ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૨


દીપવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી અંતભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની આણંદસૂર-શાખાના જૈન સાધુ. પંડિત પ્રેમવિજ્ય અને પંડિત રત્નવિજ્યના શિષ્ય. તેઓ ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી ‘કવિરાજ’નું અને ગાયકવાડનરેશ પાસેથી ‘કવિબહાદુર’નું બિરુદ પામેલા. આ કવિએ નાની મોટી અનેક કૃતિઓ રચી છે તેમાંથી ૪ ઉલ્લાસ અને ૫૧ ઢાળનો ‘સોહમકુલરત્નપટ્ટાવલી-રાસ’ (ર.ઈ.૧૮૨૧; મુ.) ઇતિહાસ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને રચેલા આ રાસમાં વિવિધ ગચ્છભેદોને જ્ઞાતિઓની ઉત્પત્તિની માહિતી, કેટલાક આચાર્યોના જીવનપરિચયો અને કેટલાક મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગોના વર્ણન સાથે ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ પરંપરા આપવામાં આવી છે. કૃતિમાં કેટલેક સ્થાને ગદ્ય પણ પ્રયોજાયેલું છે. ચંદરાજાના ગુણાવલીરાણી પરના અને ગુણાવલીના ચંદરાજા પરના લેખ (પત્ર) રૂપે રચાયેલા અનુક્રમે ૩૨ અને ૩૭ કડીઓનાં ૨ નાનાં કાવ્યો (મુ.)માં કવિએ ચંદરાજાની અદ્ભુતરસિક કથાનાં મહત્ત્વનાં ઘટનાબિંદુઓને કુશળતાથી ગૂંથી લીધાં છે. તે ઉપરાંત એમાં ભાષાની રુચિરતા અને પ્રાસાદિકતા નોંધપાત્ર છે. કવિને ઐતિહાસિક પ્રબંધોમાં વિશેષ રસ છે તે તેમની અન્ય કૃતિઓ પણ બતાવે છે. તેમણે રાઠોડરાજા માનસિંહનું વર્ણન કરતો ‘સમુદ્રબંધસચિત્રઆશીર્વાદકાવ્ય-પ્રબંધ’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, આસો સુદ ૧૦) તથા નગરશેઠ હેમાભાઈ વખતચંદનું વર્ણન કરતો બીજો ‘આશીર્વાદ-પ્રબંધ’ એમ ૨ પ્રબંધ રચ્યા છે. કવિએ ગુજરાતનાં કેટલાંક નગરો વિશે પણ ઐતિહાસિક વૃત્તાંત આપતી ગઝલો રચી છે. જેમ કે, હિંદીમાં ૬૦ કડીની ‘વડોદરાની ગઝલ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, માગશર સુદ ૧, શનિવાર; મુ.) તથા ૮૩ કડીની ‘સુરતકી ગઝલ’ (ર. ઈ.૧૮૨૧/૧૮૭૭ માગશર-૨; મુ.) આ ઉપરાંત એમની ખંભાત, જંબુસર, ઉદેપુર, પાલનપુર અને સિનોર વિશેની ગઝલો નોંધાયેલી મળે છે, જેમાંથી કોઈ ગુજરાતીમાં પણ હોઈ શકે. કદાચ લાવણી પ્રકારના લય તથા રદીફ પ્રકારની પ્રાસયોજનાને કારણે ગઝલ તરીકે ઓળખાવાયેલી આ કૃતિઓમાં ફારસી પદાવલિનો વિનિયોગ પણ ધ્યાન ખેંચે છે ૩ ઢાળના ‘કાવીતીર્થે સાસુ-વહુકારાપિતપ્રસાદે ઋષભ-ધર્મનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૦; મુ.)માં કાવીતીર્થમાં સાસુવહુએ બંધાવેલાં જિનમંદિરોનું વર્ણન થયેલું છે. ૪ ઢાળની ‘ગોભદ્રશેઠની તથા શાલિભદ્રની સઝાય’ (ર.ઈ.૧૮૩૫; મુ.) તથા ૬ ઢાળનું ‘રોહિણીતપનું સ્તવન’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, ભાદરવા સુદ-; મુ.) કવિની અન્ય કથાત્મક રચનાઓ છે, જેમાં એમની પ્રાસાદિક કથાકથનની શક્તિ દેખાઈ આવે છે. ૮-૮ ઢાળોમાં રચાયેલી ૨ પૂજાઓ ‘અષ્ટાપદજીની પૂજા’ (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, ફાગણ-; મુ.), ‘નંદીશ્વરદ્વીપ મહોત્સવ પૂજા’ (ર.ઈ.૧૮૩૩; મુ.) તથા ‘સોહમકુલકલ્પવૃક્ષ અથવા ગણધર દેવવંદન’ (ર.ઈ.૧૮૨૬)માં પણ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન ને આચારબોધ ઉપરાંત કેટલુંક ચરિત્રકથન સમાવી લેવાયું છે. કવિએ ‘અડસઠ આગમની અષ્ટપ્રકારી-પૂજા’ પણ રચેલી છે. આ ઉપરાંત કવિએ અનેક સ્તવન, સઝાય, સ્તુતિ, ગીત, છંદ, આરતી, ગહૂંલી વગેરે પ્રકારની કૃતિઓ (ઘણી મુ.) રચેલી છે. તેમાંથી ‘મહાવીર પંચકલ્યાણકના પાંચ વધાવા’ (મુ.) તથા ‘પાર્શ્વનાથના પાંચ વધાવા’ (ર.ઈ.