ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમૂર્તિ સૂરિ


ધર્મમૂર્તિ(સૂરિ) [જ. ઈ.૧૫૨૯/સં. ૧૫૮૫ પોષ સુદ ૮ અવ. ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૧૫] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનસૂરિના શિષ્ય. મૂળ નામ ધર્મદાસ. ખંભાતના વતની. પિતા હંસરાજ. માતા હાંસલદે. નાગડાગોત્ર. જ્ઞાતિ શ્રીમાળી કે ઓશવાલ. દીક્ષા ઈ.૧૫૪૩માં, સૂરિપદ તથા ગચ્છનાયકપદ ઈ.૧૫૪૬માં. ઈ.૧૫૭૩માં યુગપ્રધાનની પદવી. ઉગ્ર ત્યાગી એ કિયોદ્ધાર કરનાર આ આચાર્યે સમેતશિખરની ત્રણ વાર યાત્રા સાથે વ્યાપક વિહારો કર્યા હતા અને અનેક મૂર્તિપ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન અણહિલપુર-પાટણ કે પ્રભાસપાટણ. અવસાનવર્ષ ઈ.૧૬૧૩ અને ઈ.૧૬૧૫ પણ નોંધાયેલ છે. એમણે રચેલ ૧૫ કડીનું ‘ગોડીજી પાર્શ્વનાથગીત’ (મુ.) તથા ૪૫ કડીનું ‘નિર્વાણ-ઝુંબક’ મળે છે. તે ઉપરાંત ‘વિધિ-રાસ’ એમની કૃતિ હોવાનો તર્ક થયો છે, જે ચર્ચાસ્પદ છે. સંસ્કૃતમાં એમણે ‘ષડાવશ્યક-વૃત્તિ’, ‘ગુણસ્થાન-ક્રમારોહબૃહદવૃત્તિ’, ‘અંચલગચ્છ-પટાવલી’ (ર.ઈ.૧૫૬૧) વગેરે ગ્રંથો રચેલા હોવાની માહિતી મળે છે. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ. સં. કલાપ્રભસાગરજી, સં.૨૦૩૯ (+સં.). સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુ-પટ્ટાવલીઓ’;  ૩. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]