ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયારામ મેવાડી-૨


મયારામ(મેવાડી)-૨ [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દયારામની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું કવિત્વ નથી. કવિની સઘળી કૃતિઓમાં શિવસ્તુતિ છે. ‘કવિચરિત’ આ કવિએ ઈ.૧૭૯૧માં ‘શિવવિવાહ’ કાવ્ય રચ્યું હોવાનું નોંધે છે. ‘શિવપદસંગ્રહ’માં મુખ્યત્વે મુદ્રિત આ કવિની રચનાઓ સાથે ૬ પદ ને ૬૮ કડીનું ‘શિવવિવાહ’ કાવ્ય ‘શિવદાસ’ની નામછાપવાળું મળે છે. ‘શિવદાસ’ શબ્દ શિવનો દાસ એ વ્યાપક અર્થમાં વપરાયું હોવાની શક્યતા સ્વીકારીએ તો આ રચના આ કવિની હોવાનું માનવું પડે. એ સિવાય ૧૫ પદ ને ૧૮૯ કડીની સતી સીમંતિનીની શિવભક્તિનો મહિમા ગાતી ‘સોમપ્રદોષવ્રત’(મુ.), વ્રજની અસરવાળાં ૬ પદની ‘શિવજીનો ફાગ’(મુ.), ૭ પદમાં રચાયેલાં ‘શિવજીના સાતવાર’(મુ.), ૩૨ કડીની ‘શિવભક્તમાલ’(મુ.), ૨૫ કડીની ‘શિવ-પંચાક્ષરમાહાત્મ્ય’ (મુ.) તથા અન્ય શિવભક્તિનાં પદ(મુ.) કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. શિવપદસંગ્રહ : ૧, અંબાલાલ શં.પાઠક, ઈ.૧૯૨૦;  ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૦-‘શિવજીનો ફાગ’ (મયારામકૃત), ભૂપેન્દ્ર બા. ત્રિવેદી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[કી.જો.]