ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/‘દ્રૌપદી-ચોપાઈ’
‘દ્રૌપદી-ચોપાઈ’ [ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦ મહા-] : સંકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડીની આ રાસકૃતિમાં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે જૈન પરંપરા મુજબની દ્રૌપદીકથા કહેવામાં આવી છે. કૃતિના પહેલા ૨ ખંડમાં દ્રૌપદીના ૨ પૂર્વભવોની કથા રજૂ થઈ છે. એમાંની બીજી કથામાં સાધ્વી સુકુમાલિકા, જેની ૫ પુરુષો સેવા કરતા હતા તે વેશ્યાની ઇર્ષ્યા કરે છે અને શિથિલાચારમાં સરી પડે છે. પરિણામે પછીના ભવમાં એને દ્રૌપદી તરીકે ૫ પાંડવોને પરણવાનું થાય છે. દ્રૌપદીની કથા અહીં મહાભારતથી સ્વતંત્ર રીતે ચાલતી જણાય છે. અહીં દ્રૌપદી સ્વયંવરમાં જ ૫ પાંડવોને વરે છે. આ પછી એક વખતે દ્રૌપદીએ નારદનું યોગ્ય સન્માન કર્યું તેથી નારદ પદ્મનાભ રાજાને દ્રૌપદી માટે મોહ જન્માવે છે અને એ રાજા દેવતાઓની મદદથી સૂતેલી દ્રૌપદીને પોતાના અંત:પુરમાં લાવે છે. પાંડવો કૃષ્ણની મદદથી દ્રૌપદીની ભાળ મેળવે છે અને તેને પાછી મેળવવા યુદ્ધે ચડે છે. દ્રૌપદીને પાછી લઈને આવતાં ગંગા પાર કરતી વખતે પાંડવોએ કૃષ્ણની કસોટી કરવા માટે હોડી પાછી ન મોકલી. આથી ગુસ્સે થયેલા કૃષ્ણે પાંડવોને દેશનિકાલ કર્યા. એ પછી દક્ષિણ સમુદ્રને કિનારે રહેતા પાંડવોને પાંડુસેન નામનો પુત્ર જન્મ્યા પછી એમણે દીક્ષા લીધી. આ રીતે મહાભારતથી જુદી જ દ્રૌપદીકથા કહેતા આ રાસમાં કવિએ કવચિત્ રૂપવર્ણનાદિનો લાભ લીધેલો છે. [જ.કો.]