ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવાયત


દેવાયત [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત. શંભુજીના શિષ્ય. બહુધા ‘દેવાયત પંડિત’ તરીકે એમનો ઉલ્લેખ થયો છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ તરીકે, કોઈ કચ્છના મામઈ માતંગના વંશજ તરીકે, કોઈ માલધારી જાતિના સંત તરીકે તો કોઈ બીલેસર (બરડા પાસે)ના હરિજન બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે આવેલા સં. ૧૮૬૫ (ઈ.૧૮૦૯)ના પાળિયાને દેવાયત-પંડિતના પાળિયા તરીકે ઓળખાવાય છે, જો કે એ માટે કશું પ્રમાણ નથી. દેવાયત-પંડિતના નામે માર્ગીપંથની નકલંકી (કલ્કી) અવતારની માન્યતા પ્રમાણે કળિયુગનું વર્ણન કરતું તથા ઉત્તર દિશાથી સાયબો ‘કાયમ’ આવી કાળિંગાને મારી સતજુગની સ્થાપના કરશે અને નકલંકી અવતાર ધરશે એવી ભવિષ્યવાણી દર્શાવતું ગુજરાતી ભજન-સાહિત્યમાં ‘આગમ’ ને નામે જાણીતું ભજન તથા મહાપંથની વિચારધારા દર્શાવતાં અન્ય ભજનો મુદ્રિત મળે છે. દેલમી ઉપદેશક પરંપરા સાથે સંબંધ ધરાવતાં પણ માર્ગીપંથનાં જ સાધન-સિદ્ધાંતો દર્શાવતાં ‘દેવાયત’, ‘દુરબળિયો દેવાયત’ ને ‘દેવાયત પરમાર’ એવી નામછાપ ધરાવતાં કેટલાંક ભજનો (મુ.) મળે છે તેના કર્તા જુદા હોવાનું પ્રતીત થતું નથી. એ ભજનોમાં ૨૩ કડીનું દસમો નકલંકી અવતાર મેદી ક્યાં જન્મશે, તેના સાગરીતો કોણ, કેવા વેશમાં આવશે તે બતાવતું એ મસ્જિદ તોડી ધર્મશાળા બંધાવશે એમ જણાવતું ‘મેદી-પુરાણ’ અને ૧૦૦ જેટલી પંક્તિઓમાં કળિયુગનું વર્ણન કરતું તથા આગમવાણી ભાખતું ભજન ‘દેલમી આરાધ’ નોંધપાત્ર છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭-ભજનો; ૨. ખોજા વૃતાન્ત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.)-ભજનો; ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંત સમાજ ભજનાવાળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). સંદર્ભ : ઊર્મિ-નવરચના, માર્ચ ૧૯૮૬ - ‘મહાપંથના સંતો અને તેમની વાણી’, નિરંજન રાજ્યગુરુ. [નિ.રા.]