ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણ-જીવન


જીવણ/જીવન : આ નામે ‘જમના-સ્તુતિ’ (મુ.), ‘અવતારનો છંદ’ (મુ.), ‘પંદરતિથિ માતાની’ (મુ.), ‘વારનું પદ’ [મુ.), ૨ બોધાત્મક પદો(મુ.), ૧૨ પદના ‘નંદકિશોરના બારમાસ’, ‘રામચરિતના મહિના’ તથા બીજાં કેટલાંક પદો (થોડાંક મુ.) મળે છે તેના કર્તા કયા જીવણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘જીવન’ કે ‘જીવણ’ એવી નામછાપ ધરાવતી ઉપર્યુક્ત કૃતિઓમાંની કેટલીક જીવણદાસને નામે પણ નોંધાયેલી મળે છે. ‘નંદકિશોરના બારમાસ’માં “હો જીવણ નંદકિશોર” એ અંતની પંક્તિમાં ‘જીવણ’ ને કર્તાનામ ગણવું કે કેમ એ કોયડો છે. આમાંની કોઈ કૃતિઓના કર્તા અર્વાચીન હોવાની પણ સંભાવના છે. ૨ બોધાત્મક પદોના કર્તા જીવણ ઈ.૧૭૪૪માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે પરંતુ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. કૃતિ : ૧. ગુકાદોહન; ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩.પ્રાકાવિનોદ:૧; ૪. બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગભાવિ; ૩. ફાહનામાવલિ : ૨; ૪. ફૉહનામાવલિ.[ચ.શે.]