ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ રાજે


પદ(રાજે)  : મુસલમાન કવિ રાજેએ ઘણાં પદો રચ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં ગુજરાતી અને થોડાંક હિંદી મળી ૧૫૦ જેટલાં પદ અત્યારે મુદ્રિત સ્વરૂપે મળે છે. થાળ, આરતી, ગરબી એમ વિવિધ સ્વરૂપ અને રાગઢાળમાં મળતાં આ પદોનો મુખ્ય વિષય છે કૃષ્ણપ્રીતિ. કૃષ્ણજન્મની વધાઈ, બાળલીલા, દાણલીલા, ગોપી અને રાધાનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ અને તજજન્ય પરિસ્થિતિઓ પ્રેમલક્ષણા ભક્તિની અન્ય કવિતાની જેમ અહીં પણ કાવ્યનો વિષય બને છે, પરંતુ રચનાવૈવિધ્ય, કેટલીક વિશિષ્ટ કલ્પના અને ભાષાકર્મને લીધે આ પદો જુદાં તરી આવે છે. એક પદમાં એક પાત્ર બોલતું હોય અને બીજા પદમાં બીજું પાત્ર એનો પ્રત્યુત્તર આપતું હોય એ પ્રકારના કૃષ્ણ-રાધા, કૃષ્ણ-ગોપી, ગોપી અને તેની સાસુ, ગોપી અને તેની માતા, ગોપી અને ગોપી વચ્ચેના સંવાદવાળા ઘણા પદગુચ્છ કવિ પાસેથી મળે છે. આ પ્રકારનાં પદોમાં નાટ્યાત્મકતા અને ક્યારેક ચતુરાઈ ને વિનોદનો અનુભવ થાય છે. “મોહનજી તમે મોરલા હું વાડી રે” એ પદમાં મોરના ઉપમાનને કવિએ જે વિશિષ્ટ રીતે ખીલવ્યું છે તેમાં કલ્પનાની ચમત્કૃતિ છે. “મંદિર આવજો મારે, મારાં નેણ તપે પંથ તારે” જેવી પ્રાસાદિક અને ભાવની ઉત્કટતાવાળી પંક્તિઓ એમાં છે. “મૂકું ઝગડું ઝાંટુ રે” કે “લલોપત લુખ લખ કરાવે” જેવી પંક્તિઓમાં બોલચાલની તળપદી વાણીના સંસ્કાર છે. ‘હવે’ માટે ‘હાવા’ શબ્દ કવિ વખતોવખત વાપરે છે. ‘રે લોલ’ ને બદલે ‘રે લો’ જેવું ગરબીનું તાનપૂરક કે અન્ય ભાષાપ્રયોગોમાં જૂનાં તત્ત્વો સચવાયેલાં દેખાય છે. કવિનાં વૈરાગ્યબોધનાં પદ ઝાઝાં નથી, પરંતુ વણઝારા અને રેંટિયાના રૂપકથી આકર્ષક રીતે વૈરાગ્યની વાત કરતાં ૨ પદ ધ્યાનાર્હ છે. દયારામ પૂર્વે પ્રેમલક્ષણા ભક્તિનાં કેટલાંક સુંદર પદો રચવાં માટે રાજે નોંધપાત્ર કવિ છે.[શ્ર.ત્રિ.]