ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવપ્રભ સૂરિ-ભાવરત્ન સૂરિ


ભાવપ્રભ(સૂરિ)/ભાવરત્ન(સૂરિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના જૈન સાધુ. વિદ્યાપ્રભની પરંપરામાં મહિમાપ્રભના શિષ્ય. પિતા માંડણ. માતા બાદલા. સૂરિપદ પહેલાનું દીક્ષાનામ ભાવરત્ન. દેવચંદ્રજીના સમકાલીન. તેમણે પાટણમાં સહસ્ત્રકૂટ મંદરિની પ્રતિષ્ઠા કરી હતી. ૨૯૫ કડીનો ‘ચંદ્રપ્રભસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૯૮), ૮૪૯ કડીનો ‘હરિબલમચ્છીનો રાસ’ (ર.ઈ.૧૭૧૩/સં.૧૭૬૯, કારતક વદ ૩, મંગળવાર), ‘જયવિજયનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૧૩), ૪૨ ઢાલ અને ૨ ખંડમાં વહેંચાયેલો ‘ધન્યબૃકહદ્ શાલિભદ્ર-રાસ/ધન્ય-રાસ’ (ર.ઈ.૧૭૧૬), મહાવીર સ્વામીની શ્રાવિકા સુલસા અને અંબડદેવની કથા નિરૂપતો ‘અંબડ-રાસ’ (ર.ઈ.૧૭૧૯/સં.૧૭૭૫, જેઠ વદ ૨, રવિવાર), પોતાના ગચ્છધિપતિના જીવન અને નિર્વાણનું નિરૂપણ કરતો ૯ ઢાળમાં વહેંચાયેલ ‘મહિમાપ્રભસૂરિ નિર્વાણ કલ્યાણક-રાસ’ (ર.ઈ.૧૭૨૬(૧૬)/સં.૧૭૮૨(૭૨), પોષ સુદ ૧૦), ‘સુકડીઓરસિયા સંવાદ-રાસ’ (ર.ઈ.૧૭૨૬), ૨૦ ઢાળનો ‘સુભદ્રાસતી-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, મહા સુદ ૩, શુક્રવાર), ૨ ખંડનો ‘બદ્ધિવિમલાસતી-રાસ/વિમલાસતી-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૯, માગશર સુદ ૨, ગુરુવાર) એ તેમની રાસ કૃતિઓ છે. આ ઉપરાંત ૪૨/૪૩ કડીની ‘શ્રીઝાંઝરિયામુનિની ચાર ઢાલની સઝાય’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, અસાડ સુદ ૨, સોમવાર; મુ.), ૯ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ૧૧ કડીનું ‘ભટેવા-પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, કારતક સુદ ૬, બુધવાર; મુ.), ‘વીશી’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, વૈશાખ વદ ૭, સોમવાર), ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ફાગણ સુદ ૩, સોમવાર), ૪ કડીની ‘અધ્યાત્મોપયોગિનીસ્તુતિસસ્તબક/મહાવીર-જિનસ્તુતિ-સસ્તબક’ (ર.ઈ.૧૭૪૦), ૩ ઢાળની ‘જિનપાલિત જિનરક્ષિતની સઝાય’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, શ્રાવણ-; મુ.), ૪ કડીની ‘અધ્યાત્મ-સ્તુતિ’(મુ.), ૩૭ કડી અને ૫ ઢાળની ‘અષાઢભૂતિની સઝાય/અષાઢાભૂતિનું પંચઢાળિયું’(મુ.), ૮ કડીની ‘આત્મોપદેશ-સઝાય’(મુ.), ૧૨૧૬ ગ્રંથાગ્રનો ‘કાવ્યસૂત્ર-સ્તબક’, ૧૭ કડીની ‘ખંધકઋષિ-સઝાય’, ૩૮ કડીનું ‘ચૈત્રીપૂનમદેવવંદન વિધિગર્ભિત-સ્તવન’, ‘ચૈત્યવંદન-ચતુર્વિંશતિકા’, ૧૦ કડીનો ‘જિનસંખ્યાદિ-વિચારમયદોધક-બાલાવબોધ’, ૧૨ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (મુ.), ૧૨ કડીની ‘દશ દૃષ્ટાંત સંક્ષેપ-સઝાય’, ૧૧ કડીની ‘નવવાડની સઝાય’ (મુ.), ૪ કડીની ‘પજુસણની સ્તુતિ’(મુ.), ‘પંચજિનનમસ્કાર-સ્તુતિ આદિ’, ૨૭ કડીની ‘પાહુડપચવીસી’, ‘મહિમાપ્રભસૂરિ-ગહૂંલી’, ૭૩ કડીનું ‘સાસયપડિમાઅધિકાર-સંથવણ’, કોશા અને સ્થૂલિભદ્રના સંવાદરૂપે કુલ ૧૫ કડીની ‘સ્થૂલિભદ્રજી તથા કોશ્યાની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ રચી છે. તેમણે સંસ્કૃતમાં કેટલીક ટીકાઓ લખી છે, જેમાં ‘ભક્તામર-સમશ્યાપૂર્તિ (નેમિભક્તામર)સ્તવન’ની ટીકા (ર.ઈ.૧૭૨૮), ‘કલ્યાણમંદિરસ્તોત્ર’ની ટીકા, યશોવિજયના ‘પ્રતિમાશતક’ પરની ટીકા (ર.ઈ.૧૭૩૭), ‘નયોપદેશ’ પર લઘુ ટીકા, કાલિદાસકૃત ‘જ્યોતિર્વિદ્યાભરણ’ પર ‘સુખસુબોધિકા’ નામની ટીકાઓનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ગદ્યકૃતિ ‘લોકરૂઢભાષા જ્ઞાનોપયોગી-સ્તુતિચતુષ્ક-બાલાવબોધ’ મળે છે. તેમણે પ્રાભાતિક-પાક્ષિક વગેરે પ્રતિક્રમણવિધિના અનુસંધાનમાં કેટલાંક સ્તવનો, ચોપાઈઓ, સવૈયા અને સઝાયો રચ્યાં છે. ‘દેવ-ધર્મ-પરીક્ષા’, ‘ચંદ્રપ્રભસૂરિ-રાસ’, ‘જયવિજયનૃપ-રાસ’, ‘જિન-સંખ્યાદિ-વિચારમય-દોધક-બાલાવબોધ’, ‘મહાવીર જિન સ્તુતિ’ અને ‘સ્તવન-ચોવીસી’ની પ્રતો કર્તાના હસ્તાક્ષરમાં મળે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં ‘મહિમાપ્રભ’ના નામે મૂકવામાં આવેલી ‘મુહપત્તિપચાસ-પડિલેહણ-સઝાય’ના કર્તા પણ પ્રસ્તુત ભાવપ્રભ હોવા સંભવ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૫. જૈસમાલા (શા) : ૩; ૬. જૈસસંગ્રહ(જૈ.); ૭. જૈસસંગ્રહ(ન.); ૮. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ (અં.), સં. ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮; ૯. દેસ્તસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ; ૧૧. સઝાયમાળા(જા.) : ૧-૨; ૧૨. સઝાયમાળા (પં.);  ૧૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૨-‘મુનિભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેવસુરાસમાળા;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકૅટલૉગબીજે; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]