ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેપાલ-દેપો


દેપાલ/દેપો [ઈ.૧૫મી સદી] : જૈન શ્રાવક. એમના ‘આર્દ્રકુમાર-વિવાહલો’ની હસ્તપ્રત લે. ઈ.૧૪૩૭ની નોંધાયેલી છે તેમ જ ઈ.૧૪૭૮નું રચનાવર્ષ બતાવતી કૃતિ મળે છે તેથી કવિનો સમય ઈ.૧૫મી સદીના મોટા ભાગમાં વિસ્તરેલો ગણાય. દિલ્હીના દરબારમાં માનવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર દેસલહરા સમરા અને સારંગ એ શ્રેષ્ઠીઓના આશ્રિત અને દિલ્હીથી ગુજરાતમાં યાત્રાર્થે આવી કોચરવ્યવહારીનાં જીવદયાનાં કાર્યોને બિરદાવનાર, જ્ઞાતિએ ભોજક અને અવટંકે ઠાકુર જણાતા દેપાલ નામના કવિની માહિતી મળે છે, પરંતુ આમાંના કેટલાંક ઉલ્લેખો એ કવિ ઈ.૧૪મી સદીમાં થયા હોવાનું બતાવે છે, જ્યારે પ્રાપ્ત કૃતિઓ દેપાલ ઈ.૧૫મી સદીમાં થયા હોવાનું બતાવે છે. આથી આ કૃતિઓના કર્તા દેપાલ સમરા અને સારંગના નહીં પણ તેમના વંશજોના આશ્રિત હોવા જોઈએ એવો તર્ક પણ થયો છે. દેપાલ એકથી વધુ હોય એવો સંભવ પણ નકારી ન શકાય. જો કે પ્રાપ્ત કૃતિઓ કોઈ એક જ કવિની હોવાની શક્યતા વધારે દેખાય છે. એ નોંધપાત્ર છે કે કવિની ભાષામાં દિલ્હીની ભાષાની અસર દેખાતી નથી પરંતુ તેમની કૃતિઓમાં મરાઠી ભાષાની પંક્તિઓ જોવા મળે છે. આ યાચક કવિએ કેટલાક પરાક્રમી પુરુષોની પ્રશસ્તિનાં કાવ્યો રચ્યાં છે. ‘સમરા-સારંગનો કડખો/રાસ’ (મુ.)માં એ ભાઈઓએ ઈ.૧૩૧૫માં કરેલી શત્રુંજય તથા ગિરનારની યાત્રાઓ અને તેમના ધર્મકાર્યનું વર્ણન છે. એક સ્થાને “શંકરદાસ કહે” એવી નામછાપને અંતર્ગત કરતા આ કાવ્યમાં કવિના જણાવ્યા મુજબ માંગરોળના ચારણો પાસેથી સાંભળેલા કવિતોનો પણ ઉપયોગ થયેલો જણાય છે. વસ્તુ, ઠવણિ, લઢ, લઢણાં એવા વિભાગો ધરાવતા આશરે ૩૭ કડીના ‘ભીમશાહ-રાસ’ (મુ.)માં ઈ.૧૪૨૦માં થયેલા અને દુકાળ વખતે તીર્થો તથા સ્ત્રીઓની ધન આપી રક્ષા કરનાર પાટણના ભીમશાહનું યશોગાન છે. ૧૮ કડીની ‘વિકમસી ભાવસાર-ચોપાઈ’ (મુ.)માં ભોજાઈના મહેણાથી શત્રુંજ્યને પોતાના જાનને જોખમે વાઘના ભયમાંથી મુક્ત કરનાર વિકમસીના વીરત્વને બિરદાવવામાં આવ્યું છે. આ બધાં કાવ્યોમાં છંદ ને બાનીમાં ચારણી છટા જોઈ શકાય છે. કવિએ કોચર-વ્યવહારીનાં જીવદયાનાં કાર્યોનો ગુણાનુવાદ કરતાં તથા ખંભાતના સાજણસી વિશેનાં કાવ્ય રચ્યાં હોવાના ઉલ્લેખો મળે છે. કવિની રાસાત્મક કૃતિઓમાં શ્રેણિક અને અભયકુમારના બુદ્ધિચાતુર્યની કથા પ્રાસાદિક રીતે કહેતી ને કવચિત વર્ણન, સુભાષિત વગેરેમાં કવિની શક્તિ પ્રગટ કરતી, મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈની ૩૬૮ કડીની ‘શ્રેણિકઅભયકુમાર - ચરિત  અભયકુમાર શ્રેણિક-રાસ/પ્રબંધ/ચોપાઈ’ (મુ.), એ જ શૈલીએ રચાયેલી ૧૮૧ કડીની ‘જંબૂસ્વામી પંચભવ-ચરિત્ર/ચોપાઈ/પ્રબંધ’ (ર. ઈ.