ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કર્પૂરમંજરી’


‘કર્પૂરમંજરી’ : (૧) કનકસુંદરકૃત ૪ ખંડ અને ૭૩૨ કડીઓમાં વિસ્તરતી આ કૃતિ (ર. ઈ.૧૬૦૬) મતિસારની કૃતિથી કેટલાક નોંધપાત્ર ફેરફારો બતાવે છે. કનકસુંદરની કથામાં સિદ્ધરાજ છેવટ સુધી ક્રિયાશીલ પાત્ર તરીકે ચાલુ રહે છે. એણે કાંતિનગર પર કરેલી ચડાઈ દરમ્યાન એના પાસવાને યુક્તિથી મેળવેલા કર્પૂરમંજરીના નખ ઉપરથી ગંગાધર સલાટ પૂતળી ઘડે છે એવું વૃત્તાંત ઉમેરાય છે અને સિદ્ધરાજના સમકાલીન હેમચંદ્રસૂરિનું પાત્ર પણ નવું દાખલ થાય છે, જે જિનધર્મનો મહિમા પ્રગટ કરવામાં ઉપકારક બને છે. અહીં નાયક સાર્થવાહ મોહસાર છે અને તેનો સહાયક તેનો નાનો ભાઈ ગુણસાગર છે, જે કાંતિનગરમાં વસીને ચાલાકીથી કર્પૂરમંજરીનું હરણ કરે છે. કર્પૂરમંજરી પણ અહીં સ્ત્રીરાજ્યની અધિનાયિકા નહીં પણ કાંતિનગરના મંત્રી બુદ્ધિસાગરની પુત્રી છે. કનકસુંદરે આવા કેટલાક ચમત્કૃતિપૂર્ણ પ્રસંગો નવા યોજ્યા છે, તો મતિસારની વાર્તામાં કેન્દ્રસ્થાને રહેલો કાષ્ઠના ઘોડા તથા રૂપસેનને નડતાં વિઘ્નોનો પ્રસંગ ટાળ્યો છે અને એ રીતે અપ્રતીતિજનક અંશો નિવાર્યા છે. હેમચંદ્રસૂરિને મુખે મુકાયેલા નાયકનાયિકાની દાનશીલતા વર્ણવતા પૂર્વભવ-વૃત્તાંત ઉપરાંત પ્રસંગોચિત વ્યવહારબોધ આપતી ૬ આડકથાઓ ગૂંથીને કનકસુંદરે પ્રમાણભાન ઓછું બતાવ્યું છે અને દાનમહિમાનો હેતુ વણી લઈને જૈન ધર્મની મહત્તા વારંવાર પ્રગટ કરી છે, તેમ છતાં એ નોંધપાત્ર ભાષાપ્રભુત્વ અને છંદપ્રભુત્વ દર્શાવે છે અને સમગ્રતયા એમની કૃતિ સુવાચ્ય બને છે. [વ.દ.]