ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમસખી પ્રેમાનંદ


પ્રેમસખી પ્રેમાનંદ [જ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૫/સં. ૧૯૧૧, માગશર સુદ ૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ શ્રદ્ધેય માહિતી મળતી નથી. કેટલીક પ્રચલિત માહિતી મુજબ પૂર્વાશ્રમમાં તેઓ ગાંધર્વ એટલે ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધુર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાનંદ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં ‘પ્રેમસખી’ તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ’ કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો. પ્રેમસખીની ભક્તિકવિતાની વિશેષતા એ છે કે એમના પ્રિયતમ બે છે, એક ગોકુળવાસી કૃષ્ણ અને બીજા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બંને પ્રત્યે એકસરખી પ્રણયોર્મિ એમના હૃદયમાં વહે છે. એટલે કવિની ઘણી રચનાઓ કૃષ્ણવિષયક છે અને ઘણી રચનાઓ સહજાનંદવિષયક છે. તેમનું બધું સર્જન પદોમાં થયેલું છે, જેમાંનાં ઘણાં હિંદીમાં છે. આશરે દસેક હજાર પદ એમણે રચ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ચારેક હજારથી વધુ પદો ઉપલબ્ધ થતાં નથી. મોટાભાગનાં મુદ્રિત રૂપે મળતાં કવિના વિવિધ ભાષાઓ અને સંગીતજ્ઞાનનાં દ્યોતક આ પદોમાં કંઈક કથાતંતુ વણાયો હોય એવી કેટલીક પદમાળાઓ મળે છે. તેમાં ૬૫ પદની વિવિધ ઢાળોમાં રચાયેલી ‘તુલસીવિવાહ’(મુ.)ને કવિએ ‘વરણવું વૃંદાતણું આખ્યાન રે’ એમ કહી ઓળખાવી ભલે હોય, વાસ્તવમાં એ કવિની સૌથી લાંબી પદમાળા છે. પહેલા ૧૨ પદમાં વૃંદા અને જાલંધરની જાણીતી કથા આલેખાઈ છે. પછીના ભાગમાં ‘સગપણનું સુખડું’ લેવાની ઇચ્છાથી વસુદેવ અને ભીમક તુલસીશાલિગ્રામના પ્રતીકલગ્ન દ્વારા કૃષ્ણ અને રુક્મિણીના લગ્નનો આનંદ ફરીથી વિધિપૂર્વક કેવી રીતે માણે છે એની કથા છે. અહીં કવિએ લગ્નની મંડપરચના, ગણેશપૂજન, ગ્રહશાંતિ, યાદવ પક્ષની જાન, વરઘોડો, સામૈયું, ઉતારો, જમણ, પોંખણું, માયરું, પાણિગ્રહણ, ચોરી, મંગળફેરા, પહેરામણી, કન્યાવિદાય ઇત્યાદિનું વીગતે આલેખન કરી ગુજરાતમાં થતાં લગ્નોનું ચિત્ર ઉપસાવ્યું છે. રાધાકૃષ્ણના સંભોગશૃંગારને આલેખતી ૧૦ પદની ‘રાધાકૃષ્ણ વિવાહ’(મુ.), પ્રારંભનાં ૯ પદમાં અમદાવાદમાં નરનારાયણ મંદિરની સ્થાપના માટે આવેલા સહજાનંદ સવામીના અમદાવાદ આગમનને વર્ણવતી અને બાકીનાં ૧૦ પદોમાં કૃષ્ણ-અર્જુનની લીલાને આલેખતી ૧૯ પદની ‘નારાયણ-ચરિત્ર/નારાયણ-લીલા’(મુ.), કૃષ્ણની મિજાજી રાણી સત્યભામાની રીસ અને તેના મનામણાને આલેખતી ૧૬ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), એકાદશીની ઉત્પત્તિની કથા કહેતી આંશિક રૂપે કથાત્મક ૮૮ પદની ‘એકાદશી આખ્યાન’ (મુ.) કવિની પૌરાણિક વિષયવાળી અન્ય પદમાળાઓ છે. સહજાનંદ સ્વામીએ નાની ઉંમરે ઘરમાંથી નીકળી સાત વર્ષ વનવિચરણ દરમ્યાન કરેલી લીલાને આલેખતી ૮ પદની ‘વન-વિચરણ-લીલા’(મુ.), વડોદરામાં સયાજીરાવે સહજાનંદનું જે દબદબાપૂર્ણ સ્વાગત કર્યું તે પ્રસંગને આલેખતી, હિંદીમાં રચાયેલી, ૧૫ પદની ‘વટપતન-લીલા’ (મુ.), લોયા ગામમાં ૨ મહિના માટે આવીને સહજાનંદ રહેલા તે પ્રસંગને આલેખતી ૬ પદની ‘લેયાની