ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મનાભ પંડિત


પદ્મનાભ (પંડિત) [ઈ.૧૪૫૬માં હયાત] : જાલોરના ચૌહાણ રાજા અખેરાજના આશ્રિત, જ્ઞાતિએ વિસલનગરા (વિસનગરા?) નાગર. કવિ પોતાને યથાર્થ રીતે પંડિત અને સુકવિ તરીકે ઓળખાવે છે. એમની એકમાત્ર કૃતિ ‘કાન્હડદે-પ્રબંધ’માંથી પોતાની ભૂમિ તેમ જ ધર્મ માટેનો એમનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થાય છે. અખેરાજની પ્રેરણાથી રચાયેલો અને એમની પાંચમી પેઢીના પૂર્વજ કાન્હડદેના અલાઉદ્દીન ખલજી સાથેના સંઘર્ષને વર્ણવતો, ૪ ખંડ અને મુખ્યત્વે દુહા, ચોપાઈ અને પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતો ‘કાન્હડદે-પ્રબંધ’  (ર.ઈ.૧૪૫૬/સં.૧૫૧૨, માગશર સુદ ૧૫, સોમવાર; મુ.) એમાંની ઐતિહાસિક માહિતીને કારણે દસ્તાવેજી મૂલ્ય ધરાવતું મધ્યકાળનું અત્યંત નોંધપાત્ર પ્રબંધકાવ્ય છે. એમાં અલાઉદ્દીનની પુત્રી પિરોજાના કાન્હડદેના પુત્ર વીરમદે સાથેના એકપક્ષી પ્રેમની કરુણ-મધુર પ્રેમકથા પણ ગૂંથાયેલી છે. કાવ્ય એમાંના સમાજચિત્રણ, વ્યક્તિચિત્રણ, વસ્તુનિષ્ઠ વર્ણનકલા અને શિષ્ટ-પ્રૌઢ અભિવ્યક્તિથી એક વીરકાવ્યને અનુરૂપ પ્રભાવક્તા ધારણ કરે છે. કૃતિ : ૧. કાન્હડદે પ્રબંધ (અં), સં. કાન્તિલાલ બી. વ્યાસ, ઈ.૧૯૫૩ (+સં.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ (ખંડ-૧-૨)ઈ.૧૯૫૯, ઈ.૧૯૭૫, (ખંડ ૩-૪) ઈ.૧૯૭૭(+સં.); ૩. એજન, સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી. ઈ.૧૯૧૩, ઈ.૧૯૨૬ (બીજી આ. નરસિંહરાવ ભોળાનાથના પુરોવચન સાથે) (+સં.); ૪. કાન્હડદે પ્રબંધ (અનુવાદ), સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી, ઈ.૧૯૨૪ (+સં.);  ૫. ગૂજરાત શાળાપત્ર, જાન્યુ. ૧૮૭૭થી મે ૧૮૭૮ સુધીમાં-‘કાન્હડદે પ્રબંધ’, સં. નવલરામ લ. પંડ્યા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૭. મસાપ્રવાહ;  ૮. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કાન્હડદે પ્રબંધ’નું પાઠશોધન’, કાન્તિલાલ બ. વ્યાસ; ૯. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૭૧-‘કાન્હડદે પ્રબંધ-બે પ્રશ્નો’, નરોત્તમ પલાણ; ૧૦. વસંત, શ્રાવણ અને ભાદ્રપદ, સં. ૧૯૭૨-‘કાન્હડદે પ્રબંધ’, નરસિંહરાવ ભોળાનાથ; ૧૧. સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૦-‘કાન્હડદે પ્રબંધ-એક વિશેષ અધ્યયન’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૧૨. મુપુગૂહસૂચી.[કા.વ્યા.]