ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/‘ધન્નાશાલિભદ્ર-રાસ’


‘ધન્નાશાલિભદ્ર-રાસ’ [ર.ઈ.૧૭૩૪/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર] : હિતવિજ્યશિષ્ય જિનવિજ્યકૃત ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળની આ કૃતિ(મુ.) જિનકીર્તિસૂરિની સંસ્કૃત કૃતિ ‘દાનકલ્પદ્રુમ/ધન્ના-ચરિત્ર’ને આધારે રચાયેલી છે. એમાં બુદ્ધિબળે રાજા શ્રેણીકના મંત્રી બનતા ને શાલિભદ્રની બહેન સુભદ્રા સાથે લગ્ન કરતા વણિક પુત્ર ધન્નાનું ચરિત્ર વીગતે આલેખાયું છે. જીવન પરથી મન ઊઠી જવા છતાં માતા અને પત્નીઓના આગ્રહને કારણે ક્રમશ: સંસાર છોડવાના શાલિભદ્રના નિર્ણયનો ઉપહાસ કરતો ધન્ના પત્નીના સામા ટોણાથી તરત જ સંસારત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે ને એ સાંભળતાં શાલિભદ્ર પણ સંસાર ત્યજી દે છે એવા મૂળ કથાકેન્દ્રને કવિએ અહીં વિસ્તાર્યું છે. આ રાસમાં ધન્નાની ઉદારતા, એની બુદ્ધિશક્તિ ને એના અનેકવિધ ઉત્કર્ષો વધુ વિસ્તારથી ને ઘણી જગાએ એક જ પ્રકારની વીગતોના પુનરાવર્તનથી વર્ણવાયા છે. કૃતિમાં ઘણી આડકથાઓ પણ છે જે કથાને રંજક બનાવે છે. કથાની વચ્ચેવચ્ચે આવતાં બહુપ્રચલિત બોધક-પ્રેરક સંસ્કૃત સુભાષિતો, મારવાડી છાંટવાળી ભાષા, ક્યાંક પ્રાસાનુરાગી બનતી શૈલી ને વિવિધ દેશીઓનો વિનિયોગ કૃતિની વિશેષતાઓ છે.[ર.સો.]