લીલાનાં પદ’ (મુ.), ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’ એ પદથી આરંભાતી ને સહજાનંદની વડતાલયાત્રાને વર્ણવતી ૪ પદની પદમાળા(મુ.), સહજાનંદના નિવાસને લીધે પવિત્ર બનેલા ગઢડાના માહાત્મ્યને વર્ણવતી ૮ પદની ‘દર્ગપુર-મહાત્મ્ય’(મુ.), ગઢડામાં આવેલી ઘેલો નદીને ઉન્મત્તગંગા તરીકે ઓળખાવી એમાં સ્નાન કરતાં સહજાનંદના સ્પર્શથી તે યમુના કરતાં પણ વિશેષ પવિત્ર બને છે એ વાતને વિશેષત: સંવાદાત્મક રૂપમાં કહેતી, ૧૮ પદમાં રચાયેલી ‘ઉન્મત્તગંગા-મહાત્મ્ય’ (મુ.) સહજાનંદનું માહાત્મ્ય કરતી પદમાળાઓ છે. અલબત્ત કવિની ખરી શક્તિ તો પ્રગટ થઈ છે વિવિધ ભાવનાં સંગીતમય મધુર પદોમાં (મોટાભાગનાં મુ.). એમાં કૃષ્ણની ગોકુળલીલાની વિવિધ અવસ્થાઓ સાથે સંબંધિત કૃષ્ણભક્તિનાં પદો મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની કવિતા સાથે અનુસંધાન જાળવે છે. એમાં કૃષ્ણની બાળલીલાનાં અને ગોપીની કૃષ્ણ પ્રત્યેની શૃંગારભક્તિનાં પદો સંખ્યા અને કાવ્યગુણ બન્ને દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. અલબત્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોને કારણે કવિનાં શૃંગારભક્તિનાં પદોમાં નરસિંહ કે દયારામનાં પદો જેવો ઉત્કટ સંભોગ નથી. એમાં મીરાબાઈનાં પદોની જેમ કૃષ્ણમિલનનો તલસાટ વિશેષ છે. કવિનાં સહજાનંદભક્તિનાં પદોમાં જેમને ‘હરિસ્વરૂપ-ધ્યાન સિદ્ધિનાં પદ/ધ્યાનમંજરી’ તરીકે ઓળખવામાં આવે છે તેમાં સહજાનંદ સ્વામીના અંગપ્રત્યંગનું ભાવપૂર્ણ આલેખન કરતાં પદો છે. પરંતુ સહજાનંદ સ્વામીના પ્રવાસ નિમિત્તે થતા વિયોગમાંથી રચાયેલાં અને સહજાનંદના મૃત્યુ પછી રચાયેલાં વિરહનાં પદો કવિની સહજાનંદપ્રીતિને લીધે જન્મેલી શોકવિહ્વળ દશાને ઉત્કટ રીતે પ્રગટ કરતાં હોવાથી વધારે આસ્વાદ્ય બન્યાં છે. એ સિવાય કવિએ કેટલાંક સાંપ્રદાયિક રંગવાળાં બોધાત્મક પદો અને અન્ય ભક્તકવિઓની કવિતામાં જોવા મળતાં સામાન્ય વૈરાગ્યબોધનાં પદો પણ રચ્યાં છે. એમાં ઈશ્વરપ્રાર્થનાનાં પદો એમાંના આર્જવથી, એમાં અનુભવાતી સૂફીઓના જેવી પ્રેમમસ્તીથી ને ગઝલની ફારસીશૈલીથી ધ્યાનપાત્ર બન્યાં છે. ૪૩ દોહામાં રચાયેલી સદ્ગુરુને શોધી કાઢવાની યુક્તિ બતાવતી વૈરાગ્યબોધક ‘વિવેકસાર’, આખ્યાનકાર પ્રેમાનંદની ‘સ્વર્ગનિસરણી’ને અનુસરી રચાયેલી, યમપુરીમાં જીવનની યાતનાને આલેખતી, ૨ પદ ને ૧૧૮ કડીની ‘નિસરણી’, કૃષ્ણના રાસોત્સવને આલેખતી ૩૦ પદની ‘રાસમણલીલા’, ૨૧૨ શ્લોકવાળી ‘શિક્ષાપત્રી’નો દુહામાં કરેલો અનુવાદ ઇત્યાદિ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. પ્રેમસખી પદાવલિ, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮ (+સં.); ૨. પ્રેમાનંદકાવ્ય : ૧-૨, સં. ઈશ્વરદાસ ઈ.મશરૂવાળા, ઈ.૧૯૧૯;  ૩. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૪. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૫. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૬. પ્રાકાસુધા : ૨; ૭. બૃકાદોહન : ૧, ૩, ૫, ૬. સંદર્ભ : ૧. પ્રેમસખી પ્રેમાનંદ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર;  ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. મસાપ્રકારો;  ૬. ગૂહાયાદી.[ચ.મ.]