૧૮૨૩) ચરિત્રગાનની કૃતિઓ છે. તીર્થો અને તીર્થકરો વિશેનાં સ્તવનોમાંથી ૮૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’, માતાના પુત્ર પ્રત્યેના લાડને વર્ણવતું ૧૭ કડીનું ‘મહાવીરસ્વામીનું હાલરડું’ (મુ.) તેમ જ પરમાત્માના અબોલાની વેદના વર્ણવી આત્મા-પરમાત્માનું ઐક્ય સૂચવતું ‘અબોલાનું સ્તવન’ (મુ.) નોંધપાત્ર છે. ધનના મહિમાની વ્યાપકતા નિર્દેશતી ‘રૂપિયાની શોભા/રૂપિયાની ગહૂંલી’ વિનોદકટાક્ષની કૃતિ તરીકે ધ્યાન ખેંચે છે. લઘુકૃતિઓમાં વીરવિજ્યગણિને મોકલવામાં આવેલ ૪ કડીનો ‘આત્મચિત્તવૃત્તિ-પત્રિકા’ એ વિશિષ્ટ રચનાનો અને વિજ્યલક્ષ્મીસૂરિ વિશેની સ્તુતિઓનો સમાવેશ થાય છે. દીપવિજ્યના નામથી ઉદયરત્નના ‘સ્થૂલિભદ્રનવરસ’ (અંશત: મુ.)માં દુહા ઉમેરાયેલા મળે છે. તેમ જ ‘દીપરાજ’ને નામે ૧૫ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન/શત્રુંજ્યની ગરબી’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭ માગશર-૧૩; મુ.) મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનો સંભવ છે. કવિની ગદ્યકૃતિઓમાં ૩૦૦ ગ્રંથાગ્રની ‘મહાનિશીથસૂત્રના બોલ’ (ર. ઈ.૧૮૩૪; મુ.) તથા ઢુંઢિયાના ૯ બોલ તેમ જ તેરાપંથ વિશેની ચર્ચાને સમાવતી ‘ચર્ચાબોલવિચાર’ (ર.ઈ.૧૮૨૦) એ કૃતિઓનો સમાવેશ થાય છે. ‘આધ્યાત્મિક ચર્ચા’ નામે એક કૃતિ નોંધાયેલી જોવા મળે છે તે ‘ચર્ચાબોલવિચાર’ હોવા સંભવ છે. આ ઉપરાંત આ કવિનો ‘પર્વતિથિ અંગે પત્ર’ (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, આસો સુદ ૧) પણ નોંધાયેલો મળે છે. હિન્દી ભાષામાં આગળ નિર્દિષ્ટ ગઝલો ઉપરાંત ૬૫ કડીની ‘કેસરિયાજીની લાવણી/ઋષભદેવની લાવણી’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, ફાગણ સુદ ૧૩, મંગળવાર; મુ.), ૩૩ કડીનું ‘કેસરિયાજીતીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, ફાગણ-૧૩, મંગળવાર; મુ.) તથા ૨ કવિત (મુ.) આ કવિએ રચેલ મળે છે. કવિની હિન્દી કૃતિઓ ચારણી છંદો અને ફારસીપ્રચુર ભાષાછટાની કવિની કુશળતા બતાવે છે. હિંદીમાં ‘પ્રશ્નોત્તરસમુચ્ચય’ એ ગદ્યકૃતિ (ર.ઈ.૧૮૩૦) કવિએ રચેલ છે. કવિને નામે નોંધાયેલ ‘મૂર્તિપૂજા પ્રશ્નોત્તર’ કદાચ આ જ કૃતિ હોય. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. કુમારપાલ પ્રતિબોધ (જર્મન), સં. લુડવિગ આલ્સડૉર્ફ, ઈ.૧૯૨૮-સ્થૂલિભદ્રના દુહા; ૩. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૧; ૪. ચૈસ્તસંગ્રહ : ૨; ૫. જિભપ્રકાશ; ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાપ્રકાશ : ૧; ૮. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૯. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૧૦. જૈપ્રપુસ્તક : ૧; ૧૧. જૈરસંગ્રહ; ૧૨. જૈસમાલા (શા.) : ૨; ૧૩. પસમુચ્ચય : ૨ (+સં.); ૧૪. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલક વિજ્યજી, સં. ૧૯૯૩; ૧૫. પ્રાતીસંગ્રહ : ૧; ૧૬. માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, મુ. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૧૭. વિવિધ પૂજા સંગ્રહ : ૧ થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૧૮. વિસ્નાપૂજા સંગ્રહ;  ૧૯. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૫-‘દીપવિજ્યકૃત સુરતની ગઝલ’ તથા ૨ કવિત, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.); ૨૦. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૪૦-‘કવિશ્રી દીપવિજ્ય વિરચિત શ્રીકેસરિયાજી તીર્થસ્તવન’, સં. પ્રેમવિજ્યજી; ૨૧. એજન, સપ્ટે. ૧૯૪૮-‘કવિવર દીપવિજ્યજી વિરચિત શ્રી કેસરિયા તીર્થની એક અપ્રસિદ્ધ લાવણી’, અભયસાગરજી; ૨૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪- ‘કવિ દીપવિજ્યજી લિખિત મહાનિશીથ સૂત્ર-પરિચય’, સં. જિનવિજ્યજી (+સં.); ૨૩. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬-‘દીપવિજ્યજીનાં બે કાવ્યો’ સં. બેચરદાસ જી. દોશી; ૨૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૩૨-‘વડોદરાની ગઝલ’. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ફાહનામાવલિ : ૨; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]