ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસુંદર-૧
કનકસુંદર-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : ભાવડગચ્છના જૈન સાધુ. એમના ‘હરિશ્ચંદ્રતારાલોચનીચરિત્ર-રાસ’માં છેલ્લા પાંચમા ખંડને અંતે કવિ પોતાને ભાવડગચ્છના સાધુજીના શિષ્ય ઉપાધ્યાય મહેશજીના શિષ્ય ગણાવે છે, જ્યારે બીજા ખંડને અંતે ભાવડગચ્છાધિપતિ ગુરુ મણિરત્ન તથા “આશીત લબ્ધિ અનંત ઉવઝાય” એવી પંક્તિમાં નિર્દિષ્ટ કોઈક પરંપરા ઉલ્લેખાયેલી મળે છે. ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ ‘હરિશ્ચન્દ્રતારાલોચની ચરિત્ર-રાસ /ચોપાઈ/મોહનવેલી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, શ્રાવણ સુદ ૫; મુ.) મૂળ કથાનકને જૈન કર્મસિદ્ધાંતને અનુરૂપ ફેરફારો સાથે રજૂ કરતી, મનોભાવનિરૂપણ ને અલંકારનિયોજનની ક્ષમતા પ્રગટ કરતી સુગેય પ્રાસાદિક કૃતિ છે. કૃતિ : ૧. હરિશ્ચંદ્ર રાજાનો રાસ, પ્ર. ભીમશી માણેક, સં. ૧૯૫૩; ૨. એજન, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]