ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આસગ-આસિગ


આસગ/આસિગ [ઈ.૧૨૦૧માં હયાત] : રાસકવિ. જૈન શ્રાવક. શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે. અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સહજિગપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં ‘જીવદયા-રાસ’ની રચના કરી. ૫૩ કડીની ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૨૦૧/સં. ૧૨૫૭, આસો સુદ ૭; મુ.), ગેય પ્રકારના ચરણાકુલની છંદોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં તત્કાલીન નગરો-ગામો-સ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી એની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની ‘ચંદનબાલા-રાસ’ (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજૂ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’ (મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન’માં પરિશિષ્ટમાં આ કવિની ‘જીવદયા-રાસ’ અને ‘ચંદનબાલા-રાસ’ ઉપરાંત શીર્ષક વિનાની ૧ કૃતિ પણ નોંધાયેલી છે તે કઈ છે તે કહી શકાય તેમ નથી. કવિની કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન ગુજરાતી છે. કૃતિ : પ્રાગુકાસંચય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. મરાસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[કા.શા.]