયાની પાસે હો જી હો
રુડોલ્ફ નામે એક સરોવરકાંઠે હો જી હો
ઉત્સર્ગલીન હતો
ત્યારે મેં
સ્રોવરમાંથી
ઊંચક્યો’તો
પૂનમનો
ચાંદો
એની સ્મૃતિ લઈ બેઠો છે મારો સજડબમ્ આ ફાંદો હો જી હો.
ફૉસિલ્સ
ફૉ
સિ
લ્

મારા ફાંદાના ફૉસિલ્સ શોધીને શું કાઢ્યા કાંદા ?
આ સજડબમ્મની વાત; આ ક્રૂર કોષ્ઠની વાત –
આ રવ રવ કાળી રાત
ને આ ઢાંક્યાઢૂબ્યાં ગાત;
ના પણ એ નિર્વસન હતી
સીસમ જેવી
શ્યામ
નારંગી રંગનો તડકો
એની બૂટ પરથી
લસરીને
ડૂંટી પર પડ્યો હતો
સોનેરી રોમાવલીને ચમકાવતો, આ...હા !
અને અમને
ભફાંગ
ડા

મા

વા
પ્રેર્યા હતા –
સફરજનના ગળચટા અફાટ
ઊંડા
દરિયામાં –
ભફાંગ.
પણ એનું આ પરિણામ ?
લબડી પડેલા રામ
ક્ષણમાં ટટ્ટાર તંગ લવિંગની લાકડી જેવા
ઉછાળે
ગેંદ
વૅજાઇનલ
વૅક્યુમમાં...
લેટ મી સ્ટૉપ ટૉકિંગ ફૉર અ મિનિટ.
... ... ... ... ... ...
... ... ... ... ... ...
લેટ મી સ્ટાર્ટ અગેઇન, ઊં...હ, ઊં...હ.
ઇટ વિલ પાસ ધ ટાઇમ, ઊં...હ, ઊં...હ
છોડી દે આ ઊંહકારા
પિગ !
અપ !
પ્રક્ષાલન કરી નાખ તારા બાપનું, તારા કુળનું, તારા મૂળનું–
અપ !
લે આ ચાનો કપ, અપ !
છોડી દે આ લ...પ,
અ...પ !
લે આ માળા ને રામનામને જપ
કે આવ અહીં પ્લૅક્ટિમાં પેસી, કરીએ કંઈ ગપસપ
અ...પ !
છોડી દે આ તપ કમૉડ પર બેસી રહેવાનું અર્થરહિત, અ...પ
જો, ઊંચી રે કવિતા કેડે પાતળી
ઑગળતી ઑગળતી
ઝમે છે
ટપક ટપક
તારાં પોપચાં પર
તારાં ટેરવાં પર
તારા અધરોષ્ઠ પર
તારા પ્રફુલ્લિત ગુલાબી મણિ પર
ટીપ્સ પર ટપકે છે ઝાકળનાં ટીપાં જેવી આકાશમંડિત
ની
ચે






ટપકે છે ઊંચી રે, કેડે પાતળી, ટપકે છે ઑગળતી ઑગળતી
નીચે–
ટપક–
ટપક–
ગોરી ગાગરડીમાં સોપારીના કટકા જેવી પ્રજ્ઞા પોચી પડી જાય એવી
ટપકે છે, ને
મધુકુંજ ફોરે, અંબ મ્હોરે, મહક દે રે મંજરી
પિત્તળ લોટા જળે ભર્યા રે, ચમકે છે, પા પા પગલી –
ભરતા શિશુની આંખમાં
મેં ઓલવાઈ જતો જોયો છે મારો ચ્હેરો,
હવે મારા મન-વચન-કર્મને
આડેધડ
વ્હેરો
હું ક્યાંય નથી
ભ...પ ભ...પ ઓલવાઈ જતા દીવામાં
રામાયણ-મહાભારત-ગીતા-ષડ્દર્શન-યુલિસિસ-ઇડિપસ-મૅકબેથ
ડૉલ્સહાઉસ-વેઇટિંગ ફોર ગોદા-નાં ફરફરતાં પૃષ્ઠો પર
ક્ષિતિરસ તરુશાખાએ પ્રસરતો
પ્રસરતો
ઊગી નીકળે છે
ડેઇઝિઝ રૂપે
રૂપેરી પરદે
ઑડિયો વિઝ્યુઅલ લટકા લાખ કરોડ કરતો
સાકર-ઘીના ચૂરમા ચાક્ષુષ કરતો
કાર્તિક માસનું હિમ બની
ઉનાળાની અગન બની
તાળ, મૃદંગ અને ઘમઘમતી ઘૂઘરીમાં –
ભ...પ ભ...પ
ચીક ચાર્ટ ચીતરતો
લવ્લી-ચાર્મિંગ-સેક્સી
તીક્ષ્ણ આંખો – વેલ મૉડ્યુલેટેડ સ્વર
છીણી વડે શિલ્પીએ ગ્રૅનાઇટમાંથી કંડાર્યો હોય એવો
શાર્પ ચહેરો
ભ...પ ભ...પ ખતરનાક ગૂગલીમાં
ઊપસી આવે છે, રગેડ, ટફ, મૅસ્ક્યુલીન
ને બૉલ અથડાય છે અભેદ્ય–
નથી સાંભળવું
દીવાલોમાં–
ચૂપ
હાર્ડસ્ટુલના, ઍન એક્સક્લ્યુઝિવ ઇન્ટરવ્યૂ જેવી–
ચૂપ
ગંજાવર નવલકથાઓ
ચૂપ
શોભાયાત્રાઓ-સભાઓ-રાંડીરાંડના ખભાઓ–
ચૂપ મર
ચૂપ મરું, મોંમાં મગ ભરું કે ચારધામમાં હરુંફરું
નથી ઊતરવાનો આ હાર્ડ–
સ્ટુલ–
ચપોચપ–
ચુસ્ત–
નર્યો
હું નથી, એક વર્યો ગોપીજનવલ્લભને
પણ હું એનો જ
વારસદાર, હજુ સુધી નથી મર્યો
નિર્ભ્રાંત, નર્યો
બૂમ પાડું છું
ફરી ફરી
બૂમ પાડું છું
ઘટાકાશમાં
દોદળી
અને કવિતાની કરું છું–
આમ–
પિટિઅસ–
પોદળી.
અને ઉલેચાતો નથી હાર્ડ–
ઉત્સર્ગની ભ્રાન્તિ કરાવતું
મારું
બા ચા પા થી
આરંભાયેલું
કાવ્યજીવન
વિષ્ટાવિઝનમાં-
કરાંઝે છે
કમૉડ પર
એકાંતમાં
એકલું એકલું
ને
આઇ ઍમ ઇનકૅપેબલ ઑવ કીપિંગ સાયલન્ટ
ઊંહ... ઊંહ...

('પ્રવાહણ')