ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય-૩


પદ્મવિજય-૩ [જ.ઈ.૧૭૩૬/સં. ૧૭૯૨, ભાદરવા સુદ ૨. અવ. ઈ.૧૮૦૬/સં. ૧૮૬૨, ચૈત્ર સુદ ૪, બુધવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. અમદાવાદના શ્રીમાળી વણિક. પિતા ગણેશ. માતા ઝમકુ. પૂર્વાશ્રમમાં નામ પાનાચંદ. ઈ.૧૭૪૯માં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી ત્યારથી પદ્મવિજય. એ પછી પંચકાવ્ય, વ્યાકરણ, છંદ અલંકાર ને ન્યાયશાસ્ત્ર તથા મહાભાષ્યનું અધ્યયન કર્યું. એમની વિદ્વત્તાને પ્રમાણી તપગચ્છના વિજયધર્મસૂરિએ ઈ.૧૭૫૪માં પંડિતપદ આપ્યું. પદ્મવિજયે ઘણાં તીર્થસ્થાનોની, સંઘસહિત ને સ્વતંત્રપણે, અનેક વખત યાત્રાઓ કરેલી. તે દરમ્યાન ઘણી જિનપ્રતિમાઓની અને સિદ્ધચક્રોની પ્રતિષ્ઠા કરેલી ને મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવેલો. પાટણમાં એમનું અવસાન થયેલું. વિવિધ સ્વરૂપોમાં થયેલા કવિના વિપુલ લેખનનો ઘણો મોટો ભાગ મુદ્રિત છે. એ પૈકી ૪ ખંડ, ૧૬૯ ઢાળ ને ૫૪૨૪ કડીઓમાં વિસ્તરેલા ‘નેમનાથ-રાસ’ (ર.ઈ ૧૭૬૪/સં. ૧૮૨૦, આસો વદ ૩૦, -; મુ.)માં નેમનાથના નવ ભવની કથાને કવિએ યદુવંશોત્પત્તિવર્ણન તથા બળદેવ, કૃષ્ણ અને નેમનાથના ચરિત્રાલેખન સાથે કુશળતાથી ગૂંથી છે. ૧૩ ઢાળનો ‘ઉત્તમવિજય નિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૭૨/સં. ૧૮૨૮, પોષ-૭, રવિવાર; મુ.) વિવિધ દેશીઓ અને દુહામાં કાવ્યનાયકનું ચરિત્ર આલેખે છે. ‘સમરાદિત્યકેવળી-રાસ’ (ર.ઈ.૧૭૮૫; મુ.)માં સમરાદિત્યના ૧૭ ભવની કથા ૯ ખંડ ને ૯૦૦૦ જેટલી કડીઓમાં આલેખાઈ છે. ‘સુમતિનાથચરિત્ર’ તથા મુનિસુંદરકૃત ‘જયાનંદ કેવલી-ચરિત્ર’ ને આધારે ૧૯ ઢાળ ને ૪૫૯ કડીનો ‘મદન-ધનદેવ-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫, રવિવાર) તથા ‘જયાનંદ કેવળી-ચરિત્ર’ને આધારે ૯ ખંડ, ૨૦૦ ઢાળ ને આશરે ૬૦ હજાર જેટલી કડીઓનો ‘જયાનંદકેવળી-રાસ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, પોષ સુદ ૧૧) કવિએ રચ્યાં છે. આ ઉપરાંત ૫ ઢાળનું ‘એકસોસિત્તેર જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૨,), ૧૬ ઢાળ, ૭૬ કડીની અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૫૭), ‘પંચકલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧), ૧૮ ઢાળની ‘નવપદ-પૂજા’ (ર.ઈ.૧૭૮૨/સં. ૧૮૩૮, મહા વદ ૨, ગુરુવાર), ૫ ઢાળની ‘સિદ્ધાચલ નવાણું જાતરા-પૂજા’ (ર. ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૫), વિવિધ દેશીઓના ૧૦ ઢાળ ને ૬૮ કડીઓમાં રચાયેલું ‘સમક્તિપચીસીનું સ્તવન’ (ર. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૨), ૫ ઢાળનું ‘સિદ્ધદંડિકા-સ્તવન’ (ર. ઈ.૧૭૫૮), ૫ ઢાળ ને ૪૪ કડીનું ‘પંચકલ્યાણકમહોત્સવ-સ્તવન’ (ર. ઈ.૧૭૮૧), ૯ ઢાળ ને ૭૨ કડીનું ‘ષટ્પર્વી મહિમાધિકાર ગર્ભિત મહાવીર સ્તવન’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ફાગણ સુદ ૧૩; મુ.) ૭ ઢાળનું ‘જિનનાં કલ્યાણ/કલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૦/૮૧/સં. ૧૮૩૬/૩૭, મહા વદ ૨; મુ.), ૬ ઢાળનું ‘વીરજિનસ્તુતિગર્ભિત ચોવીસ દંડકનું સ્તવન’ (મુ.), ૨ ‘સ્તવનચોવીસીઓ’ (મુ.), ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિની ચોવીસીઓની અંતર્ગત તીર્થંકરો ને તીર્થોની વંદના નિરૂપતું ‘ચોમાસી-દેવવંદન’ (એમાંના એક ‘આબૂજી સ્તવન’ની ર.