ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયકલશ
ઉદયકલશ [ઈ.૧૫૬૨માં હયાત] : રાસકવિ. લઘુ તપગચ્છના જૈન સાધુ. કમલકલશની પરંપરામાં વિદ્યાકલશના શિષ્ય. ભૂલથી ઉદયકુશલને નામે ઉલ્લેખાયેલા આ કવિની, મુખ્યત્વે દુહા અને ચોપાઈબદ્ધ ૨૭૮ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮,શ્રાવણ સુદ ૧૫; મુ.) ક્વચિત્ વસ્તુ છંદનો અને દેશીનો ઉપયોગ કરે છે તથા શુભાષિતરૂપ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ પણ ગૂંથી લે છે. વિક્રમ તથા ગગનધૂલિ/ધનકેલિને થયેલા સ્ત્રીચરિત્રના અનુભવોની રસપ્રદ પૂર્વભૂમિકા સાથે, શીલવતી ચતુરાઈથી પોતાના શીલની રક્ષા કેવી રીતે કરે છે તેથી કથા આમાં પ્રાસાદિક રીતે કહેવાઈ છે. કૃતિ : શીલવતી કથા, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]