ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૧


જિનચંદ્ર(સૂરિ)-૧ [જ.ઈ.૧૫૩૯/સં.૧૫૯૫, ચૈત્ર વદ ૧૨ - અવ. ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, આસો વદ ૨] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. જોધપુર પાસે વડલી કે ખેતસર ગામમાં જન્મ. વીસા ઓશવાળ જ્ઞાતિ. રીહડ ગોત્ર. પિતા શાહ શ્રીવંત. માતા સિરિયાદેવી (શ્રીયાદેવી). મૂળ નામ સુલતાનકુમાર. દીક્ષા ઈ.૧૫૪૮માં અને દીક્ષાનામ સુમતિધીર. ઈ.૧૫૫૬માં આચાર્યપદ. અકબર બાદશાહને પ્રતિબોધી એમણે વર્ષમાં ૧ સપ્તાહ માટે અમારિ (જીવવધનિષેધ) ઘોષણા કરાવેલી તેમ જ સર્વદર્શનના સાધુઓને દેશ બહાર કરવાનો જહાંગીરનો હુકમ રદ કરાવેલો. અકબર બાદશાહ પાસેથી ‘યુગપ્રધાન’નું બિરૂદ મેળવનાર આ જૈનાચાર્યે સાંપ્રદાયિક ઉત્કર્ષનાં પણ ઘણાં કામો કર્યા હતાં અને વિદ્વાન સાધુઓનો બનેલો એમનો વિશાળ શિષ્ય સમુદાય હતો. એમણે બિલાડામાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. ૮ પ્રકારના મદમાંથી છૂટવાનો ઉપદેશ આપતી ૧૭ કડીની ‘અષ્ટમદ-ચોપાઈ’, રૂપકશૈલીએ જોગીનાં સાચાં લક્ષણો વર્ણવતી ૧૨ કડીની ‘જોગીવાણી’ તથા ૮ કડીનું ‘(વિક્રમપુરમંડણ) આદિજિન-સ્તવન’ એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. એમણે તૈયાર કરાવેલા આચારના ૨ નિયમોના પત્રો પણ મુદ્રિત મળે છે. એમને નામે નોંધાયેલી ‘બારભાવનાઅધિકાર’, ‘શીયલવતી’, અને ‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૪ આસપાસ) એમની કૃતિઓ હોવાનું શંકાસ્પદ લેખાયું છે. જિનચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ‘પૌષધવિધિ પ્રકરણ’ની વૃત્તિ (ર.ઈ.૧૫૬૧) અને કેટલાંક સ્તવનો રચેલાં છે. કૃતિ : યુજિનચંદ્રસૂરિ - ‘ક્રિયાઉદ્ધાર નિયમપત્ર’, ‘શ્રી જિનચંદ્રસૂરિકૃત સમાચરી’, ‘અષ્ટમત ચૌપાઈ’, ‘વિક્રમપુરમંડણ આદિજિન-સ્તવન’, ‘જોગીવાણી’ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧. [ચ.શે.]