ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અભિમન્યુ-આખ્યાન’


‘અભિમન્યુ-આખ્યાન’ [ર. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨] : અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં પ્રેમાનંદનું ‘અભિમન્યુઆખ્યાન’ (મુ.) એના કાવ્યગુણથી સૌથી વધુ નોંધપાત્ર બને છે. ૧૦૩૫ ચોપાઈ, ૧૭ રાગ અને ૩૬ ચાલનો નિર્દેશ ધરાવતી, ૫૧ કડવાંની આ કૃતિમાં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેના પૂર્વભવનું વૃત્તાંત ગુજરાતી આખ્યાનોમાં સૌથી વધારે વિસ્તારથી ૨૦ કડવાં સુધી, વર્ણવાયું છે અને એમાં કવિએ અહિલોચનની માતાના વાત્સલ્યભાવ જેવા કૌટુંબિક અને અન્ય તળપદા ભાવો ગૂંથવાની તક લીધી છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર એના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે અને અભિમન્યુનું ચરિત્ર એના નિર્વ્યાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે એવી સ્થિતિ થઈ છે. કૃષ્ણના આ પ્રકારના ચરિત્રના આલેખનમાં તેમ જ ભીમ, દ્રૌપદી વગેરેનાં કેટલાંક પ્રાકૃત લોકાનુસારી વર્તનોમાં પ્રેમાનંદની જનમનરંજનની દૃષ્ટિ દેખાઈ આવે છે. અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો કથાભાગ પણ અહીં વિસ્તારપૂર્વક નિરૂપાયો છે, અને એમાં પ્રસૂતિ, મોસાળું, સામૈયું વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ મોકળાશથી અવકાશ મળ્યો છે. અહિલોચન અને શુક્રાચાર્યવેષી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદે અસાધારણ નાટ્યાત્મકતાથી ખીલવીને મૂક્યો છે તો કૃષ્ણે સુભદ્રાને સાચવવા આપેલી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની ઊંડી સૂઝ પ્રગટ થાય છે. પ્રતાપી અહિલોચન અને દીન શુક્રાચાર્યની સાવ ભિન્ન પ્રકારની છબીઓ પણ કવિ એકસરખી ક્ષમતાથી તાદૃશ કરી આપે છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ સૈન્ય વચ્ચે ફસાયેલા એ છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિમન્યુનું “બહુ પારધીએ પોપટ વીંટ્યો” અને “ભાંગ્યો ચંપાનો છોડ” વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ કરી આપવામાં પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. આમ છતાં આ આખ્યાનમાં વસ્તુપ્રવાહ મંદ બન્યો છે અને આખ્યાનની આકૃતિ સંપૂર્ણત: સિદ્ધ થઈ નથી. આ આખ્યાનની ૨. સં. ૧૭૨૭ અને ૧૭૨૮ બંને મળે છે, પરંતુ ૧૭૨૭ને વધારે હસ્તપ્રતોનો ટેકો છે. [ર.ર.દ.]