ઈ.૧૭૬૨/સં. ૧૮૧૮, ચૈત્ર વદ ૩ છે) - આ સર્વ કવિની અન્ય લાંબી કૃતિઓ છે. આ ઉપરાંત અષ્ટમી, વીશસ્થાનક આદિ વિષયક ચૈત્યવંદનો, આયંબિલ તપ, કર્મગતિ, મધુબિંદુ, રહનેમીરાજિમતી, વણઝારા આદિ પરની સઝાયો; નેમનાથ નવભવ, પુંડરિકગિરિ, સિમંધર, સિદ્ધચક્ર, સિદ્ધાચળ આદિ પરનાં સ્તવનો અને જંબુકુમાર આદિ વિષયક ગહૂંલીઓ જેવી અનેક ટૂંકી કૃતિઓની રચના એમણે કરી છે, જેમાંની મોટા ભાગની મુદ્રિત છે. યશોવિજયકૃત ‘સીમંધર-સ્તવન’ પરના ૩૦૦૦ શ્લોકનો સ્તબક (ર.ઈ.૧૭૭૪; મુ.), ‘ગૌતમકુલક-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૯૦/સં. ૧૮૪૬, મહા સુદ ૫, બુધવાર; મુ.), યશોવિજયકૃત ‘(પ્રતિમાસ્થાપનહુલડીરૂપ)વીરજિન-સ્તવન/મહાવીર-સ્તવન’ પરનો ૩૩૬૪ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર. ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯ મહા સુદ ૫, બુધવાર; મુ.), ‘ગૌતમપૃચ્છા બાલાવબોધ’ અને ‘સંયમશ્રેણી-સ્તવન’ પરનો સ્તબક એ કવિની ગદ્યકૃતિઓ છે. ભાષાની સરળતા, સુગેય દેશીઓમાંથી પ્રગટતી ભાવોત્કટતા અને સંગીતમયતાથી આ વિદ્વાન કવિની ટૂંકી રચનાઓ જૈનોના આમવર્ગમાં લોકપ્રિય છે. જુઓ ‘નેમિ-બારમાસ’. કૃતિ : ૧. જયાનંદકેવળી રાસ, પ્ર. રવીચંદ છગનલાલ, ઈ.૧૮૮૯; ૨. સમરાદિત્ય કેવળીનો રાસ, પ્ર. દોલતચંદ હુકમચંદ, સં. ૧૯૨૨; ૩. એજન, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૩૮;  ૪. અસ્તમંજુષા; ૫. ગહુંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૬. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૭. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫; ૮ જિભપ્રકાશ; ૯. જિસ્તકાસંદોહ : ૧, ૧૦. જિસ્તસંગ્રહ; ૧૧. જૈઐરાસમાળા:૧ (+-સં.); ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ઈ.૧૯૧૯; ૧૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૧૫. જૈરસંગ્રહ; ૧૬, જૈસમાલા : ૧ (શા.); ૧૭. જૈસસંગ્રહ (ન); ૧૮ દેસ્તસંગ્રહ; ૧૯. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પા. શ્રોફ, ઈ.૧૯૩૬; ૨૦. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૨૧. પ્રવિસ્તસંગ્રહ; ૨૨. પ્રાસ્મરણ; ૨૩. પ્રાસપસંગ્રહ : ૧; ૨૪. પ્રાસ્તસંગ્રહ; ૨૫. લઘુ ચોવીસી વીસી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૨૬. વિસ્નાપૂજાસંગ્રહ; ૨૭. સઝાયમાલા : ૧, ૨(જા.); ૨૮. સસન્મિત્ર; ૨૯. સ્નાસ્તસંગ્રહ; ૩૦. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૩-‘પંચકલ્યાણક મહોત્સવ સ્તવન’, સં. જયંતવિજયજી; ૩૧. એજન, નવે. ૧૯૪૬-‘સાંજનું માંગલિક’, સં. માનતુંગવિજયજી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગુસારત્નો : ૨; ૪. દેસુરાસમાળા;  ૫. ડિકેટલૉગબીજે; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭ મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧[ર.સો.]