ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંબારામ


અંબારામ [ઈ.૧૮૧૧ આસપાસ સુધીમાં] : ‘અંબારામ’ ઉપરાંત ‘અંબા’, ‘અંબો’, ‘આંબો’ની નામછાપ ધરાવતી તિથિ, વાર, માસ, સંદેશો તથા ગરબા-ગરબીઓ વગેરે પ્રકારની કૃતિઓ (લે.ઈ.૧૮૧૧ આસપાસ)ના કર્તા. એમની ગરબીઓમાંથી ૪ ગરબીઓ આત્મજ્ઞાનવિષયક અને બાકીની કૃષ્ણભક્તિવિષયક હોવાનું જણાવાયું છે. ‘અંબો’ની નામછાપવાળાં જ્ઞાનમૂલક રૂપગ્રંથિવાળાં ૨ પદો તથા ‘અંબા’ની નામછાપને કારણે ભૂલથી ‘અંબાબાઈ’ના નામે મુકાયેલી કૃષ્ણવિરહની ૨ ગરબીઓ મુદ્રિત મળે છે તે આ કવિની જ રચનાઓ જણાય છે. ૩ કડવાનો ‘સીતાવિવાહ’(મુ.) મળે છે તે ઉપર્યુક્ત અંબારામની કૃતિ હોવાનું નિશ્ચિતપણે ન કહી શકાય. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ર. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી; -;  ૩. વસંત, વ. ૧૧ અં. ૧૩ - ‘સ્ત્રીકવિ અંબાબાઈ’, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી.[ચિ.ત્રિ.]