ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જૂઠણ તરકડિયાનો વેશ’


‘જૂઠણ તરકડિયાનો વેશ’ : ‘નટાવાનો વેશ’ ‘હરાયાનો વેશ’ એવાં નામ પણ ધરાવતો આ વેશ (મુ.), ભવાઈપરંપરાનુસાર, ગણપતિના વેશ પછી તરત પહેલા વેશ તરીકે ભજવાય છે. આ વેશના ઓછાવત્તા વીગતભેદ દર્શાવતા કેટલાક પાઠભેદો મળે છે, એ જોતાં એમાં મૂળમાં હિંદુ સ્ત્રી સાથેના કોઈ મુસ્લિમ સરદારના નિષ્ફળ પ્રેમનું કરુણગર્ભ વૃત્તાંત હશે એમ લાગે છે, પણ પછીથી જાતજાતનાં ઉમેરણો થતાં એમાં ઠઠ્ઠાનાં ઘણાં તત્ત્વો પ્રવેશી ગયાં છે. વેશ મુખ્ય ૨ વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં જૂઠણનો નાયક મદન સાથેનો સંવાદ આલેખાય છે. દિલ્હીના, બલ્ખબુખારાના કે ગ્વાલગઢના બાદશાહ તરીકે ઉલ્લેખાતો જૂઠણ સાંઈ કે ફકીર બની ચૂકેલો છે. જૂઠણ નાયક સાથેના સંવાદમાં પોતાનાં ‘મિયાં પોસ્તી’ ‘કુત્તીમાર’ જેવાં અન્ય નામો હોવાનું જણાવી એ નામો કેમ પડ્યાં તેની વિનોદી કથાઓ માંડે છે, નાગરબ્રાહ્મણ, ઢૂંઢિયા શ્રાવક, ઘાંયજા વગેરે ઘણી નાતજાતનાં ગાણાં ગાય છે - જેમાં બહુધા એ કોમોની હાંસીમશ્કરી છે ને કવચિત્ એમનામાં ગવાતાં ગાણાંના નમૂના પણ છે - જુદા જુદા પ્રકારની લાજની નકલ કરે છે, રાંઘવા-પીરસવાનો અભિનય કરે છે, પોતાની ટોપીની ૩ વિશેષતાઓ વર્ણવે છે, અને પોતે અઢાર માસે કેવી રીતે જન્મ્યો એની વાત કરે છે. પગેથી તાળી આપતો ને તાળી માટે નાયકે લંબાવેલા હાથમાં થૂંકતો તથા આવી બધી કથા માંડતો જૂઠણ સાંઈના ગંભીર પાત્ર કરતાં વિશેષ વિદૂષકના પાત્રની છાપ પાડે છે, જો કે એના દ્વારા રજૂ થયેલું કેટલુંક સમાજદર્શન આકર્ષક છે. વેશના બીજા વિભાગમાં જોરુ કે બીબી સાથેનો જૂઠણનો સંવાદ આલેખાય છે. જોરુ સામાન્ય રીતે ૧ છે, પણ કોઈ પાઠમાં ૨ પણ છે - ચટકી મટકી કે લાલકુંવર-ફૂલકુંવર. જોરુ-જૂઠણના ‘ચબોલા’ નામક પદ્યમાં ચાલતા સંવાદમાં પરસ્પરના આકર્ષણની કથા વર્ણવાય છે, જોરુને સાસરિયાં તરફથી સંભવિત ભયનો ને બંનેના જાતિભેદના ઉલ્લેખ થાય છે અને છેવટે જૂઠણનું ઘર માંડવા જોરુ તૈયાર થતી નથી તેથી જૂઠણનો ફકીર થઈ જવાનો સંકલ્પ પણ અભિવ્યક્તિ પામે છે. આ સંવાદ ગ્રામ્ય રીતિની વણછડને કારણે વિનોદાત્મક પણ બને છે. “ઓકારા રે ભાઈ એકારા, સાહેબકે ઘરમેં એકારા” એમ એકતાના ગંભીર સૂચન સાથે વેશ પૂરો થાય છે. વેશની ભાષામાં ગુજરી મુસલમાની, ગુજરાતી અને મારવાડીનું મિશ્રણ છે. કૃતિ : ૧. દેશી ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુક્લ; ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૩. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. સંદર્ભ : ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨.[ક.જા.]