ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘આરણ્યકપર્વ’


‘આરણ્યકપર્વ’ : નાકરનું ૧૧૫ કડવાંનું આ આખ્યાન(મુ.), કવિની અન્યત્ર પણ જોવા મળતી પદ્ધતિ પ્રમાણે, આરંભમાં ૯ કડવાંમાં ‘આદિ-પર્વ’ અને ‘સભા-પર્વ’નો સંક્ષિપ્ત સાર આપે છે. કથાના અખંડ પ્રવાહને રસિકતાથી રજૂ કરવા માટે કવિએ મહાભારતની મૂળ કથાનાં કેટલાંક પેટાપર્વો છોડી દીધાં છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપીને ચલાવી લીધું છે, કથાક્રમનિરૂપણમાં ફેરફાર કર્યા છે અને પોતા તરફથી કેટલાક કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેર્યા છે. દૃષ્ટાંત તરીકે, મૂળની સુદીર્ઘ નળકથા અહીં માત્ર ૨ કડવાંમાં સમેટાઈ ગઈ છે. બીજી બાજુથી, નિવાતકવચયુદ્ધકથા તેમ જ અર્જુનના પ્રવાસની માહિતી બેવડાવવા જેવા સંકલનદોષ પણ કવચિત્ કવિથી થઈ ગયા છે. આ કૃતિ નાકરની કવિત્વશક્તિનો નોંધપાત્ર પરિચય કરાવે છે. અર્જુનવિયોગી યુધિષ્ઠિર, પતિવ્રતા સૌંદર્યાનુરાગી દ્રૌપદી અને સંવેદનશીલ ધૃતરાષ્ટ્રનાં ચરિત્રચિત્રણો એમના કોમળ હૃદયભાવોથી આસ્વાદ્ય બન્યાં છે. અર્જુન અને શંકર, નિવાતકવચ અને અર્જુનના જેવા યુદ્ધપ્રસંગો તેમ જ દ્વૈતવન આદિ વનો તથા ગંધમાદન પર્વત વગેરેનાં વર્ણનો કવિની ઓજસભરી કે પ્રાસાનુપ્રાસની રમણીયતાભરી કાવ્યબાનીથી અસરકારક બન્યાં છે. કવિની કાવ્યશક્તિ દ્રૌપદી-જયદ્રથ વગેરેના સંવાદોમાં, કેટલાક સુંદર અલંકારોના વિનિયોગમાં તેમ જ વિવિધ લયની દેશીઓના પ્રયોગોમાં પણ પ્રગટ થાય છે. [ચિ.ત્રિ.]