ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્ધવ-ગીતા


‘ઉદ્ધવ-ગીતા’ [ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ મુક્તાનંદની આ કૃતિ(મુ.) ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું વિસ્તારથી આલેખન કરે છે તથા આ પ્રસંગને વર્ણવતાં અન્ય કાવ્યોથી, એમાં ગૂંથાયેલાં ૨૩ કડવાં અને ૬ પદોમાં વિસ્તરતા સીતાત્યાગના વૃત્તાંતને કારણે, જુદી તરી આવે છે. કૃષ્ણના પૂર્વાવતારનું આ કથાનક એમની નિષ્ઠુરતા દર્શાવવા માટે ગોપીના ઉપાલંભ રૂપે મુકાયેલું છે અને ઈશ્વરની વંચકવૃત્તિને પણ પ્રકટ કરે છે - ૧ કડવામાં વિવિધ અવતારોમાં ઈશ્વરે દાખવેલી છલવૃત્તિ પણ આલેખાયેલી છે. મુખ્યત્વે ગોપીઓના ઉદ્ગારો રૂપે ચાલતા આ કાવ્યમાં ગોપીઓની કૃષ્ણવિયોગની વ્યાકુળતા, એમણે કૃષ્ણને આપેલા ઉપાલંભો અને એમના ચિત્તમાં ઊભરાઈ ઊઠતાં મિલનનાં સ્મરણો વગેરે વિવિધ ઊર્મિતંતુઓ રસપ્રદ રીતે આલેખાયાં છે. ૧-૨ પંક્તિઓમાં જ કોઈ દૃશ્યને કે કોઈ ભાવસ્થિતિને અસરકારક રીતે નિરૂપી આપવામાં કવિની સર્જકતા દેખાય છે. [ર.સો.]