ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણદાસ-૧


કલ્યાણદાસ-૧ [અવ.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, આસો વદ ૨] : જ્ઞાનમાર્ગી કવિ. ખંભાત પાસેના ઊંદેલના પાટીદાર. અખાની શિષ્યપરંપરામાં ગણાવાતા જિતા મુનિ નારાયણના શિષ્ય. તેઓ એક યોગસિદ્ધ ચમત્કારિક અવધૂત તરીકે, પરમહંસ કલ્યાણદાસજીના નામે વિખ્યાત હતા. તેમણે કહાનવા ગામે જીવતાં સમાધિ લીધી હતી. કલ્યાણદાસે ૫૧ કડીના ‘અજગરબોધ’(મુ.)માં પ્રહ્લાદને અજગરમુખે મળેલા આત્મજ્ઞાનનું નિરૂપણ કર્યું છે અને હિંદી ભાષામાં રચાયેલા ૯ કડીના ‘કાફરબોધ’(મુ.)માં રામ-રહીમની એકતા દર્શાવી, બાહ્યાચારોનો નિષેધ અને ભક્તિનો બોધ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં એમની થોડીક સાખીઓ, કવિતા અને પદો (મુ.) મળે છે, જેમાં અધ્યાત્મજ્ઞાન અને ગુરુમહિમાના વિષયો નિરૂપાયા છે. તેમની કવિતાની દાર્શનિક ભૂમિકા અજાતવાદ અને પરમાત્મવાદની છે. કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો. [ચ.શે.]