ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભ-ઋષભ કવિ રિખભ


ઋષભ/ઋષભ(કવિ)/રિખભ : ઋષભના નામથી ૨૫ કડીના ‘ચોવીસ તીર્થંકરના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, પોષ વદ ૨, શનિવાર; મુ.) તથા ૨૧ કડીના ‘મહાવીરસ્વામીના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વસંત ઋતુ સુદ ૧૩; મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા ઋષભ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી; તેમ છતાં રચનાસમય જોતાં ઋષભસાગર-૩ના સંદર્ભમાં એનો વિચાર કરવાની શક્યતા ઊભી થાય છે. ઋષભ, કવિ ઋષભ, રિખભ આ નામોથી ૭૨ કડીની ‘ચૈત્યવંદન-ચોવીસી’ (મુ.), ૧૮ કડીની ‘રાજુલશણગાર-સ્તવન’, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય/સ્થૂલિભદ્રકોશા-સંવાદ’ (મુ.) તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સઝાયો વગેરે રચનાઓ મળે છે. તેના કર્તા કોણ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વસ્તુત: ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય’ જુદા જુદા સંદર્ભોમાં ઋષભદાસ, ઋષભવિજય, ઋષભસાગર ત્રણે નામે મુકાયેલી મળે છે. તેમ છતાં ઘણી કૃતિઓ ઋષભદાસ - ૧ની હોવાની શક્યતા વધારે છે. ‘ઋષભશતાવલીગ્રંથ’માંથી દુહા-ચોપાઈબદ્ધ ૩૪ સુભાષિતો ઋષભને નામે મુદ્રિત મળે છે, તે પણ ઋષભદાસ-૧નાં સુભાષિતોનો સંચય હોય એવો સંભવ છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. આકામહોદધિ:૫; ૩. કક્કાબત્રીસીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૪. ચૈસ્તસંગ્રહ:૧; પ. જૈકાપ્રકાશ:૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. લઘુ ચોવીશીવીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૮. શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૯. સસન્મિત્ર (ઝ.) [હ.યા.]