ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/‘ચંદ્રહાસાખ્યાન’


‘ચંદ્રહાસાખ્યાન’ [ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર] : ૨૮ કડવાંનું પ્રમાનંદકૃત આ આખ્યાન (મુ.) જૈમિનીય અશ્વમેઘપર્વમાંની ચંદ્રહાસકથાને થોેડાક ફેરફારો સાથે આલેખે છે ને તેમાં નાકરની આ વિષયની કૃતિનું અનુસરણ પણ થયેલું જણાય છે. જેમ કે, નામાદિના ૨-૩ ગોટાળા અને પ્રેમાનંદમાં સામાન્ય રીતે જોવા ન મળતું કક્કાનું આયોજન નાકરને આભારી છે, તેમ વિષયા ચંદ્રહાસને વાડીમાં મળે છે એ પ્રસંગના આલેખનમાં પણ પ્રેમાનંદને નાકરની થોડીક મદદ મળી છે. કાવ્યનો વસ્તુબંધ ચુસ્ત ને સુરેખ નથી, ને ક્યાંક તાલમેલિયાપણું છે પણ પ્રેમાનંદને જેની ફાવટ છે એવી નાટ્યાત્મક વક્રોક્તિઓથી કાવ્યનું કેટલુંક પ્રસંગનિર્વહણ ચમત્કારક બન્યું છે, જેમ કે, ચંદ્રહાસ પ્રત્યેની “તમને રાખજો અશરણ-શરણ, સાટે મુને આવજો મરણ” એ મદનની સાચી પડતી ઉક્તિ. આ આખ્યાનમાં ચરિત્રનિરૂપણની પ્રેમાનંદની આગવી કલાનાં દર્શન થતાં નથી. ધૃષ્ટબુદ્ધિ એના નામને સાર્થક કરતું પાત્ર છે, પણ ચંદ્રહાસના પાલકપિતા કુલિંદમાં રાજતેજનો અભાવ ખૂંચે છે ને ચંદ્રહાસના ભક્તિભાવમાં પણ એના મોભાને અણછાજતી થોડી વ્યવહારવિમુખતા દેખાય છે. જનમનરંજક પ્રેમાનંદ પાત્રોમાં પ્રાકૃત ભાવના આરોપણમાંથી બચી શક્યા નથી. તોપણ આ આખ્યાનમાં મદનની ભાવનામયતા, ગાલવઋષિનું બ્રહ્મતેજયુક્ત સ્વાભિમાન અને વિષયાના ઋજુ ઉજ્જવલ પ્રણયભાવોનું નિરૂપણ પ્રેમાનંદની ચરિત્રચિત્રણકલાની ઝાંખી કરાવે છે. અનાથ શિશુ ચંદ્રહાસ પ્રત્યેનું પડોશણોનું વાત્સલ્યપૂર્ણ વર્તન ને મારાઓના મનોવ્યાપારોમાં પ્રગટ થતું માનવતાદર્શન પણ આકર્ષક નીવડે છે. આ આખ્યાનના પ્રસંગોમાં અદ્ભુત, ભાવાલેખનમાં કરુણ અને શૃંગાર તેમ જ કૃતિના તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિ - એ રસોને અવકાશ મળ્યો હોવા છતાં પ્રેમાનંદની લાક્ષણિક રસજમાવટ અહીં દેખાતી નથી. વનની ભયંકરતાનું ને ચંદ્રહાસના રૂપનું વર્ણન આસ્વાદ્ય છે ને આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ-ભગવાનના મિલનપ્રસંગનું નિરૂપણ આર્દ્ર હૃદયભાવોથી ધબકતું છે : પોતે સવ્યસાચીની સાથે ભક્ત ચંદ્રહાસનું દર્શન કરવા આવ્યા છે એ ભગવાનનું “ભારે” વાક્ય સાંભળીને રડી પડતા ભક્તનાં આંસુ “અવિનાશી પટકુળ પોતાને લોહ્ય.” પણ આ આખ્યાનમાં પ્રેમાનંદની કવિત્વશક્તિ ઉત્તમ રીતે પ્રગટ થઈ છે વિષયા ચંદ્રહાસને મળે છે એ પ્રસંગના નિરૂપણમાં. શબ્દૌચિત્ય, વક્રોક્તિ ને અશ્વ પ્રત્યેની ચાટૂક્તિઓથી પ્રેમાનંદ વિષયાની ભાવભંગિમાને સૂક્ષ્મતાથી મૂર્ત કરી બતાવે છે અને નાકર-આધારિત પ્રસંગને પોતાના અભિવ્યક્તિ-સામર્થ્યથી નવું રૂપ આપે છે. [ર.ર.દ.]