ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભરતેશ્વરબાહુબલિ-રાસ’


‘ભરતેશ્વરબાહુબલિ-રાસ’ [ર.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫] : જૈન કવિ શાલિભદ્રસૂરિની દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરેની દેશીઓની બનેલી ૧૪ ઠવણી અને વચ્ચે વસ્તુ છંદ એ પ્રકારની કુલ ૨૦૩ કડીઓના બંધવાળી આ મુદ્રિત રાસકૃતિ ગુજરાતી સાહિત્યની કેટલીક પ્રાચીન રચનાઓમાંની એક છે. ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધમાં બાહુબલિના વિજય અને અંતે બાહુબલિના દીક્ષાગ્રહણને આલેખતી આ કૃતિ મુખ્યતયા વીરરસપ્રધાન છે. બાહુબલિનું વીર ને ઉદાત્ત ચરિત્ર, ચક્રધર ભરતની વિજયયાત્રા, બાહુબલિના નગરનું વર્ણન, ભરતના દૂત અને બાહુબલિ વચ્ચેનો સંવાદ, યુદ્ધનાં વર્ણનોમાં થયેલો ડિંગળશૈલીનો ઉપયોગ, અલંકારયુક્ત જોમવાળી ભાષા કાવ્યના આકર્ષક અંશો છે. ‘પાટધર’, ‘ફાગુણ’, ‘સાંભલઉં’ વગેરે પ્રયોગો એના અપભ્રંશથી જૂની ગુજરાતી તરફ ગતિ કરતી ભાષાનો સંકેત કરે છે, જે એને ભાષાકીય દૃષ્ટિએ પણ મહત્ત્વની ઠેરવે છે. [ભા.વૈ.]