ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણદાસ-૧-જીવણજી


જીવણદાસ-૧/જીવણજી [જ.ઈ.૧૫૯૩ - અવ. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ભાદરવા સુદ ૫] : રામકબીર-સંપ્રદાયની ઉદાધર્મ શાખાના વૈષ્ણવ સંતકવિ. પુનિયાદ ગાદીની જ્ઞાનીજીની પરંપરામાં ગોપાલદાસના શિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ઈ.૧૬૦૪માં ૧૧ વર્ષની ઉંમરે ગોરિયાદ આવ્યાની માહિતી નોંધાયેલી છે. ઈ.૧૬૨૭માં ગુરુદીક્ષા. જીવણદાસે દ્વારકાની અને પછીથી જગન્નાથપુરી, કૈલાસ, કાશી વગેરે ભારતનાં તીર્થધામોની યાત્રા કરી હતી. તેમની ગાદી પુનિયાદમાં હતી પરંતુ ઘણાં વર્ષો તેઓ શાહપુરામાં રહ્યા હતા. તેમના જીવનના ઘણા ચમત્કારપ્રસંગો નોંધાયેલા છે. અવસાન પુનિયાદમાં. એમની મહત્ત્વની રચના ગુરુદેવ, વિરહ, પતિવ્રતા, માયા, બ્રહ્મજ્ઞાની વગેરે વિષયો પરના ૨૧ અંગ અને ૧૦૩૩ સાખીઓ ધરાવતી ‘સાખી પારાયણ’ (મુ.) હિંદી ભાષામાં છે. ગુજરાતીમાં ૧૭૨ દુહા, અધ્યારુજી ધનરાજનાં ૨૮ કીર્તનોના સાર રૂપે રચાયેલી ૧ બોધાત્મક કૃતિ (મુ.) તથા ‘આદ’ને નામે ઓળખાવાયેલી પ્રસાદ આરોગતી વખતે ગાવાની આરતી (મુ.) એ એમની કૃતિઓ મળે છે. જોકે, ‘આદ’માં કશી નામછાપ મળતી નથી. ‘ભક્તમાલ’ની પ્રિયાદાસની ટીકા પર માહાત્મ્ય મળે છે તે સંભવત: એમણે રચેલું છે. તેમણે અન્ય પદો પણ રચ્યાં હોવા જોઈએ પણ તે પ્રાપ્ત થતાં નથી. કૃતિ : ૧. સાખી પારાયણ, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, સં. ૨૦૩૮;  ૨. ઉદાધર્મપંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૩. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬;  ૪. જીવણવાણી, વૈશાખ - જેઠ, ૨૦૩૨ - ‘આદ’.[ચ.શે.]