ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રહલાદ-આખ્યાન’


‘પ્રહલાદ-આખ્યાન’ [ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧] : વસાવડના કવિ કાળિદાસકૃત ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) ઢાળ સાથે એકથી વધુ વાર વલણ, ઊથલો (આરંભમાં પણ), પૂર્વછાયો નામક અંશોને પ્રયોજતો વિલક્ષણ કડવાબંધ ધરાવે છે. કવિએ અહીં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું વૃત્તાંત વીગતે આલેખવા ઉપરાંત એમના જન્માંતરો રૂપે જય-વિજયની અને શિશુપાલની તથા નૃસિંહાવતારની સાથે વરાહ અવતારની કથા વણી લીધી છે. કથાવસ્તુના આ વિસ્તાર ઉપરાંત કવિની નિરૂપણશૈલી પણ વાક્છટાયુક્ત અને પ્રસ્તારી છે. પ્રારંભે મુકાયેલી ગણેશ અને સરસ્વતીની બે કડવાં ભરીને થયેલી સ્તુતિ આનું એક લાક્ષણિક દૃષ્ટાંત છે. હિરણ્યાક્ષની દર્પોક્તિ ગર્વિષ્ઠ હિરણ્યકશિપ અને શ્રદ્ધાન્વિત પ્રહ્લાદ વચ્ચેનો સંવાદ, દેવો અને ભક્તોની ઈશ્વરપ્રાર્થનાઓ અને યુદ્ધના તાદ્દશ આલેખન જેવા રસપ્રદ અંશો ધરાવતી આ કૃતિનાં કેટલાંક પદ્યો અને સુગેયતાને કારણે લોકપ્રચલિત બનેલાં છે. ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ ધ્રુવાઓ અને નિર્દેશાયેલા વિવિધ રાગો આખ્યાનની સુગેયતાના પ્રમાણરૂપ છે. [ર.સો.]