ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પંચપાંડવચરિત-રાસ’


‘પંચપાંડવચરિત-રાસ’ [ર.ઈ.૧૩૫૪] : ૧૫ ઠવણી ને ૩૦૦થી વધારે કડીઓમાં રચાયેલો પૂર્ણિગચ્છના જૈન સાધુ શાલિભદ્ર સૂરિનો ગેયત્વપૂર્ણ આ રાસ(મુ.) મહાભારતની સંપૂર્ણ કથાને સંક્ષેપમાં આલેખતી પૌરાણિક વિષયની અત્યારે ઉપલબ્ધ પહેલી ગુજરાતી કૃતિ છે. મહાભારતની જૈન પરંપરાને અનુસરતા આ કાવ્યના કથાનકમાં શાંતનું-ગંગાનાં લગ્ન, પુત્રજન્મ પછી ગંગાએ કરેલો રાજાનો ત્યાગ, પાંડુ-કુંતિનાં ગુપ્ત રીતે થયેલા લગ્નમાંથી કર્ણનો જન્મ, દ્રૌપદીએ અર્જુનને પહેરાવેલી વરમાળા પાંચે ભાઈઓના ગળામાં દેખાયાની ઘટના અને ચારણમુનિ દ્વારા થયેલું આ ઘટનાનું અર્થઘટન, પાંડવોના પૂર્વજન્મની કથા ઇત્યાદિ પ્રસંગોનું નિરૂપણ મૂળ મહાભારતની કથાથી જુદું પડે છે. નવકાર મંત્રની શક્તિ દર્શાવતા પ્રસંગ કે કાવ્યને અંતે વિદુર ને પાંડવોએ ગ્રહણ કરેલી દીક્ષા, એને બાદ કરતાં કથામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો સીધો બોધ નથી એ આ કૃતિની વિશિષ્ટતા છે. આખ્યાનની નિકટની પુરોગામી ગણી શકાય એવી આ કૃતિમાં કવિના સંક્ષેપમાં કથા કહેવાના કૌશલ, યુદ્ધનાં વર્ણનોમાં થયેલી વીરરસની જમાવટ, પ્રસંગ બદલાતાં છંદનું પણ બદલાવું, ચોપાઈ-દુહા-સોરઠા-વસ્તુ વગેરે છંદોમાં થયેલું સંયોજન તથા એમાં સિદ્ધ થયેલું મધ્યકાલીન ગુજરાતીનું ભાષારૂપ ધ્યાનપાત્ર છે.[ભા.વૈ.]