ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તરુણપ્રભ સૂરિ


તરુણપ્રભ(સૂરિ) [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચન્દ્રસૂરિના શિષ્ય. યશ:કીર્તિગણિ તથા રાજેન્દ્રચન્દ્રસૂરિ એમના વિદ્યાગુરુઓ. પછીથી જિનકુશલસૂરિ પાસે પણ એમણે શાસ્ત્રાભ્યાસ કરેલો. દીક્ષા બાલવયે ઈ.૧૩૧૨માં. દીક્ષાનામ તરુણકીર્તિ. આચાર્યપદ ઈ.૧૩૩૨માં. એમણે ૧૩૫૯માં જિનોદયસૂરિની પદસ્થાપના કરી તે પૂર્વે અન્ય ૩ ગચ્છનાયકોની પણ કરી હતી અને એ ગચ્છનાયકોના અલ્પાયુષ્યને કારણે વસ્તુત: ૨૫ વર્ષ સુધી ગચ્છભાર સંભાળ્યો હતો. ‘વિદ્વજજનચૂડામણિ’નું બિરુદ પામેલા આ કવિની ૭૦૦૦ ગ્રંથાગ્રની ગદ્યકૃતિ ‘ષડાવશ્યક બાલાવબોધ-વૃત્તિ/શ્રાદ્ધ ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૩૫૫/સં. ૧૪૧૧, આસો વદ ૩૦, શનિવાર; મુ.) અન્ય શાસ્ત્રાધારો ને ગાથા-શ્લોકોને સમાવીને અપાયેલી વિસ્તૃત સમજૂતી, દૃષ્ટાંતરૂપ કથાઓ, શિષ્ટ પ્રૌઢ સંસ્કૃતાઢ્ય બાની તથા પ્રવાહિતા-પ્રાસાદિકતાભરી સાહિત્યિક ગદ્યછટાને કારણે ઘણી નોંધપાત્ર બને છે. કવિએ કેટલાંક સ્તોત્ર-સ્તવનાદિ-સંભવત: સંસ્કૃતમાં-રચ્યાં હોવાનું નોંધાયું છે ને ૨ સ્તવનો તો ‘ષડાવશ્યક-બાલાવબોધવૃત્તિ’માં પણ ગૂંથાયાં છે. કૃતિ : ૧. (તરુણપ્રભાચાર્યકૃત) ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ, સં. પ્રબોધ બે. પંડિત, ઈ.૧૯૭૬ (+સં.); ૨. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજયજી, સં. ૧૯૮૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]