ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભ્રમરગીતા’


‘ભ્રમરગીતા’ [ર.ઈ.૧૫૫૩/સં.૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમવાર] : ભાગવતના ઉદ્ધવ-ગોપી પ્રસંગ પર આધારિત બ્રેહેદેવની ૪૦ કડવાં અને ૧૧ પદ (જેમાં કેટલાંક વ્રજમાં છે)માં રચાયેલી મધ્યકાલીન ગુજરાતીની આ જાણીતી રચના(મુ.) છે. કવિ કાવ્યને ‘રઢિયાલો રાસ સોહામણો’ કહે છે ખરા, પરંતુ રાસમાં આવતાં લાંબા કડવાંને બદલે કવિએ નરસિંહની ‘ચાતુરીઓ’ની પદ્ધતિએ નાનાં કડવાં પ્રયોજ્યાં છે. મુખ્યત્વે ઉદ્ધવ-ગોપી સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં કવિ પ્રસંગાલેખન અને ભાવનિરૂપણની બાબતમાં ભાગવતને અનુસરે છે. સ્ત્રીસહજ કોમળતા ને આભિજાત્યથી કૃષ્ણને અપાયેલો ઉપાલંભ, અને જ્ઞાનનો ઉપદેશ આપતા ઉદ્ધવનું ધ્યાન કુનેહપૂર્વક ગોકુળનાં વિવિધ સ્થળો બતાવવા નિમિત્તે એ સ્થળો સાથે સંકળાયેલી કૃષ્ણની સ્મૃતિ તરફ વાળી દેવામાં ગોપીઓનો કૃષ્ણ માટેનો ઉત્કટ પ્રેમ અને તજજન્ય વિરહ સુંદર રીતે વ્યક્ત થાય છે. “કાલા સઘલા હોએ કૂડિ ભરા” એ કડવાનો ઉપાલંભ ને “ઉદ્ધવ સાથિ સંદેશડું, કહાવિ રે ગોકુલની નારય” જેવું વિરહની ઉત્કટતાવાળું પદ એનાં નમૂના છે. દયારામનાં કોઈક પદો પર આ કૃતિની અસર દેખાય છે. કૃતિની ઉપલબ્ધ થતી અનેક હસ્તપ્રતો અને લોકપ્રિયતાની સૂચક છે.[જ.ગા.]