ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ/થોભણ-૧


થોભણ-૧ [ઈ.૧૭૬૯ સુધીમાં] : પદકવિ. આ કવિની એક કૃતિ ‘કક્કો’ની લે. ઈ.૧૭૬૯ મળે છે. એ પરથી કવિ ત્યાં સુધીમાં થઈ ગયા હોવાનું કહી શકાય. કારતકથી આરંભી ૧૨ માસના ગોપીના કૃષ્ણવિયોગનું ને પુરુષોત્તમ માસમાં કૃષ્ણ આવતાં એના સંયોગ-આનંદનું ઊર્મિસભર આલેખન કરતાં ને ક્યાંક અનુપ્રાસને ગૂંથતું ૧૩ પદોનું ‘વહાલાજીના મહિના’ (મુ.) તથા કૃષ્ણ અને આહીરણ વચ્ચેના રસિક સંવાદ રૂપે આલેખાયેલું ને ચાટૂક્તિઓમાં જણાતી કવિની નર્મવૃત્તિથી ને મધુરપ્રાસાદિક શૈલીથી નોંધપાત્ર બનતું, ચચ્ચાર પંક્તિઓની ૨૨ કડીઓનું ‘દાણલીલાના સવૈયા/ચબોલા’ (મુ.) કૃષ્ણપ્રીતિસ્મરણની ‘પંદર તિથિઓની ગરબી’ (મુ.), ‘કક્કો’, ‘ચિંતામણિ’, ‘રામચંદ્રનો વિવાહ’ અને ‘હનુમાન-ગરબી’ને સમાવી લેતાં રામકથાનાં પદ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃષ્ણકીર્તનનાં અને વૈરાગ્યભક્તિબોધનાં કવિનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાં કવચિત યોગમાર્ગી નિરૂપણ પણ થયું છે અને ઘણે સ્થાને કવિનું દૃષ્ટાંતનું બળ દેખાઈ આવે છે. કેટલાંક પદોમાં પ્રસંગનિરૂપણ પણ છે જેમ કે, રામવનવાસ એ કૌશલ્યાવિલાપનું અસરકારક ચિત્રાત્મક નિરૂપણ કરતી ૨ ગરબીઓ (મુ.) તથા રાધાની રીસ અને કૃષ્ણે તેના શૃંગાર સજી આપીને કરેલો તેનો અનુનય એવી ઘટનાનું માધુર્યભર્યું આલેખન કરતાં ‘રાધિકાનો રોષ’ નામક ૩ પદો (મુ.). કવિને નામે ‘હનુમાન-ગરબી’ નોંધાયેલી છે પરંતુ તેની આધારભૂતતા શંકાસ્પદ લાગે છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃકાદોહન : ૧, ૭; ૩. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’ દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી; ૫. જૈગૂકવિઓ : ૩(૨).[ર.સો.]