ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ફાગ’


‘નેમિનાથ-ફાગ’ : દુહાની ૨૩ કડીની, ‘ફાગ’ તરીકે ઓળખાવાયેલી અજ્ઞાત કવિની આ કૃતિ (લે.ઈ.૧૬મી સદી અંત/૧૭મી સદી આરંભ અનુ; મુ.) વસ્તુત: રાજિમતીની ૧૨ માસની વિરહવ્યથાનું વર્ણન કરે છે. અસાડથી આરંભાઈ જેઠ માસના નિર્દેશ સાથે પૂરી થતી આ કૃતિમાં અંતે તપ-જપ-સંયમ આદરીને રાજિમતી નેમિનાથની પણ પહેલાં શિવપુરીને પામે છે એમ ઉલ્લેખાય છે, પરંતુ તે પૂર્વે તે રાજિમતીના ઉદ્ગારો દ્વારા એની વિરહવ્યથાનું પ્રકૃતિચિત્રણની ભૂમિકા સાથે માર્મિક નિરૂપણ થયેલું છે. કવચિત્ પ્રકૃતિના વિરોધમાં માનવસ્થિતિ મુકાય છે-ભાદરવામાં સરોવર લહેરે ચડે છે, ત્યારે મારું કાયાસરોવર સ્વામી વિના દુ:ખમાં સિઝાય છે; ક્વચિત્ પ્રાકૃતિક તત્ત્વોને સંબોધનથી માનવભાવનું સૂચન થાય છે-મોર, મધુર અવાજ ન કર. પણ વધુ ધ્યાન ખેંચે છે તે તો કૃતિમાં ગૂંથાયેલા નેમિનાથ પ્રત્યેના રાજિમતીના અનેક ઉપાલંભો, મર્મ પ્રહારો-મૂર્ખ માણસ દ્રાક્ષને છોડીને કાંટાઓને અપવનાવે, મધુકર માલતીને છોડીને પારધિના ફૂલ પાછળ ભમવા લાગ્યો, આંબો માનીને સેવ્યો તેણે ધતૂરાનાં ફળ આપ્યાં, વિષધરને કંડિયે પૂર્યો પણ નજર ચૂકવી ડંખી ગયો વગેરે. ‘તારો સ્વામી મળશે’ એમ કહેતા કૃષ્ણને પણ રાજિમતી સંભળાવી દે છે કે તું મન છેતરીશ નહીં, યાદવો કૂડા છે એ હું પહેલેથી જાણું છું. કૃતિ : પ્રાકાસંગ્રહ (+સં.). [જ.કો.]