ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુવેર દાસ કુબેરદાસ-‘કરુણાસાગર’


કુવેર(દાસ)/કુબેરદાસ/‘કરુણાસાગર’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી] : જ્ઞાનમાર્ગી સંતકવિ. કૃષ્ણ/કૃષ્ણાનંદ સ્વામીના શિષ્ય. સારસા(તા. આણંદ)માં ઈ.૧૮૦૦ આસપાસ કેવલજ્ઞાન-સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય સંતકેવલસંપ્રદાય, કાયમપંથ કુબેરપંથને નામે પણ ઓળખાય છે. કરુણાસાગર એ સંપ્રદાયે પાછળથી આપેલું ગુણનામ છે. સંપ્રદાયમાં અયોનિજ લેખાતા કુવેરદાસ કાસોર ગામ (તા. આણંદ) પાસેના જંગલમાંથી મળી આવ્યા હોવાનું અને રઘુવીર તથા હેતબાઈ નામના કોળી રજપૂત કે સિસોદિયા ક્ષત્રિય દ્વારા ઉછેર પામ્યા હોવાનું નોંધાયું છે. કુવેરદાસનું આયુષ્ય ૧૦૫ વર્ષનું મનાયું છે ને સંપ્રદાયમાં મહા સુદ ૨ (સં.૧૮૨૯/ઈ.૧૭૭૩) તેમના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે. એટલે એમનું સમાધિવર્ષ ઈ.૧૮૭૮ ગણાય. પરંતુ તેમના જીવનકાળ વિશે આથી જુદા પ્રકારની માહિતી પણ મળે છે. કુવેરદાસ અખાની પરંપરાના જિતામુનિનારાયણના શિષ્ય હોવાનું પણ નોંધાયું છે પણ એ હકીકતને વિશેષ સમર્થન સાંપડતું નથી. વિવિધ ધર્મોના અભ્યાસી કુવેરદાસે હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રબોધ કર્યો છે. તેમનો તત્ત્વવિચાર બહુધા કેવલાદ્વૈત જ્ઞાનમાર્ગને જ અનુસરે છે; તે ઉપરાંત તેમાં આ જગત અલખની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું છે એવા સકર્તા સિદ્ધાંતનું તથા નિજરૂપ કૈવલ્યની આરાધનાનું પ્રતિપાદન છે. આ કવિની કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે ને બહુધા સાધુક્કડી હિંદી કે ગુજરાતીમિશ્ર હિંદીમાં છે. ચોપાઈબંધનો ૬૮ કડીનો ‘કક્કો’ (૨.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, આસો સુદ ૧૫; મુ.) મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય એવી કૃતિ છે. તે ઉપરાંત વિવિધ રાગો-છંદોના નિર્દેશવાળા તેમ જ મંગલ, રવેણી, પ્રભાત, ચૂંદડી, ચરખો, ચેતવણી જેવાં વિષયસ્વરૂપલક્ષી નામોથી ઓળખાવાયેલાં પદો (મુ.) ગુજરાતી તથા હિંદી ભાષામાં મળે છે. મુખ્યત્વે હિંદી કહેવાય તેવી કૃતિઓમાં ‘અગાધબોધ’ (મુ.) એમના તત્ત્વવિચાર ઉપરાંત એમના પૂર્વાવતારો, પ્રાગટ્ય અને ભક્ત-શિષ્ય-સમુદાયની માહિતી આપતા ગ્રંથ તરીકે નોંધપાત્ર છે. આ ઉપરાંત એમની ‘વિશ્વભ્રમવિધ્વંસનિધિ’, ‘હંસતાલેવા’, ‘કૈવલવિલાસ’, ‘પરમસિદ્ધાંતપ્રણવકલ્પતરુ’, ‘સક્રતચિંતામણિ’, ‘અદ્વૈતા-દ્વૈતનરવેદ-ચિંતામણિ’, ‘વિજ્ઞાનસક્રતમણિદીપ’, ‘વિશ્વબોધચોસરા’, ‘જ્ઞાનભક્તિવૈરાગ્યનિરૂપણ’, ‘તિથિ(જ્ઞાનશિરોમણિ)’, ‘પંચમસૂક્ષ્મવેદ’ ‘મહામણિબોધ’, ‘તિલકચિંતામણિ’ (ર.ઈ.૧૮૭૧), ‘કર્મ-ગીતા’, ‘સરસ-ગીતા’ વગેરે મુદ્રિત પદ્યકૃતિઓ તેમ જ થોડાંક ગદ્યલખાણો પણ મળે છે. કૃતિ : ૧. અગાધબોધ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૪ (બીજી આ.); ૨. પરમસિદ્ધાંત પ્રણવ કલ્પતરુ, હંસતાલેવા ગ્રંથ, કૈવલવિલાસ, પ્ર. એજન, ઈ.૧૯૮૦ (બીજી આ.); ૩. પંચમસૂક્ષ્મવેદ, પ્ર. એજન, ઈ.૧૯૭૬ (બીજી આ.);  ૪. સક્રતચિંતામણિ, અદ્વૈતા-દ્વૈતનરવેદચિંતામણિ, ‘વિજ્ઞાનસક્રતમણિદીપ, વિશ્વબોધચોસરા, પ્ર. એજન, ઈ.૧૯૭૯ (બીજી આ.);  ૫. જ્ઞાનભક્તિ-વૈરાગ્ય-નિરૂપણ ગ્રંથ, તિથિગ્રંથજ્ઞાનશિરોમણિ, સિદ્ધાંત-બાવની ગ્રંથ, અચરતસાગર, પ્ર. એજન, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૬. ભજનસાગર, પ્ર. એજન, ઈ.૧૯૮૧ (બીજી આ.);  ૭. કૈવલ-જ્ઞાનોદય, ઑક્ટો. ૧૯૬૮, ઑક્ટો. ૧૯૬૯, ઑક્ટો. ૧૯૭૦, ઑક્ટો. ૧૯૭૨ - ‘વિશ્વભ્રમવિધ્વંસનિધિ’ : ૧થી ૪. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. આવિષ્કાર, બહેચરભાઈ ૨. પટેલ, ઈ.૧૯૭૮;  ૪. કૈવલજ્ઞાનોદય, ઑક્ટો. ૧૯૭૫ - ‘પરમગુરુપોમીપ્રાગટ્ય’ સં. અવિચળદાસજી;  ૫. ગૂહાયાદી. ૬. પાંગુહસ્તલેખો. [બ.પ.]