ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/‘ઝંદા-ઝૂલણનો વેશ


‘ઝંદા-ઝૂલણનો વેશ : માંડણ નાયકના કર્તૃત્વનો ઉલ્લેખ ધરાવતો આ ભવાઈ-વેશ (મુ.) કેટલીક વાચનામાં ‘સંવત સોળસે સાતમેં બની ઊંઝેમેં બાત, ચૈતર સુદકી બીજ, ઝૂલણ તેજાંકી ખીજ’ એવી પંક્તિઓ ધરાવે છે, પણ એમાં કૃતિના રચનાસમયનો, ભજવણીના સમયનો કે વર્ણવાયેલી ઘટના બન્યાના સમયનો સંકેત જોવો એ વિશે સંદિગ્ધતા રહે છે. આ ઉલ્લેખ ઓછામાં ઓછું એટલું બતાવે કે કૃતિ એના મૂળ સ્વરૂપે સં. ૧૬૦૭ (ઈ.૧૫૫૧) સુધીમાં રચાયેલી છે. જુદીજુદી વાચનાઓમાં થોડી જુદી જુદી રીતે મળતી આ વેશની કથા એવી છે કે ઝંદા કે ઝૂલણ નામના મુસ્લિમ સરદારને દિલ્હીના બાદશાહે ઊંઝાના થાણદાર તરીકે મોકલ્યો છે તે તેજાં નામની મોદણના રૂપથી, તેમ જ તેનું અથાણું ખાધાથી, તેના પર મોહ પામે છે અને તેની સાથે હળેમળે છે. એના પતિ તેજા મોદીને એ ધમકાવી કાઢે પણ પછીથી આ અંગે બાદશાહ પાસે ફરિયાદ થતાં લોકો ઝંદાને પથરા મારે છે ને તેજાં પોતાને પિયર વડનગર ચાલી જાય છે. ઝંદો ત્યાં પણ ફકીર બનીને તેની પાછળ જાય છે, પરંતુ તેજાં તેની સાથે આવવાની ના પાડતાં એ મક્કા ચાલ્યો જાય છે અને તેજાં કાશી ચાલી જાય છે. વેશની કોઈ વાચનામાં તેજાંનું આ વૃદ્ધ અરસિક પતિ સાથેનું લગ્ન હોવાનું દુ:ખ ગવાયું છે ને ઝંદો તેજાંની સાથે કાજી તથા ગોરને બોલાવી પરણે છે એવું પણ વર્ણવાયું છે. ૨ ભાગમાં વહેંચાઈ જતાં આ વેશના પહેલા ભાગમાં તેજા મોદીનું, એને અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકે રજૂ કરતું એની પૂર્વવયનું વૃત્તાંત રજૂ થાય છે જે આ ભાગને કે આખા વેશને પણ ‘અડવા વાણિયાનો વેશ’નું નામ અપાવે છે. એ ભાગ બહુધા કથનાત્મક છે કેમ કે અડવો પોતાનાં નામોની ને પોતાની મૂર્ખાઈઓની - ગુજરાતમાં વાર્તા રૂપે ખૂબ જાણીતી થયેલી - કથા પોતાને મોઢે વિસ્તારથી કહે છે. અડવાના ‘ઠીકરી પારેખ’ જેવા નામમાં મજાનો વ્યંગ છે તો કેવળ શબ્દાર્થને પકડતી કે કોઈની સૂચનાને તેના તાત્પર્યને સમજ્યા વિના અપ્રસંગે ઉપયોગમાં લેતી અડવાની બાળબુદ્ધિનું વર્તન પણ માર્મિક વિનોદભર્યું છે. વેશનો બીજો ભાગ બહુધા ઝંદા તથા તેજાંના પદ્યમય સંવાદ રૂપે ચાલે છે, જેમાં એમના પરસ્પર અનુરાગ, પ્રતીક્ષા, મિલન તથા વિરહ-દુ:ખના ભાવો તળપદી છટાથી વ્યક્ત થયા છે. એમાં કેટલાંક રસપ્રદ ચિત્રણો મળે છે. જેમ કે તેજાં ઝંદાને સંબોધીને કહે છે, “કસ્તૂરી જેવી કામની ઝંદા, કસુંબ જેવો એનો રંગ, મારા ઘૂંઘટમાં કાળી નાગણી, સામું જુએ તેને મારે ડંખ.” આ સંવાદમાં હિંદુ-મુસ્લિમ સંસ્કારોના ભેદની કેટલીક વાતો પણ રસિક રીતે ગૂંથાઈ છે. આ વેશમાં ઝંદો વાણિયા સાથે ઝઘડો કરતા પોતાના સાથીદાર દાગલાને બંદગીનો ઉપદેશ આપે છે ત્યારે સવૈયા, કુંડલિયા, ગઝલ, રેખતા, પાયા, દોહા, હરફ, જકડી ઇત્યાદિ બંધોથી બોધાત્મક હિંદી પદ્યો વિપુલ પ્રમાણમાં આપવામાં આવ્યા છે તેને કથાવસ્તુ સાથે કશો જ સંબંધ નથી. એમાં કોઈ પદ્ય ‘માંડણ’ની નામછાપ દર્શાવે છે. પણ બીજા દીન દરવેશ વગેરેનાં પદ્યો અહીં ઉદ્ધૃત થયેલાં છે. વેશમાં વાણિયાનું લાક્ષણિક ચરિત્રચિત્રણ પણ ધ્યાન ખેંચે છે.[જે.કો.]