૧૪૬૬/સં. ૧૫૨૨, આસો સુદ ૧૫; મુ.), આશરે ૩૫૦ કડીની ‘શ્રાવકાચાર/સમ્યકત્વબારવ્રત કુલક-ચોપાઈ’ (ર. ઈ.૧૪૭૮/સં. ૧૫૩૪, આસો સુદ ૧૫), આશરે ૧૮૦ કડીની ‘જાવડભાવડ-રાસ/સલોકો’, ૨૭૭ કડીની ‘રોહિણેય-પ્રબંધ’, મનોભાવનિરૂપણ અને કહેવત-રૂઢિપ્રયોગમૂલક ભાષાપ્રયોગોથી ધ્યાન ખેંચતી ૧૦૨ કડીની ‘ચંદન બાલાચરિત્ર-ચોપાઈ/રાસ’ (મુ.) અને ‘વ્રજસ્વામી-ચોપાઈ’ (ર. ઈ.૧૪૬૬)નો સમાવેશ થાય છે. સંભવત: ૭ અધિકારની ‘પુણ્યપાપ ફલ તથા સ્ત્રીવર્ણન-ચોપાઈ’ પણ રાસાત્મક કૃતિ હોવાની શક્યતા છે. ૪૧ કડીની ‘પાર્શ્વનાથજીરાઉલા-રાસ’ અને ૧૮ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (મુ.) એ તીર્થવર્ણનની કૃતિઓ, ૩૬ કડીની ‘સ્થૂલિભદ્ર-કક્કાવળી’, દીક્ષિત થયા પછી જેમને પુનર્જન્મ પામેલ પૂર્વ ભવની પત્ની સાથે લગ્ન કરવાં પડ્યાં તે આર્દ્રકુમાર-ધવલ/વિવાહલો’ (મુ.), ‘આર્દ્રકુમાર સૂડ’, ૧૯ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય/ગીત/રાસ’ (મુ.), ૧૫ કડીની ‘કયવન્ના-વિવાહલો’ (મુ.), ૧૦ કડીની ‘સ્થૂલિભદ્ર-છાહલી’ વગેરે ધવલ, ભાસ, ગીત જેવા પ્રકારોની તીર્થ-તીર્થંકરાદિવિષયક તેમ જ બોધાત્મક કૃતિઓ (કોઈક મુ.) તથા હરિયાળીઓ રચેલી છે. કવિની કૃતિઓની ગેયતા તેમની સંગીતજ્ઞતાનું સૂચન કરે છે. કૃતિ : ૧. ડિકેટેલોગભાઈ : ૧૯(૨)-૧ ગીત; ૨. નસ્વાધ્યાય : ૩; ૩. પ્રાગૂકાસંચય; ૪. વિસ્નાપૂજાસંગ્રહ; ૫. સજ્ઝાય સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૬. જૈનયુગ, પોષ ૧૯૮૩-‘શત્રુંજયની એક ઐતિહાસિક બીના-વિકમસી ભાવસાર ચુપદિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૭. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬, ‘સમરાસારંગનો કડખો’, સં. મોહનલાલ દ. દેશાઈ(+ સં.) ૮. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૫-‘દેપાલકૃત જંબૂસ્વામિપંચભવચરિત્ર’ સં. ઉમાકાન્ત પ્રે. શાહ, સોમાભાઈ ધૂ. પારેખ (+ સં.); ૯. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૭૩- ‘કવિ દેપાલકૃત શ્રેણિક અભયકુમાર ચરિત’, સં. લાલચંદ્ર ભ. ગાંધી; ૧૦. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪- ‘કવિ દેપાલકૃત ભીમશાહ રાસ’, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા (+ સં.); ૧૧. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭-‘કવિ દેપાલકૃત ચંદનબાળા ચઉપઈ’, સં. વિધાત્રી વોરા (+ સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. નયુકવિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨-‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી.  ૫. જૈગૂકવિઓ ૧, ૩(૧,૨); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭ મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]