ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળાનંદ


ગોપાળાનંદ [જ.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, શ્રાવણ સુદ ૧૫ કે ઈ.૧૭૮૧/સં.૧૮૩૭, મહા સુદ ૮, સોમવાર-અવ.ઈ.૧૮૫૩/સં. ૧૯૦૮, વૈશાખ વદ ૪/૫, રવિવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. જન્મ ટોરડા (તા. ભિલોડા, જિ. સાબરકાંઠા) ગામે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં, મૂળ નામ ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ, માતા કુશળબા (જીવીબા). ઈ.૧૭૯૩ સુધી મુડેટીમાં ન્યાય, વ્યાકરણ, વેદવેદાંત, અષ્ટાંગયોગ અને મીમાંસાનો અભ્યાસ. સરસવણીમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કરેલું. ઈ.૧૮૦૨માં લગ્ન. ઈ.૧૮૦૮માં સહજાનંદસ્વામી પાસે દીક્ષા, સહજાનંદસ્વામીના અવસાન બાદ ૨૨ વર્ષ સુધી સંપ્રદાયના સુકાની બની રહ્યા. દેહત્યાગ વડતાલમાં. સાદી સંસ્કારી ભાષામાં તથા દૃષ્ટાંતપૂર્વક વેદાંતરહસ્યની સમજૂતી આપતી તથા શ્રીજીની ભક્તિનો બોધ કરતી, સત્સંગીજનોના પ્રશ્નોના ઉત્તર રૂપે કહેવાયેલી એમની વાતો મુદ્રિત થયેલી છે. આ ઉપરાંત એમણે ‘અદ્વૈતખંડન’, ‘વાર્તાવિવેક’, ‘સંપ્રદાયનાં પાનાં’, ‘પૂજાપદ્ધતિ’ તથા કેટલાક છૂટક નિબંધોની રચના કરી છે ને પોતાના જ સંસ્કૃત ‘ભક્તિસિદ્ધિ’ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એમણે સહજાનંદનાં ‘વચનામૃતો’નું સંપાદન કર્યું છે અને ‘શિક્ષાપત્રી’નું મરાઠીમાં ભાષાંતર પણ કર્યું છે. સંસ્કૃતના પંડિત આ સાધુએ ‘ભક્તિસિદ્ધિ’ ઉપરાંત ‘હરિસ્વરૂપનિર્ણય’, ‘વિવેકદ્વીપ’, ‘હરિભક્તનામાવલિ’, ‘વિષ્ણુયાગ’ એ ગ્રંથો તથા પ્રસ્થાનત્રયી, શ્રીમદ્ભગવદ્ ગીતા, ઉપનિષદો તેમ જ ભાગવતના કેટલાક સ્કંધની ટીકા કે ભાષ્ય સંસ્કૃતમાં રચ્યાં છે. કૃતિ : ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદ સ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામ રાવજી, ઈ.૧૯૩૯ (+સં.). સંદર્ભ : ૧. અનાદિ મહામુક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૮; ૨. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, ઈ.૧૯૭૨;  ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં.૨૦૩૦ (બીજી આ.).[હ.ત્રિ.]