ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂજો-૨


પૂજો-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. આધોઈ ગામના રહીશ. તેમને માવજી નામે પુત્ર હતા જે સારા કવિ હતા. તેમનો કવનકાળ ઈ.૧૭૬૪થી ઈ.૧૮૨૪ નોંધાયેલો મળે છે તે પરથી કવિ પૂજાનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ માની શકાય. ૪ પ્રકરણોમાં વિભક્ત મારવાડી ભાષાની ગાઢ અસરવાળી ‘કાળ ચિંતામણિ’ (મુ.) નામની કવિની કૃતિ મળે છે. કવિની આ રચના દ્વારા તેમના જ્યોતિષ, વૈદક, યોગ અને ભાષા સાહિત્યના ઊંડા અભ્યાસનો પરિચય થાય છે. કવિએ ‘વિદુરની ભાજી’, ‘કુંડળિયા’, ‘થાળ’ એ કૃતિઓ ઉપરાંત પદ (૧મું.), દુહા, છપ્પા, સવૈયા પણ રચ્યાં છે. કૃતિ : ૧. ફાત્રૈમાસિક જુલાઈ-સપ્ટે. ૧૯૯૨-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’ સં. કચરાલાલ શ. સોની; ૨. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કવિ પૂજો અને તેની કાળચિંતામણિ’, સં. જયશંકર ઉ. પાઠક. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]