ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરવિમલ


કેસરવિમલ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં શાંતિવિમલ-કનકવિમલ એ બે ભાઈઓના શિષ્ય. એમની ૧૭૦ કડીની ‘સૂક્તમાલા/સૂક્તાવલિ’ (૨.ઈ.૧૬૯૮; મુ.) વિવિધ વિષયો પરનાં સુભાષિતોને ધર્માદિ ૪ વર્ગોમાં વહેંચીને સદૃષ્ટાંત રજૂ કરે છે. જૈન સાધુવર્ગમાં પ્રચલિત આ સુભાષિતસંગ્રહ સમગ્રપણે અક્ષરમેળ વૃત્તોની રચના હોવાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષપણે નોંધપાત્ર બને છે. વ્રતનિયમ વિષયક, લોકકથા પર આધારિત, દુહા-દેશીબદ્ધ ‘વંકચૂલ-રાસ’ (૨.ઈ.૧૭૦૦; *મુ.), પરંપરાગત અલંકારોની રમણીયતા ધરાવતી તથા પ્રેમભક્તિનો ભાવ વણી લેતી ‘ચોવીસી’ (૨.ઈ.૧૬૯૪; મુ.), ૯ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા કેટલાંક સ્તવનો (કેટલાંક મુ.) એ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સ્મારક સાર્ધ શતાબ્દી ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ:૧; ૩. જૈપ્રપુસ્તક:૧; ૪. સગુકાવ્ય. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]