ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંજુકેશાનંદ


મંજુકેશાનંદ [ઈ.૧૯મી સદીનો પૂર્વાર્ધ-અવ. ઈ.૧૮૬૩/સં. ૧૯૧૯, કારતક વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. વતન માણાવદર. પિતા વાલાભાઈ પટેલ. માતા જેતબાઈ.મૂળનામ ભીમજીભાઈ હોવાનું અનુમાન. વૈદકનું ઊંડું જ્ઞાન. સત્સંગના પ્રચારાર્થે ઘણાં ગામોમાં મંદિર બંધાવ્યાં. તેમણે રચેલી કૃતિઓમાં કામક્રોધાદિરૂપ અધર્મનું ક્ષમાસંતાષાદિ ધર્મ સાથે યુદ્ધ અને ધર્મની જીતને ૧૧ વિશ્રામોમાં વર્ણવતી ‘ધર્મપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, કારતક સુદ ૨; મુ.), ૫૦૦થી વધારે દીક્ષા પામેલા સંતોનાં નામોને દુહા-ચોપાઈ, અને મોતીદામ છંદમાં વર્ણવતી ‘નંદમાલા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, આસો વદ ૩૦; મુ.), સહજાનંદ સ્વામીના ઇશ્વરીય ચરિત્રને ઉપસાવતી દુહા, સોરઠા, ચોપાઈના ૨૭ અધ્યાયની ‘ઐશ્વર્યપ્રકાશ’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ચૌત્ર સુદ ૯; મુ.), શ્રી હરિ અને પ્રેમાવતી માતાના સંવાદ રૂપે સત્પુરુષલક્ષણ, વર્ણાશ્રમધર્મ, જ્ઞાનવૈરાગ્યભક્તિનું સ્વરૂપ વર્ણવતી, ૫ અધ્યાયની ‘હરિગીતા-ભાષા’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.), પુરાણોમાંથી એકાદશી મહિમાની કથાઓને ૮૪ કડવાં અને વિવિધ રાગનાં ૧૯ પદોમાં રજૂ કરતી ‘એકાદશી-મહાત્મ્ય’ (મુ.)નો સમાવેશ થાય છે. ‘કીર્તનસંગ્રહ’(મુ.)માં કવિનાં ગુજરાતી-હિન્દી પદો સંગૃહિત થયાં છે. ગરબી, ધોળ, તિથિ, થાળ, મહિના ઇત્યાદિ રૂપે મળતાં આ પદોમાં સહજાનંદભક્તિ અને લીલા તથા ભક્તિશૃંગારનું ગાન છે. કેટલાંક જ્ઞાનવૈરાગ્યબોધનાં પદોમાં દૃષ્ટાંતોનો આશ્રય લઈ કવિની વાણી ધર્મને નામે ચાલતાં અનિષ્ટો પર પ્રહાર કરે છે. સંસ્કૃતમાં ‘સ્તોત્રાણિ’ નામથી કેટલાંક સ્તોત્ર કવિએ રચ્યાં છે. કૃતિ : ૧. મંજુકેશાનંદકાવ્યમ્, સં. કૃષ્ણસ્વરૂપદાસ, જ્ઞાનપ્રકાશદાસ, ઈ.૧૯૭૧ (+સં.);  ૨. કીરતનસંગ્રહ, પ્ર. મંછરામ ઘેલાભાઈ, ઈ.૧૮૯૦; ૩. ગુકાદોહન; ૪. બૃકાદોહન : ૧; ૫. ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસાપઅહેવાલ : ૫; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ : ૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૯. મસાપ્રવાહ; ૧૦. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯;  ૧૧. ગૂહાયાદી.[ચ.મ. , શ્ર.ત્રિ.]