ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ-૨-ધર્મસી


ધર્મસિંહ-૨/ધર્મસી [ઈ.૧૬૩૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ નાકરના શિષ્ય દેવજીના શિષ્ય. ૨૫ ઢાળના ‘શિવજી આચાર્ય-રાસ/મોહનવેલિ-રાસ’ (ર.ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. એમને નામે ૪૫ કડીની ‘શ્રીરત્નગુરુની જોડ’(મુ.) મળે છે તેમાં ગુરુ રતનસીએ દીક્ષા લેતાં પૂર્વે પોતાની વિવાહિત પત્ની સાથે કરેલો સંવાદ સુંદર રીતે આલેખાયો છે. કાવ્યના અંતમાં શિવજી પોતાના ભાઈઓ સાથે ગુરુ રતનસી પાસે આવ્યા એવી હકીકત આવે છે અને દસમી ઢાળનો ઉલ્લેખ આવે છે. તે પરથી આ કાવ્ય ‘શિવજી આચાર્ય-રાસ’ની ૧ ઢાળ હોય એવો સંભવ જણાય છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ચ.શે.]