ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ ઉપાધ્યાય ૪ ધર્મવર્ધન-ધર્મસી


ધર્મસિંહ(ઉપાધ્યાય)-૪/ધર્મવર્ધન/ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની જિનભદ્રસૂરિની શાખાના જૈન સાધુ. ઉપાધ્યાય સાધુકીર્તિની પરંપરામાં વિજ્યહર્ષના શિષ્ય. જન્મનામ ધરમસી. ઈ.૧૬૬૩માં કવિ પોતાને ૧૯ વર્ષના ગણાવે છે તેથી જન્મ ઈ.૧૬૪૪ના અરસામાં. સંભવત: મારવાડના વતની. દીક્ષા ઈ.૧૬૫૭. દીક્ષાનામ ધર્મવર્ધન. વ્યાકરણ કાવ્ય, ન્યાય અને જૈનાગમના અભ્યાસી, ઈ.૧૬૮૪માં ઉપાધ્યાયપદ અને ત્યાર પછી મહોપાધ્યાયપદ. જિનસુખસૂરિ અને જિનભક્તિસૂરિ એ બંને ગચ્છનાયકોને એમણે વિદ્યાધ્યયન કરાવ્યું હતું અને જિનભક્તિસૂરિ પાટે આવ્યા ત્યારે તે ૧૦ વર્ષના હતા તેથી ધર્મવર્ધને ગચ્છવ્યવસ્થા સંભાળેલી. તેમનાં કેટલાંક કાવ્યો રાજસ્થાનના રાજવીઓ સાથેનો તેમનો સંબંધ બતાવે છે અને બીકાનેરના મહારાજા સુજાનસિંહે તેમની પ્રશંસા કરતો પત્ર લખેલો. કવિએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ વિહાર કર્યો હતો. ઈ.૧૭૩૬માં બીકાનેરમાં તેમની છત્રી ઊભી કરવામાં આવી હતી તેથી એ પૂર્વે ત્યાં એમનું અવસાન થયું હોવાનું માની શકાય. પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રબંધો, અમુક પ્રકારના વર્ણોથી કરેલી રચના, કૂટ સમસ્યા, ગર્ભિત નિરૂપણ અને સભારંજની છંદોની કુશળતા બતાવતા આ કવિની કૃતિઓની ભાષામાં ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીનાં લક્ષણો મિશ્ર થયેલાં છે તેમાંથી મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય તેવી કૃતિઓ આ મુજબ છે - ‘શ્રીમતી-ચોઢાળિયા’ (મુ.), ૬ ઢાળ અને ૯૬ કડીની ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧; મુ.) એ કથાત્મક કૃતિઓ; શીલમહિમા ગાતી ૬૪ કડીની ‘શીલ-રાસ’ (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રાવકકરણી’(મુ.) એ બોધાત્મક કૃતિઓ, ૨૯ કડીની ‘ચોવીસ જિનઅંતરકાલદેહાયુ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯; મુ.), ૩૪ કડીની ‘ચૌદગુણસ્થાનક-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ વદ ૧૧; મુ.), ૪. ઢાળ અને ૩૩ કડીની ‘ચોવીસ દંડકવિચારગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં.૧૭૨૯, આસો વદ ૩૦ (મુ.), ૩ ઢાળ અને ૨૬ કડીની ‘અઢીદ્વીપ-વીસ-વિહરમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૨૨ કડીનું ‘અલ્પબહુત્વવિચાર-ગર્ભિતમહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬; મુ.), ૨૮ કડીનું ‘પિસ્તાલીસ આગમસંખ્યાગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭; મુ.) અને ૨૮ કડીનું ‘ત્રિગડા-સ્તવન/સમવસરણ વિચરગર્ભિત-સ્તવન’(મુ.) વગેરે સ્તવનો અને સઝાયો. મુખ્યત્વે રાજસ્થાની ભાષાની ગણી શકાય એવી કૃતિઓમાં સ્વભાવ, અન્ન, કપૂત વગેરે વિષયો પરના વિચારો દર્શાવતી ૫૭ કડીની ‘પ્રાસ્તાવિકકુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૬૭૮; મુ.) તથા એ જ રીતની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, શ્રાવણ સુદ ૧૩; મુ.) એ વર્ણમાળા પર આધારિત માતૃકા-પ્રકારની કૃતિઓ, ‘દૃષ્ટાંત-છત્રીસી’(મુ.) તથા ૩૬ કડીની ‘સવાસો શીખ’(મુ.) એ અન્ય ઉપદેશાત્મક કૃતિઓ તેમ જ ૨૨ કડીની ‘(ભુલેવા)ઋષભદેવ-છંદ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, વૈશાખ સુદ ૮; મુ.) વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યત્વે હિન્દી ગણી શકાય એવી કૃતિઓમાં ૫૭ કડીની ‘ધર્મભાવના-બાવની’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, કારતક વદ ૯, સોમવાર; મુ.) એ માતૃકા-પ્રકારની કૃતિ, ૨૧ કડીની ‘ડંભક્રિયા-ચોપાઈ/વૈદક વિદ્યા’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, આસો સુદ ૧૦; મુ.), વિવિધ રાગનો નિર્દેશ ધરાવતી અને ભાવપ્રવણ ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૫;મુ.), ગુણપ્રશસ્તિમૂલક અને રચનાચાતુર્ય દર્શાવતી ૨૫ કડીની ‘ચોવીસ જિન-સવૈયા’(મુ.), ૧૬ કડીની ‘નેમિ રાજુલ-બારમાસ’(મુ.), ઉપદેશનાં પદો તથા ધમાલ વગેરે પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. રાજસ્થાની તેમ જ હિન્દીમાં ‘નિશાણી’ નામક ઉપદેશાત્મક કૃતિઓ(મુ.) તેમ જ શિવાજી, વીર દુર્ગાદાસ, કેટલાક સમકાલીન રાજવીઓ તથા પોતાના ગુરુઓ વિશેનાં કવિતો અને ગીતો(મુ.) કવિએ રચ્યાં છે. તે ઉપરાંત ગુજરાતી, રાજસ્થાની તેમ જ હિન્દીમાં દીપક, મેઘ, દુકાળ, પ્રભાત, માંકણ અને અનેક ઉપદેશાત્મક વિષયો વિશેની લઘુકૃતિઓ (મુ.), સમસ્યાઓ (મુ.) વગેરે કવિ પાસેથી મળે છે. ૨૯ કડીની ‘અષ્ટભય-નિવારક-ગોડીપાર્શ્વનાથ-છંદ’(મુ.) અને ૯ કડીની ‘ગોલછોંકી સતી દાદીકા કવિત્ત’ (મુ.) એ ચારણી ડિંગળશૈલીની રચનાઓ છે. ૪ કડીની ‘પરિહાં-બત્રીસી/અક્ષર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૯;મુ.) એ કક્કાપ્રકારની રચના તથા ૧૪ કડીની ‘નેમરાજુલ-બારમાસ’(મુ.)ની ભાષા મિશ્ર પ્રકારની છે. આ સિવાય કેટલીક અમુદ્રિત કૃતિઓ નોંધાયેલી છે તેની ભાષા વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે : ૩૨ ઢાળ અને ૭૩૧ કડીની ‘શ્રેણિક ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૩), ૫૫૫ ગ્રંથાગ્રની ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮), ૪ ખંડ, ૩૯ ઢાળ અને ૬૩૨ કડીની ‘અમરકુમાર સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, શ્રાવણ સુદ ૧૫), ૧૪૮ કડીની ‘શનિશ્વરવિક્રમ-ચોપાઈ’ અને ૨૪ તીર્થંકરો વિશેનાં ૨૪ ગીતો. એ નોંધપાત્ર છે કે કવિએ સિંધી ભાષામાં પણ કેટલાંક સ્તવનો રચ્યાં છે તેમ જ સંસ્કૃતના તો એ પ્રૌઢ વિદ્વાન છે. સંસ્કૃતમાં તેમણે સ્વોપજ્ઞવૃત્તિ સહિત ૪૫ કડીનું ‘ભક્તામર-સ્તોત્રસમશ્યારૂપ વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦) તથા પોતાના ગુરુઓ વિશેનાં સ્તોત્રો-સ્તવનોની રચના કરેલ છે જેમાંનાં કેટલાંક સમસ્યાગર્ભિત પણ છે. કૃતિ : ૧. ધર્મવર્ધન ગ્રન્થાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૭ (+સં.);  ૨. અરત્નસાર; ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૫. જિભપ્રકાશ;  ૬. રાજસ્થાન ભારતી, ડિસે. ૧૯૬૭-‘કવિવર ધર્મવર્ધનકૃત ગોલછોંકી સતી દાદીકા કવિત્ત’ સં. ભંવરલાલ નાહટા. સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, (અં.), હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૨. *રાજસ્થાન, ભાદ્રપદ ૧૯૯૩-‘રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવર્ધન,’ અંગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭ હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]